લંડનઃ યુકેમાં ૧૯૨૦ના દાયકાના પૂર્વાર્ધમાં કાનૂની ક્ષેત્રમાં પ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર તરીકે વ્યાપક પ્રદાન બદલ કોર્નેલિઆ સોરાબજીના ગુણગાન ગવાયા છે ત્યારે ‘An Indian Portia’ પુસ્તકના એડિટર ડો. કુસુમ વડગામાએ ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે આવું સન્માન પ્રાપ્ત કરનારા સોરાબજી સર્વપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર ન હતાં પરંતુ, તેઓ બીજા ક્રમે હતાં. જોકે, ઓક્સફર્ડમાં કાનૂનનો અભ્યાસ કરનારા કોઈ પણ નાગરિકતાના સૌપ્રથમ મહિલા અવશ્ય હતાં. વાસ્તવમાં, મિથાન ટાટા જાન્યુઆરી ૧૯૨૩માં બારમાં સ્થાન અપાયેલાં અને સૌપ્રથમ પ્રેક્ટિસ કરનારાં ભારતીય મહિલા બેરિસ્ટર હતાં. સોરાબજી જૂન ૧૯૨૩માં આવ્યાં હતાં.
મિથાનનો જન્મ ૧૮૯૮માં મહારાષ્ટ્રના પારસી પરિવારમાં થયો હતો અને તેમણે અમદાવાદ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં બાળપણ વીતાવ્યું હતું. તેમના પિતા આરદેશિર ટાટા ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવાથી તેઓ જ્યાં કામ કરે ત્યાં પરિવારને સાથે લઈ જતા હતા. તેમના પિતા ૧૯૧૩માં બોમ્બેમાં મોટી ટેક્સટાઈલ મિલ ચલાવતા હતા ત્યારથી મિથાન ત્યાં રહેવાં લાગ્યાં હતાં. મિથાને ઈકોનોમિક્સમાં પ્રથમ ક્રમ સાથે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી પ્રતિષ્ઠિત કોબડેન ક્લબ મેડલ મેળવ્યો હતો. તેમની માતા હેરાબાઈ નારી આધિકારોના પ્રખર હિમાયતી હતાં. હેરાબાઈ પ્રિન્સેસ સોફિયા દુલીપ સિંહને પણ મળ્યાં હતાં.
લંડનમાં રોયલ કમિશન ૧૯૧૯માં ભારતના ભાવિનો વિચાર કરી રહ્યું હતું ત્યારે માતાથી પ્રભાવિત મિથાનને ભારતીય સ્ત્રીઓ માટે રાજકીય મત સહિત મહિલા અધિકારો માટે લડવાની તાલાવેલી લાગી હતી. સરોજિની નાયડુના પ્રવચનથી પ્રેરણા મેળવી ૨૧ વર્ષીય મિથાન સાઉથ બરો કમિશન ઓન રીફોર્મ્સ સમક્ષ રજૂઆત કરતા માતા હેરાબાઈ સાથે ઈંગ્લેન્ડ જવાં રવાના થયાં. સરોજિની નાયડુ, એની બેસન્ટ સહિતના નેતાઓ કમિશન સમક્ષ રજૂઆતો કરવા ઈંગ્લેન્ડ જ હતાં.
મિથાને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર ડીગ્રી મેળવવા સાથોસાથ બાર માટેની તૈયારી કરવા લંડનમાં જ રોકાણ કર્યું હતું. મિથાન અને હેરાબાઈએ ચાર વર્ષ માટે ૧૬ ટેવિસ્ટોક સ્ક્વેરમાં રુમ્સ પણ રાખ્યાં હતાં. મિથાને બોમ્બે વિમેન્સ કમિટી ઓફ સોશિયલ વર્કર્સ વતી ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનો પ્રવાસ ખેડી ભારતીય મહિલાઓનાં સમાન મતાધિકારોની જરુરિયાતો વિશે પ્રવચનો આપ્યાં હતાં. ભારતીય મહિલાના મતાધિકાર માટે હાઉસ ઓફ કોમન્સમાં સંબોધનો કરનારાં એની બેસન્ટ, સરોજિની નાયડુ અને મેજર ગ્રેહામ પોલની સાથે મિથાન પણ હતાં. આના પરિણામે, એક્ટ ઓફ પાર્લામેન્ટ તરીકે પ્રથમ ઈન્ડિયન રીફોર્મ બિલ પસાર થયું હતું. જોકે, ૧૯૨૧માં મહિલાને મત આપવા દેનારું એક માત્ર મદ્રાસ રાજ્ય હતું.
બારમાં સ્થાન મેળવ્યાં પછી મિથાન ભારત પરત આવ્યાં અને મુંબઈ હાઈ કોર્ટમાં નોંધણી કરાવી હતી. તેઓ પ્રેક્ટિસ કરનારા સૌપ્રથમ અને કેટલાક વર્ષ સુધી એકમાત્ર મહિલા બેરિસ્ટર બની રહ્યાં. જોકે, અકળ કારણોસર તેમણે ત્રણ વર્ષ પછી પ્રેક્ટિસ છોડી દીધી. તેમની નિયુક્તિ જસ્ટિસ ઓફ પીસ અને એક્જિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પારસી મેરેજ એક્ટ ઓફ ૧૮૬૫ની કમિટીના સભ્યપદે કરવામાં આવી હતી, જેનાથી તેઓ પારસી મેરેજ એન્ડ ડાઈવોર્સ એક્ટ ઓફ ૧૯૩૬ તરીકે ઓળખાયેલા કાયદામાં સુધારામાં ફાળો આપી શક્યાં હતાં. મિથાને મુંબાઈ લો કોલેજમાં પાર્ટ-ટાઈમ પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.
મિથાને ૧૯૩૩માં ધારાશાસ્ત્રી અને પબ્લિક નોટરી જમશેદ સોરાબ લામ સાથે લગ્ન કર્યાં હતાં. તેમના પુત્ર સોરાબ લામે યુકેના નામાંકિત ઓર્થોપીડિક અને ટ્રોમા સર્જન તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. મિથાન તેમના જીવનના બાકીના વર્ષોમાં નારી સંસ્થાઓ તેમજ મુંબઈની સૌથી ખરાબ ઝૂંપડપટ્ટીમાં એક માટુંગા લેબર કેમ્પ જેવા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહ્યાં હતાં. તેઓ ૧૯૪૭માં મુંબઈના પ્રથમ મહિલા શેરીફ તરીકે નિયુક્ત કરાયાં હતાં. તેમણે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોના રાહત અને પુનર્વસન માટે સ્થપાયેલી કમિટીનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. ભારતીય સમાજને તેમના વ્યાપક પ્રદાનને ધ્યાનમાં ભારત સરકારે ૧૯૬૨માં તેમને પદ્મભૂષણ એર્વોર્ડથી સન્માનિત કર્યા હતા.
જીવનના પાછલા વર્ષોમાં બધિરતાના કારણે મિથાનને એકલવાયું જીવન જીવવું પડ્યું હતું. આમ છતાં, પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરતાં રહ્યાં હતાં. સુખી લગ્નજીવનના ૪૫ વર્ષ પછી મોતના લીધે પતિનો સંગાથ છૂટી જતાં મિથાનને ભારે આઘાત લાગ્યો હતો અને માત્ર અઢી વર્ષ પછી તેઓ પણ ફાની દુનિયા છોડી ગયાં હતાં.