મુંબઇઃ ભારતની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી નાખનારા ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ‘ટાડા’ સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે તેના બે સાથીદારો મોહમ્મદ તાહિર મર્ચન્ટ અને ફિરોઝ અબ્દુલ રાશિદ ખાનને ફાંસીની સજા ફરમાવાઇ છે. કેસના અન્ય આરોપી કરીમુલ્લાહ ખાનને આજીવન કેદ અને બે લાખ રૂપિયાનો દંડ અને રિયાઝ સિદ્દીકીને ૧૦ વર્ષ કેદની સંભળાવી છે. એક સમયે જેના નામમાત્રથી લોકો ધ્રૂજતા હતા હતા તે અબુ સાલેમ સજા સાંભળતા જ રડી પડ્યો હતો.
આ કેસમાં ૧૬ જૂન ૨૦૧૭ના રોજ ‘ટાડા’ કોર્ટના ન્યાયાધીશ જી.એ. સનપે અબુ સાલેમ, મુસ્તફા ડોસા, કરીમુલ્લાહ ખાન, ફિરોઝ અબ્દુલ રશીદ ખાન, રિયાઝ સિદ્દીકી અને તાહિર મર્ચન્ટને વિસ્ફોટોના ષડયંત્ર રચવા માટે દોષિત ઠરાવ્યા હતા. જ્યારે એક આરોપી અબ્દુલ કયુમને છોડી મૂક્યો હતો. કેસના મહત્ત્વના આરોપી મુસ્તફા ડોસા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો છે.
મહાનગર મુંબઇમાં ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતાં અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતાં. બે કલાકના સમયગાળામાં થયેલા ૧૨ વિસ્ફોટોમાં લગભગ ૨૭ કરોડ રૂપિયાની માલમિલકતને નુકસાન થયું હતું.
બાબરી મસ્જિદ ધ્વંસનો બદલો લેવા વિસ્ફોટો
કેસની તપાસ કરનાર સીબીઆઈના જણાવ્યા મુજબ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ થયા પછી ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરાયા હતા. આ વિસ્ફોટો દુનિયાનો પહેલો એવો આતંકી હુમલો હતો જ્યાં બીજા વિશ્વ યુદ્ધ બાદ આટલા જંગી પ્રમાણમાં આરડીએક્સનો ઉપયોગ કરાયો હતો.
વર્ષ ૨૦૧૧માં કેસની સુનાવણી શરૂ થઇ હતી, જે આ વર્ષે માર્ચમાં પૂરી થઈ હતી. ૧૬ જૂનના રોજ અબુ સાલેમ સહિત પાંચ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. આ કેસમાં ૩૩ આરોપીઓ હજુ પણ ફરાર છે. જેમાં મુખ્ય કાવતરાખોર દાઉદ ઈબ્રાહિમ, તેનો ભાઈ અનીસ ઈબ્રાહિમ, મુસ્તફા ડોસાનો ભાઈ મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ સામેલ છે.
સજાનો આ બીજો કેસ
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા સંભળાવવાનો આ બીજો મામલો છે. પહેલો મામલો ૨૦૦૭માં પૂરો થયો હતો. જેમાં ૧૦૦ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યાં હતાં. જેમાં યાકુબ મેમણ અને બોલિવૂડ એક્ટર સંજય દત્તનો પણ સમાવેશ થતો હતો. યાકુબને ગયા વર્ષે જ ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો. સાલેમ અને અન્ય વિરુદ્ધ અલગ અલગ કેસ ચલાવવામાં આવ્યાં હતાં કારણ કે આ આરોપીઓ પાછળથી પકડાયા હતાં.
અબુ સાલેમને ફાંસી કેમ નહીં?
અબુ સાલેમ પર આરોપ હતો કે તેણે ગુજરાતથી મુંબઈના દરિયાકાંઠે હથિયારો અને દારૂગોળાનો સામાન સ્મગલ કર્યો હતો. જેથી સમય આવ્યે મુંબઈમાં હુમલો કરાવી શકાય. તેણે આ સામાનમાંથી બોલિવૂડ એક્ટર સંજય દત્તને પણ હથિયાર આપ્યા હતાં. અબુ સાલેમે સંજય દત્તને એકે-૫૬ રાયફલ, ૨૫૦ બુલેટ્સ અને હાથગોળા તેના ઘરે ૧૬ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ રખાવ્યાં હતાં. બે દિવસ બાદ ૧૮ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ અબુ તેના બે સાથીઓ સાથે દત્તના વાંદરા વેસ્ટ ખાતેના ઘરે ગયો અને બંને રાયફલો અને કેટલીક ગોળીઓ લઈને પરત આવ્યો હતો.
અબુ સાલેમને વર્ષ ૨૦૦૫માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો. આ પ્રત્યાર્પણ સંધિ મુજબ તેને વધુમાં વધુ ૨૫ વર્ષની સજા થઈ શકે. આ મામલે દોષિત ઠેરવાયાના અનેક મહિનાઓ પહેલા ૪૮ વર્ષના અબુ સાલેમે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માં અરજી દાખલ કરીને પોર્ટુગલ પાછો મોકલી દેવાની વાત કરી હતી. જેમાં તેણે પોતાની ભારતમાં હાજરી અને ટ્રાયલ બંનેને ગેરકાયદે ગણાવ્યાં હતાં. સાલેમે કરેલી કબૂલાત બાદ જ પોલીસે આ કેસમાં સિદ્દિકી અને શેખ નામના આરોપીઓની ધરપકડ કરી હતી, જેમને પણ દોષિત ઠેરવાયા છે.
કોણ કયા અપરાધ માટે દોષિત?
• મુસ્તફા ડોસાઃ વિસ્ફોટોના પ્લાનિંગ માટે મીટિંગો કરાવવી (હાર્ટ એટેકથી મોત થઈ ચૂક્યું છે.)
• અબુ સાલેમઃ આતંકી હુમલાઓ માટે ગુનાહિત કાવતરા ઘડવા, એકે-૫૬ અને ગ્રેનેડને ગુજરાતથી મુંબઈ પહોંચાડ્યા.
• ફિરોઝ અબ્દુલ રાશીદ ખાનઃ હથિયારોના ખજાનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરવી
• રિયાઝ સિદ્દીકીઃ હથિયારોને સાલમે સાથે ગુજરાતથી મુંબઈ લાવવાની સાથે લોજિસ્ટિક મદદ
• કરીમુલ્લાહ ખાનઃ મુસ્તફા ડોસાની મદદથી હથિયારોને ટારગેટ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
• મોહમ્મદ તાહિર મર્ચન્ટઃ આરોપીઓને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવવામાં મદદ કરવી.