મેક્સિકો સિટીઃ મેક્સિકોના પાટનગર મેક્સિકો સિટીમાં મંગળવારે મધરાત્રે આવેલા ૭.૧ રિક્ટર સ્કેલના ભૂકંપે તબાહી સર્જી છે. ૨૫૦થી વધુના મૃત્યુ થયાનું જાહેર થયું છે, અને હજુ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાથી મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આશંકા પ્રવર્તે છે. આ ઉપરાંત હજારો લોકો ઘાયલ થયા છે. ત્રણ મજલાની શાળા તૂટી પડતાં એક જ સ્થળે ૨૧ બાળકોના મૃત્યુ થયા છે. મેક્સિકોમાં ૧૨ દિવસમાં આ બીજો વિનાશક ભૂકંપ છે.
ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે આંચકાથી દેશનો સૌથી મોટો જ્વાળામુખી પણ ફાટી પડ્યો છે, જેના લાવારસમાં દાઝી જતાં ૧૫થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે નદીના પાણી સમુદ્રના મોજાંની જેમ ઉછાળા મારવા લાગ્યા હતા.
આ ભૂકંપે સૌથી વધુ વિનાશ પાટનગર મેક્સિકો સિટીમાં વેર્યો છે. શહેરમાં ૪૪ સ્થળે નાની-મોટી ઇમારતો જમીનદોસ્ત થઇ ગઇ છે અને ૧૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે બચાવ અને રાહતકાર્યોમાં પૂરી તાકાત લગાવી દીધી છે. મેક્સિકો સિટી ઉપરાંત મોરલિયોસ અને પ્યૂબ્લા શહેરમાં પણ ભૂકંપથી ભારે નુકસાન થયું છે. અમેરિકા અને યુનાઇટેડ નેશન્સે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.
યુએસ એજન્સીના મતે ભૂકંપથી એક હજારથી વધુ લોકોનાં મોતની આશંકા છે. લગભગ ૬૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભૂકંપને લીધે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. લગભગ ૫૦ લાખ લોકો અંધારામાં દિવસો વિતાવી રહ્યાં છે. ભૂકંપ બાદ થોડા-થોડા સમયના અંતરે ચારની તીવ્રતાથી વધુના ૧૧ આફ્ટશોક અનુભવાતા લોકોમાં દહેશતનો માહોલ પ્રવર્તે છે.
૧૯૮૫માં આવેલા ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાના વિનાશકારી ભૂકંપની ૩૨મી વરસીએ જ કુદરતે ફરી અહીં વિનાશ વેર્યો છે. તે વેળા ૧૦ હજાર લોકો માર્યા ગયા હતા. મંગળવારે લોકો આ પ્રકારની કરુણાંતિકાનો મુકાબલો કરવા માટે મોક ડ્રિલ કરી રહ્યા હતા. જે પૂરી થયાના બે કલાક બાદ જ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.
સૌથી મોટો જ્વાળામુખી પણ ફાટ્યો
દુનિયાના સૌથી વ્યસ્ત શહેર મેક્સિકો સિટીમાં ભૂકંપે ભારે તબાહી વેરી છે. ૨ કરોડની વસતી ધરાવતા શહેરમાં ભૂકંપને લીધે ૪૪ સ્થળોએ સેંકડો ઈમારતો ધસી પડી છે. ઉપરાંત મોરલિયોસ અને પ્યૂબ્લા શહેરમાં ભૂકંપે સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે. ૭.૧ તીવ્રતાના ભૂકંપને લીધે અહીંનો સૌથી મોટો જ્વાળામુખી પોપકેટપેલ ફાટ્યો હતો. તેના લાવામાં સપડાતાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં.
નદી સમુદ્રની જેમ છલકાઈ
ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે મેક્સિકો સિટીની અંદર વહેતી નદી અને બેરેજનું પાણી સમુદ્રની જેમ ઉછળવા લાગ્યું હતું. તેમાં ઘણાં ઝાડ પડી ગયાં હતાં. એક મિનિટ કરતાં વધારે સમય સુધી પાણીમાં મોજાં ઊઠતાં રહ્યાં હતાં. ભૂકંપપીડિત ગાલા ડ્લુજિંસ્કા નામની મહિલાએ કહ્યું કે તે બીજા માળે ભણાવી રહી હતી. તે માળે અન્ય ૧૧ મહિલાઓ હતી. જેવી ઇમારત હલી હતી, અમે ભાગ્યા હતા. બાદમાં તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ કારણે વધુ નુકસાન
મેક્સિકો સિટીનો મોટા ભાગનો હિસ્સો ત્યાં છે જ્યાં પહેલા તળાવ હતું. કહેવાય છે કે ત્યાંની જમીન હજુ પણ પોચી છે. સેંકડો કિલોમીટર દૂર આવેલા ભૂકંપથી પણ જમીન ખળભળી ઉઠે છે. જેના કારણે અહીં વધારે ઇમારતો ધરાશાયી થઇ છે.
૧૨ દિવસમાં બીજો ભૂકંપ
મેક્સિકોના દક્ષિણી કિનારે ૭ સપ્ટેમ્બરે પણ ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં લગભગ ૧૦૦ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ૨૦૦ કરતાં વધારે ઘવાયા હતા. એક હજાર કરતાં વધારે ઘર અને સ્કૂલોને પણ નુકસાન પહોંચ્યું હતું.