લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કલે શાહી પરિવારથી અલગ સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય હમણા જ જાહેર કર્યો છે પરંતુ, રોયલ ફેમિલીમાં લગ્ન કરવા છતાં મેગને પોતાના હોલીવૂડ લોયર, એજન્ટ અને બિઝનેસ મેનેજરને યથાવત રાખ્યા હતા. મેગનની ટીમ ડચેસની કંપની Frim Fram Incને કેલિફોર્નિયાથી ખસેડી ગુપ્તતા માટે જાણીતા રાજ્ય ડેલાવેર લઈ ગઈ છે.
ડેઈલી મેઈલના ખાસ અહેવાલ અનુસાર હોલીવૂડ એજન્ટ નિક કોલિન્સ દંપતી વતી ફિલ્મ, ટીવી અને સખાવતી ઓફરો અને તકો હાથ ધરી રહ્યા છે. મેગનના બેવર્લી હિલ્સના બિઝનેસ મેનેજર એન્ડ્રયુ મેયર અને હોલીવૂડ પાવર લોયર રિક જેનોઉ પણ મેગનની આગામી કાર્યવાહી માટે પડદા પાછળની ભૂમિકા નિભાવી રહ્યા છે. કોલિન્સ ‘ધ સ્યૂટ્સ’ શ્રેણી સમયથી મેગનના પુરાણા મિત્ર છે. તેઓ મેગનને નેટવર્ક્સ અને ફિલ્મનિર્માતાઓની ઓફર્સ વિશે માહિતગાર રાખે છે અને સિલિકોન વેલી ઈન્વેસ્ટર્સ, હોલીવૂડ સ્ટુડિયોઝ, એમેઝોન, નેટફ્લિક્સ અને હુલુ જેવાં ટીવી જાયન્ટ્સ સાથેના પ્રોજેક્ટ્સ હાથમાં રાખશે.
શાહી પરિવારમાં રહેવા છતાં મેગને ભાવિ કારકીર્દિને નજરમાં રાખી ગુપ્તપણે પોતાની હોલીવૂડ ટીમને જાળવી રાખી છે, જે લાખો ડોલરની ઓફરો પર નજર રાખે છે. વરિષ્ઠ રાજવી સભ્યો તરીકેની ભૂમિકા છોડી નાણાકીય રીતે સ્વતંત્ર રહેવાની પ્રિન્સ હેરી અને મેગનની જાહેરાત પછી આ ટીમ સક્રિય બની ગઈ છે. રસપ્રદ હકીકત એ છે કે મેગનના લોકપ્રિય લાઈફસ્ટાઈલ બ્લોગ ‘ધ ટિગ’નો વહીવટ કરતી Frim Fram Inc કંપનીને ૨૦૧૯ની ૩૦ ડિસેમ્બરે કોર્પોરેટ કંપનીઓની ગુપ્તતા પર સંપૂર્ણ ધ્યાન આપતા ડેલાવેર રાજ્યમાં નવા કોર્પોરેશન તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને કેલિફોર્નિયાની કંપનીને તેની સાથે વિલિન કરી દેવાઈ છે. ડેલાવેરમાં કંપનીના માલિકોની ઓળખ આપવી ફરજિયાત નથી. ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓની ૬૫ ટકા જેટલી કંપની આ રાજ્યમાં સ્થપાયેલી છે.
મેગન-હેરીને બિલિયન્સ ડોલરમાં કમાણી
મેગને હોલીવૂડ સાથેના સંપર્કો જાળવી રાખેલાં છે. બ્રિટિશ શાહી પરિવારમાં લગ્ન પછી હોલીવૂડ કોમ્યુનિટીમાં મેગનની વેલ્યુ વધી ગઈ હોવાથી શાહી દંપતી માસિક ધોરણે કેટલી ઓફર્સ મેળવશે તે કલ્પી શકાય તેમ નથી. ખરેખર તે બિલિયન્સ પાઉન્ડ હોઈ શકે છે. આ ઉપરાંત, ફિલ્મ સ્ટુડિયોઝ, હોલીવૂડ સ્ટાર્સ, બિલિયોનેર્સ અને એન્ટ્રેપ્રીન્યોર્સ પાસેથી સખાવત અને ફંડ રેઈઝિંગની ઓફર્સ પણ મળશે.
જાણકારોના મતે હેરી અને મેગન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જ વિશ્વની મોટી મોટી કંપનીઓ પાસેથી મિલિયન્સ ડોલરની કમાણી કરે છે. હાલમાં પણ તેમને માત્ર ગુગલ તરફથી વર્ષે ૧૦ મિલિયન ડોલરની આવક થાય છે જે આગામી એક દાયકામાં વધીને એક બિલિયન ડોલર થઈ શકે છે. આ સંજોગોમાં તેમણે તેઓ કેવી રીતે આર્થિક રીતે આત્મનિર્ભર થવા માગે છે તેનો વાસ્તવિક પ્લાન રજૂ કરવો જોઈએ. તેમને હોલિવૂડ તરફથી પણ ઘણી રોયલ્ટી મળે છે. ખાસ કરીને મેગન મર્કેલને તેના અભિનય બદલ મોટી રકમ મળે છે. ન્યૂયોર્કની એક પીઆર કંપનીએ જણાવ્યું કે, તેઓ હાલમાં પણ આઠથી નવ આંકડામાં કમાણી કરે છે. વ્યક્તિગત અને યુગલ તરીકે બંને પાસે કરોડોની કમાણી કરવાની તક છે.