મુસ્લિમ દેશમાં ભારત માર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસઃ ચીનની ચિંતામાં વધારો

Tuesday 20th February 2024 05:50 EST
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસે હતા. આ પ્રવાસ મુલાકાત દરમિયાન પહેલાં તેમણે અબુ ધાબીમાં હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, અને પછી, ત્યાંના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ સાથે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં ભારત માર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત માર્ટ જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક્સમાં મજબૂતાઈનો લાભ લઈને ભારત-યુએઈ દ્વિપક્ષીય વેપારને વધુ આગળ વધારશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત માર્ટમાં ગલ્ફ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરેશિયામાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડીને ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રોની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે.
ભારત માટે આ એક એવું વેપારી કેન્દ્ર હશે, જે ભારતની MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ) કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા અસરકારક મંચ પૂરો પાડશે. આ પ્રોજેક્ટને આત્મનિર્ભર ભારતનાં સપનાંને સાકાર કરવાની દિશામાંનું એક મોટું પગલું ગણવામાં આવે છે. 2025 સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈને સંચાલિત થવાની આશા છે. તેનું નિર્માણ ડીપી વર્લ્ડ કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ માર્ટ ભારતના સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગનાં ઉત્પાદનોને મિડલ ઇસ્ટ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરેશિયા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચ બનાવવામાં અસરકારક મંચ પૂરો પાડશે અને તેની નિકાસને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
જેબેલ અલી બંદરની નજીક બની રહેલું આ ભારત માર્ટ ભારતીય કંપનીઓને ત્યાં વેર હાઉસની સુવિધા પૂરી પાડશે. તેની વ્યૂહાત્મક સ્થિતિ અને લોજિસ્ટિક ક્ષેત્રમાં તેની મજબૂતીનો લાભ લઈને ભારત-યુએઇ દ્વિપક્ષીય વેપારને વધુ આગળ વધારશે. આ વેર હાઉસ ફેસિલિટી સેન્ટરમાં ભારતીય MSME કંપનીઓનાં રિટેલ શોરૂમ, ઓફિસ, અને ગોદામ હશે, જ્યાંથી ભારતીય MSME કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધીની પહોંચ આસાન બનશે.
પશ્ચિમ સુધી ભારતીય કંપનીઓની પહોંચ આસાન થશે
ભારતની જે MSME કંપનીઓ પોતાનાં ઉત્પાદનો અમેરિકા, યુરોપ, પશ્ચિમ એશિયા સહિત અન્ય પશ્ચિમી દેશોમાં સપ્લાય કરવા માગે છે તેના માટે ભારત માર્ટ એક વરદાન સાબિત થશે એમ કહેવાય છે. તેનાથી તેમનો નિકાસ ખર્ચ ઘટી શકશે અને ભારતીય ઉત્પાદકો એક જ છત નીચે ભારત માર્ટમાં ચાર ગણાં ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકશે.
ચીનને ચિંતા કેમ પેઠી?
દુબઈમાં ચીની કંપનીઓના ઉત્પાદનોનું એક આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર ડ્રેગન માર્ટ છે. ડ્રેગન આકારમાં બનેલા આ માર્ટમાં ચીની કંપનીઓનાં ઉત્પાદનો ભરેલાં છે. અહીં દોઢ લાખ વર્ગમીટરમાં બનેલા માર્ટમાં 4,000 રિટેલ શોપ્સ છે. હવે તેની બાજુમાં ડ્રેગન માર્ટ-2 પણ ખૂલી ગયું છે. જ્યાં રેસ્ટોરન્ટ, હોટલ, અને સિનેમા હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તે જ શહેરમાં અત્યાધુનિક ભારત માર્ટનો શિલાન્યાસ થવાથી ચીન ચિંતામાં મુકાયું છે. ભારત માર્ટ 2025 સુધીમાં કાર્યરત થઈ જશે. હકીકતમાં, ભારત અને યુએઇએ 2030 સુધી નોન-પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત-નિકાસ 8.3 લાખ કરોડ રૂપિયા કરતાં વધારવાનો નિર્ણય કર્યો છે. એ દિશામાં ભારત માર્ટ યુનાઇટેડ આરબ અમીરાત સહિત અન્ય દેશો માટે કારગર સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter