લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ કટોકટીના કારણે મુશ્કેલીમાં આવી પડેલી મોખરાની ચેરિટી સંસ્થાઓને મદદ કરવા માટે ૭૫૦ મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું છે. ચાન્સેલરે આ મદદને અભૂતપૂર્વ ગણાવી જણાવ્યું હતું કે ૩૬૦ મિલિયન પાઉન્ડની રકમ સીધી સરકારી ડિપાર્ટમેન્ટ્સ મારફતે મળશે. જોકે, સખાવતી સંસ્થાઓએ જણાવ્યું હતું કે આ મદદ પ્લાસ્ટર કે થીંગડા સમાન છે અને પૂરતી પડશે નહિ. કોરોના લોકડાઉનના કારણે સંખ્યાબંધ ચેરિટીઝની આવકના સ્રોતોને ભારે ફટકો પડ્યો છે.
ચાન્સેલર સુનાકે કોરોના કટોકટીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલી સખાવતી સંસ્થાઓ માટે ૭૫૦ મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કરવા સાથે જણાવ્યું હતું કે લાખો લોકો મદદ માટે જેમના પર આધાર રાખે છે તેવી ચેરિટી સંસ્થાઓને સહાય મળશે અને તેઓ પોતાની સેવાની કામગીરી ચાલુ રાખી શકશે. આ રકમથી હોસ્પિસીસ અને ઘરેલું હિંસાના પીડિતોને મદદ કરતી સંસ્થાઓ સહિત હજારો સખાવતી સંસ્થાઓને લાભ થશે. ઘણી સંસ્થાઓએ આ પગલાને આવકાર આપવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે સરકારની ઓફર પ્લાસ્ટરના થીંગડા સમાન છે અને વધુ મદદ મળવી જોઈએ.
૩૬૦ મિલિયન પાઉન્ડની રકમ સીધી સરકારી ડિપાર્ટમેન્ટ્સ મારફતે મળશે, જેમાં હોસ્પિસીસ, સેન્ટ જ્હોન્સ એમ્બ્યુલન્સ સર્વિસીસ, વિક્ટિમ ચેરિટીઝ અને સિટિઝન એડવાઈઝ સહિતની અગ્ર સંસ્થાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ સહિત નાની ચેરિટીઝને ગ્રાન્ટ સ્વરુપે ૩૭૦ મિલિયન પાઉન્ડની રકમ અપાશે. ચાન્સેલરે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે સરકાર નેશનલ ઈમર્જન્સીઝ ટ્રસ્ટ માટે બીબીસીના બિગ નાઈટ ઈન ફંડરેઈઝર કાર્યક્રમમાં મળનારી દાનની રકમ જેટલી જ અને ઓછામાં ઓછી ૨૦ મિલિયન પાઉન્ડની રકમ ઉમેરશે.