નવી દિલ્હીઃ નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગ્રામલક્ષી, ગરીબલક્ષી, કિસાનલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સમાજવાદ અને મૂડીવાદ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરતાં એનડીએ સરકારના ત્રીજા બજેટમાં નાણા પ્રધાને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને ખેડૂતો તથા ગરીબોનું જીવનધોરણ સુધારવા જંગી નાણાકીય ફાળવણી કરી છે. નાણા પ્રધાને પાંચ વર્ષમાં કિસાનની આવક બમણી કરવા વચન આપ્યું છે. જોકે દેશના નોકરિયાત વર્ગને જેની સૌથી વધુ આશા હોય છે તે આવકવેરા સ્લેબમાં છૂટછાટ ટાળી છે.
ગ્રામીણ અને ગરીબોના વિકાસ માટે જરૂરી ભંડોળ મેળવવા નાણા પ્રધાને મુખ્યત્વે લક્ઝુરિયસ જીવનશૈલી પર કરવેરા લાદ્યાં છે. જેટલીએ તમામ પ્રકારની સેવાઓ પર ૦.૫ ટકાનો કૃષિ કલ્યાણ ટેક્ષ લાદતાં હવે સર્વિસ ટેક્ષનો આંકડો ૧૫ ટકાએ પહોંચ્યો છે, જેના કારણે તમામ પ્રકારની સેવાઓ મોંઘી બનશે. નાણા પ્રધાને ટ્રાન્સફોર્મ ઇન્ડિયાના વિઝન સાથે રજૂ કરેલા બજેટમાં નવ સ્તંભનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભારતની કાયાપલટ માટે આગામી વર્ષમાં સરકાર દ્વારા લેવાનારા પગલાંના પ્રસ્તાવ રજૂ કર્યા હતા.
ચૂંટણીલક્ષી બજેટ
આ વર્ષે દેશમાં તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જ્યારે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ એક રીતે જોઇએ તો એનડીએ સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી પણ કહી શકાય. આ બજેટમાં એનડીએ સરકાર જેની જાહેરાતો કરતા થાકતી નહોતી તે સ્માર્ટ સિટી, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને લગભગ ભૂલાવી દેવાયા છે.
નવાઈની વાત તો એ છે કે, ભારત સરકારે મનમોહન સિંહ સરકારે લાગુ કરેલી મહત્ત્વાકાંક્ષી ‘મનરેગા’ યોજનાને સૌથી વધુ રકમની ફાળવણી કરી છે.
રેલ બજેટથી લઈને સામાન્ય બજેટ રજૂ કરતી વખતે દરેક સરકારના પ્રધાનો શેરોશાયરી લલકારતા હોય છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ પણ આ પરંપરા જાળવી હતી. તેમણે બજેટ પ્રવચન શરૂ કરતા પહેલાં આ શેર લલકાર્યો હતો.
કશ્તી ચલાનેવાલો ને જબ હાર કે દી પતવાર હમેં,
લહર-લહર તુફાન મિલે ઓર મૌજ-મૌજ મઝધાર હમેં,
ફિર ભી દિખાયા હૈ હમને ઓર ફિર યે દિખા દેંગે સબકો,
ઈન હાલાત મેં આતા હૈ દરિયા કરના પાર હમેં...
બજેટ પ્રવચનમાં જેટલીએ કહ્યું હતું કે, અમે અન્ન સુરક્ષા અને આવકની સુરક્ષાથી વિશેષ વિચારી રહ્યા છીએ તેમજ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ઈચ્છીએ છીએ. ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ માટે સરકારે રૂ. ૩૫,૯૮૪ કરોડનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
છેલ્લા ઘણાં સમયથી કૃષિ ક્ષેત્ર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી દુકાળની સ્થિતિ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, પાક નિષ્ફળ જઈ રહ્યા છે. આ કારણોસર દેશના અર્થતંત્રના નવ મહત્ત્વના સ્તંભોમાં ગ્રામ્ય ઉત્થાન યોજનાઓનો પણ નાણા પ્રધાને સમાવેશ કર્યો છે. આ નવ સ્તંભોને ભારત સરકારે દેશનું આમૂલ પરિવર્તન કરનારા પગલું ગણાવ્યા છે.
ગ્રામવિકાસ માટે કુલ ૮૭,૭૬૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. ‘નાબાર્ડ’ કે રાષ્ટ્રીય બેંક અંતર્ગત સિંચાઈ યોજનાઓ માટે રૂ. ૨૦ હજાર કરોડનું ભંડોળ ઊભું કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરાયો છે. દેશની પંચાયતો માટે રૂ. ૨,૮૭,૦૦૦ કરોડની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત કરતા જેટલીએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક એકમોની ગ્રાન્ટમાં ૨૨૮ ટકાનો જંગી વધારો કરાયો છે.
કેન્દ્રીય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના વિકાસ માટે રૂ. ૧૯ હજાર કરોડ ફાળવવા દરખાસ્ત કરાઈ છે. સરકારે આગામી બે વર્ષમાં દેશના તમામ ગામોમાં વીજળી પહોંચાડવાનું પણ લક્ષ્યાંક રાખ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર ગેરન્ટી સ્કીમ ‘મનરેગા’ની ફાળવણીમાં વધારો કરાયો છે.
એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનરેગા’ને ‘કોંગ્રેસની નિષ્ફળતાનો જીવતોજાગતો નમૂનો’ ગણાવી હતી, જેના માટે સરકારે રૂ. ૩૮,૫૦૦ કરોડની ફાળવણી કરી છે. આ રકમ મનમોહન સિંહ સરકાર દ્વારા ‘મનરેગા’ માટે ફાળવાયેલી રકમ કરતાં પણ વધુ છે.
આ ઉપરાંત જેટલીએ રૂ. ૨૦૦૦ કરોડના ભંડોળ સાથે એક આક્રમક અભિયાનની જાહેરાત કરતા ભારતના દરેક ગરીબના ઘરે રાંધણગેસ પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે. બજેટમાં તમામ કરપાત્ર આવક પર ૦.૫ ટકા કૃષિ કલ્યાણ સેસ વસૂલવાની પણ જાહેરાત કરાઈ છે. આ કારણોસર સર્વિસ ક્ષેત્ર મોંઘું બનશે.
બજેટ પ્રવચન પછી સંસદ બહાર પત્રકારોએ નાણા પ્રધાનને પૂછ્યું હતું કે, આ બજેટ લેફ્ટ-ટુ-સેન્ટર એટલે કે ગરીબતરફી અને પછી મધ્યમ વર્ગને અનુકૂળ આવે એવું કહી શકાય કે નહીં? જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, આ બજેટ નથી લેફ્ટિસ્ટ કે નથી રાઈટિસ્ટ. તમામ ક્ષેત્રોને ભંડોળ ફાળવાયું છે.
દલીલબાજી વચ્ચે પ્રારંભ
લોકસભામાં બજેટ પ્રવચનના પ્રારંભે જ એનડીએ અને વિરોધ પક્ષોના સાંસદો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. નાણા પ્રધાન અરુણ જેટલી બજેટ ભાષણ આપવાની તૈયારી કરે એ પહેલાં તો વિરોધ પક્ષોએ માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રોહિત વેમુલા મુદ્દે કરેલી ટિપ્પણીઓ મુદ્દે વિશેષાધિકાર દરખાસ્તની રજૂઆત કરી હતી. સામાન્ય રીતે બજેટના દિવસે વિરોધ પક્ષો શાસક પક્ષ સાથે દલીલબાજીમાં ઉતરતા નથી, પણ સોમવારે એનાથી ઊલટો માહોલ જોવા મળ્યો હતો. આ દલીલબાજીના કારણે બજેટ ભાષણ થોડીક મિનિટ મોડું શરૂ થયું હતું.
રાહુલના સૂચનનો સ્વીકાર!
નાણા પ્રધાને બજેટ ભાષણ દરમિયાન બ્રેઈલ પેપરને વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ મુદ્દે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મને લેખિતમાં સૂચન કર્યું હતું. આ સૂચન માન્ય રાખતા સરકારે બ્રેઈલ પેપર પરની ડ્યુટી નાબૂદ કરી છે.
કૃષિ ક્ષેત્રે તોતિંગ ફાળવણી
દેશમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિ દિન વધી રહી છે. આ સ્થિતિમાં ખેડૂતો મોદી સરકાર પાસે આ બજેટમાં ઘણી આશા રાખીને બેઠા હતા અને આ બજેટમાં તેમની ઘણી અપેક્ષા સંતોષવામાં પણ આવી છે. નાણા પ્રધાને કૃષિ ક્ષેત્રે રૂ. ૪૪,૦૦૦ કરોડ ફાળવ્યા છે. ખેડુતોની આવક આગામી પાંચ વર્ષ ૨૦૨૨ સુધીમાં વધીને બે ગણી થાય તે હેતુથી આ સેક્ટરમાં આટલા નાણા ફાળવાયા હોવાનું નાણા પ્રધાને જણાવ્યું હતું.
દેશમાં ઘણી જમીન પડતર છે તેનો ઉલ્લેખ કરતા નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ નાણાકીય વર્ષમાં સરકાર ૮૬,૦૦૦ હેક્ટર જમીન કૃષિ ક્ષેત્રે લાવશે. આ ઉપરાંત ૧૨ રાજ્યોમાં ખેડુતો માટે પોર્ટલ પણ બનાવાશે જેથી ઇન્ટરનેટના ઉપયોગ વડે ખેડૂતો કૃષિથી વધુ માહિતગાર થાય.
તેમણે જણાવ્યું હતું કે પાંચ લાખ એકર ખેતરમાં બાગાયતી ખેતી પર ધ્યાન અપાશે. આપણે ખેડુતો પાસેથી ઘણું લઇ રહ્યા છીએ તેથી પરત કરવાની પણ ફરજ બને છે. સિંચાઇ યોજના માટે ‘નાબાર્ડ’ રૂ. ૨૦,૦૦૦ કરોડ આપશે. આગામી ત્રણ વર્ષમાં ખેતી ક્ષેત્રને કેમિકલ ખાતરથી મુક્ત કરી દેવાશે. ખેડુતો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે માટે પશુધન હાટના નામે એક ઇ પોર્ટલ પણ શરૂ કરાશે.
નાણા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે ૨૦૧૫-૧૬માં કૃષિ ધિરાણનું લક્ષ્ય ૮.૫ લાખ કરોડનું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૯ લાખ કરોડ હશે. ખેડુતો પરથી લોનની ચૂકવણીનું ભારણ ઘટાડવા માટે સરકારે રૂ. ૧૫,૦૦૦ કરોડની જોગવાઇ આ બજેટમાં કરી છે.
બેંકો માટે રૂ. ૨૫,૦૦૦ કરોડ
નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)ની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી પબ્લિક સેક્ટર બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે આગામી નાણાકીય વર્ષમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવાયા હોવાનું નાણા પ્રધાને જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬-૧૭નું બજેટ રજૂ કરતા જેટલીએ જાહેરાત કરી છે કે આઇડીબીઆઇ બેંકમાં સરકાર પોતાનો હિસ્સો ૫૦ ટકાથી ઓછો કરવાનું પણ વિચારી રહી છે. તેમણે કહ્યું હતું કે આપણી જાહેર ક્ષેત્રની બેંકો મજબૂત અને સ્પર્ધાત્મક હોવી જોઇએ. ૨૦૧૬-૧૭માં બેન્ક બોર્ડ બ્યૂરો પોતાની કામગીરી શરૂ કરી દેશે. આઇડીબીઆઇ બેંકની કાયાપલટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
સંરક્ષણ બજેટમાં ૧૦ ટકા વૃદ્ધિ
સંરક્ષણ બજેટમાં ગત વર્ષની સરખામણીએ ૯.૭૬ ટકા વધારીને રૂ. ૨.૫૮ લાખ કરોડ કરાયું છે. વન રેન્ક વન પેન્શન યોજનાના અમલથી નિવૃત્ત આર્મી જવાનોના પેન્શન પાછળ જ ૮૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ સીબીઆઇના બજેટમાં ૩૨ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના રૂ. ૫૫.૦૮ કરોડના બજેટની સરખામણીમાં આ વખતે સીબીઆઇ માટે ૭૨૭.૭૫ કરોડ ફાળવાયા છે.
સેનાની ત્રણેય પાંખોના આધુનિકીરણ પાછળ ૭૮,૫૮૬ કરોડ રૂપિયા ખર્ચાશે. કુલ બજેટની ૧૭.૨ ટકા રકમ સંરક્ષણ ક્ષેત્ર પાછળ ફાળવાઇ છે. આશરે ૧૯.૭૮ લાખ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી સંરક્ષણ ક્ષેત્ર પાછળ ૨.૫૮ લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે.
સૈન્ય કર્મીઓના પેન્શનથી સંરક્ષણ બજેટમાં મોટો વધારો થયો છે. આ બજેટ એવા સમયે ફાળવાયું છે જ્યારે ભારતીય સુરક્ષા દળો રફાલ ફાઇટર જેટ, અપાચે તથા ચિનૂક હેલિકોપ્ટર, કામોવ અને એમ-૭૭૭ લાઇટ વેઇટ હોવિત્ઝર ગન ખરીદવાની તૈયારી કરી રહ્યાં છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. ૧.૫૦ લાખ કરોડની ૮૬ સમજૂતીઓ મંજૂરીના અંતિમ તબક્કામાં છે. ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરતો દેશ છે.
‘મનરેગા’ને મોટી ફાળવણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ કહ્યું હતું કે ‘મનરેગા’ યોજના યુપીએ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. જોકે હવે આ જ સરકાર દ્વારા ‘મનરેગા’ યોજના માટે સૌથી વધુ રૂ. ૩૮,૫૦૦ કરોડ ફાળવાયા છે.
નવાઈની વાત એ છે કે જે યુપીએ સરકારે આ યોજના લોન્ચ કરી તેને પણ આટલા નાણા ‘મનરેગા’ યોજના માટે ફાળવ્યા નહોતા. આથી જેટલીએ જણાવ્યું હતું કે અમારી એનડીએ સરકાર આ યોજના પાછળ અત્યાર સુધીની સૌથી મોટી રકમ ફાળવી રહી છે. ગત વર્ષે પણ એનડીએ સરકારે યુપીએ સરકાર કરતા ૧૨ ટકા વધુ એટલે કે રૂ. ૩૪,૬૯૯ કરોડની ફાળવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના ૨૦૦૫માં અગાઉની યુપીએ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે દર વ્યક્તિને ૧૦૦ દિવસનું કામ આપવામાં આવે છે. નોંધનીય છે કે અગાઉ વર્લ્ડ બેંક દ્વારા પણ ભારત સરકારની આ આ યોજનાને શ્રેષ્ઠ યોજના ગણાવાઇ છે.
કાળું જાણું જાહેર કરવા યોજના
બિનહિસાબી આવક ધરાવનાર અને અત્યાર સુધી તેને છુપાવનાર કરદાતાઓ માટે નાણા પ્રધાન અરુણ જેટલીએ ડિસ્ક્લોઝર સ્કીમ-૨૦૧૬ જાહેર કરી છે. વ્યક્તિ ૩૦ ટકા આવકવેરો, ૭.૫ ટકા કૃષિ કલ્યાણ સેસ અને ૭.૫ ટકા પેનલ્ટી સહિત ૪૫ ટકા રકમ ચૂકવીને બિનહિસાબી નાણાને હિસાબી નાણામાં રૂપાંતરિત કરી શકશે. ચાર માસ પૂરતી જ આ યોજના અમલમાં રહેશે.
આ સ્કીમ પહેલી જૂન, ૨૦૧૬થી અમલી બનશે અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ બંધ થશે. યોજનામાં જોડાવા માગતા કરદાતાએ કમિશનર કે પછી પ્રિન્સિપાલ ચીફ કમિશનરનો સંપર્ક કરીને બિનહિસાબી આવક જાહેર કરવાની રહેશે.
જોકે ૧૯૯૭ વર્ષમાં બિનહિસાબી નાણા જાહેર કરવા માટે આવી જ યોજના રજૂ થઇ હતી. આ સમયે ડિસ્ક્લોઝર સ્કીમનો લાભ લેનાર કેટલાક કરદાતાઓ સામે છ-સાત વર્ષે આવકવેરા વિભાગે પગલાં લેવાનું ચાલુ કરતાં ભારે હોબાળો થયો હતો. ભૂતકાળના આ કડવા અનુભવને જોતાં આ યોજનાને કેટલો પ્રતિભાવ મળે છે તે જોવું રહ્યું.
સૂચિત યોજના અંતર્ગત રિટર્ન ભરવાનું બાકી રહી ગયું હોય, રિટર્ન ભર્યું હોય પણ આવક ન દર્શાવી હોય કે પછી આવક હોય પણ તે બતાવવાનું ભૂલી ગયા હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પણ તે રિટર્નમાં બતાવવાનું ચૂકી ગયા હોય તેવા કિસ્સામાં કરદાતા તેમની બિનહિસાબી આવક જાહેર કરી શકશે.
પગારદારોને મામૂલી રાહત
ભારતના કરોડો પગારદારોને હતાશ કરતાં નાણા પ્રધાને રૂ. ૫ લાખ સુધીના પગારદારોને માત્ર રૂ. ૩૦૯૦ની નજીવી રાહત આપી છે. પાંચ લાખ સુધીના પગારદારોને વેરામાં અત્યાર સુધી રૂ. ૨૦૦૦ની રાહત અપાતી હતી તે વધારીને રૂ. ૫૦૦૦ કરાતા તેમને વધારાના રૂ. ૩૦૦૦નો લાભ મળ્યો છે. તેમાં સરચાર્જનો ઉમેરો કરવામાં આવે તો રાહત રૂ. ૩૦૯૦ની થાય છે.
૫ લાખથી ૧૦ લાખની અને ૧૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કોઈ જ રાહત આપવામાં આવી નથી. નાણા પ્રધાનના આ બજેટથી નોકરિયાત વર્ગ અને સરકારી નોકરિયાત જરાય ખુશ નથી.
ઈપીએફનો ઉપાડ મોંઘો થયો
નાણા પ્રધાને કરેલી જાહેરાતથી નિવૃત્તિ સમયની બચતમાં ઘટાડો થશે. જેટલીએ કરેલી જાહેરાત મુજબ નિવૃત્તિ સમયે નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) અને એમ્પલોઇ પ્રોવિડન્ટ ફન્ડ (ઇપીએફ)ના નાણા ઉપાડતી વખતે તેના પર આંશિક સ્વરૂપે ટેક્સ વસૂલ થશે. ઇપીએફની રકમ પર અત્યાર સુધી ટેક્સ વસૂલાતો નહોતો. ઇપીએફમાં નાણાના રોકાણ સમયે, તેના પર મળતા વ્યાજમાં અને ઉપાડ વખતે કોઇ જાતનો ટેક્સ વસૂલ થતો નહોતો કે એકાઉન્ટમાં જમા થતી એનપીએસની રકમ પર ટેક્સ વસૂલ કરાતો નહોતો.
૧ એપ્રિલ, ૨૦૧૬ બાદ ઇપીએફની કુલ રકમના ૬૦ ટકા પર ટેક્સ વસૂલ થશે. જ્યારે ૪૦ ટકા રકમ પર કરમુક્ત રહેશે. એનપીએસમાં હાલમાં નિવૃત્તિ સમયે જેટલી રકમ જમા થઇ હોય તેની ૪૦ ટકા રકમનો એન્યુઇટી પ્લાન ખરીદવાનો હોય છે જ્યારે બેંકમાં જમા થતી ૬૦ ટકા રકમ પર ટેક્સ વસૂલ કરાય છે. નવા કર્મચારીઓનો એમ્પલોઇ પ્રોવિડન્ટ ફન્ડ (ઇપીએફ)નો ૮.૩૩ ટકાનો હિસ્સો ત્રણ વર્ષ સુધી સરકાર ભરશે તેવી જાહેરાત નાણા પ્રધાને બજેટ દરમિયાન કરી હતી.
પૂર્વોત્તર રાજ્યોને વિશેષ મહત્ત્વ
મોદી સરકારના બજેટમાં પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે કુલ રૂ. ૩૩,૦૯૭ કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમાં ઓર્ગેનિક ખેતી માટે રૂ. ૪૧૨ કરોડની વિશેષ ફાળવણી પણ સામેલ છે. આ ઉપરાંત રૂ. ૨૨૩ કરોડ જીવન સુધારણા તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે હશે. સરકારે ઓર્ગેનિક વેલ્યુ એન્ડ ડેવલપમેન્ટ યોજના દાખલ કરી છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં રૂ. ૪૧૨ કરોડ આ યોજનામાં ફાળવાયા છે. દેશના છેવાડે આવેલા ભારતના આ રાજ્યો અનેક રીતે વિકાસથી વંચિત છે. કેટલાંક રાજ્યોમાં તો આજે પણ રેલવે પહોંચી જ નથી તો વળી કેટલાય સ્થળોએ પહોંચવાના રસ્તાઓ પણ નથી.
અણુ ઊર્જાનું આયોજન
દેશના અણુ ઊર્જા પ્રોજેક્ટ માટે બજેટમાં વર્ષે રૂ. ૩૦૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે સરકારે અણુક્ષેત્રના વિકાસ માટે આગામી ૧૫થી ૨૦ વર્ષનું આયોજન કર્યું છે. જેમાં અણુ ઊર્જા પેદા કરવાને પ્રોત્સાહન મળશે. આ માટે વર્ષે રૂ. ૩૦૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે, જેમાં જાહેર ક્ષેત્રના રોકાણનો સમાવેશ થશે. તેમણે કહ્યું હતું કે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પરમાણુ ઊર્જા પર વિશેષ ભાર આપવો અનિવાર્ય છે. જોકે ભારતમાં સ્થપાઈ રહેલા પરમાણુ પ્લાન્ટ વિરોધ વચ્ચે અટવાયેલા પડ્યા છે.