બ્રસેલ્સ, નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી. બેલ્જિયમની નાગરિકતા ધરાવતો મેહુલ સ્વિત્ઝર્લેન્ડ નાસી જવાની ફિરાકમાં હોવાની માહિતી મળતાં જ ભારતની તપાસ એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સક્રિય થઇ હતી. ભારત સરકારે તેના પ્રત્યર્પણ માટે બેલ્જિયમ સરકાર સમક્ષ માગણી કરી હતી, જેના પગલે બેલ્જિયન પોલીસે શનિવારે તેની ધરપકડ કરી છે. અગાઉ ચોક્સીના ભાણેજ નિરવ મોદીની ધરપકડ કરાઇ છે, જે હાલ લંડનની જેલમાં બંધ છે, અને તેને ભારત હવાલે ના કરાય તે માટે કાનૂની જંગ લડી રહ્યો છે.
અલબત્ત, કાયદાના સકંજામાં સપડાયેલો મેહુલ ચોક્સી પણ ભાણેજ નિરવ મોદીની જેમ પોતાના વકીલ મારફતે કાનૂની સહાય મેળવી શકશે, જેના કારણે કાનૂની પ્રક્રિયાઓ બાદ જ પ્રત્યર્પણ શક્ય બનશે. પરંતુ બેલ્જિયમની આ કાર્યવાહી બાદ પાક. આતંકી તહવ્વુર રાણાની જેમ કૌભાંડી મેહુલ ચોક્સીને પણ ભારત પરત લાવવાનો માર્ગ મોકળો થયો છે તેમાં બેમત નથી.
65 વર્ષનો મેહુલ ચોક્સી તબીબી સારવાર મેળવવાના નામે નવેમ્બર 2023થી બેલ્જિયમમાં સંતાયો હતો. 2018માં ભારત છોડ્યા પછી તેણે એન્ટિગુઆમાં આશરો લીધો હતો. ચોક્સી સામે અગાઉ ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરાઇ હતી, પરંતુ તેણે આ નોટિસને પડકારી હતી. બાદમાં ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પરત ખેંચી લેતા ભારતીય તપાસ એજન્સી દ્વારા તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ શરૂ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ભારત અને બેલ્જિયમ વચ્ચે લાંબા સમયથી પ્રત્યર્પણ સંધિ થયેલી છે.
કાનૂની કાર્યવાહીથી બચવા મેહુલના દાવપેચ
મેહુલ ચોક્સીએ પીએનબી સાથે કરોડોનું લોન કૌભાંડ કરીને ભારતમાંથી ભાગી જવાની પેરવી કરી હતી. 2018માં ભારત છોડતા પહેલા તેણે 2017માં એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા લઇ લીધી હતી. તે ખરાબ તબિયતનું કારણ રજૂ કરીને ભારત આવવા સતત ઈનકાર કરતો રહ્યો હતો. ભારત સરકાર દ્વારા તેની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ચોક્સી મે 2021માં એન્ટિગુઆથી ડોમિનિકા ગયો હતો જ્યાં તેને પકડીને જેલભેગો કરાયો હતો. સીબીઆઇની એક ટીમ તેના પ્રત્યર્પણ માટે ડોમિનિકા ગઈ હતી પણ તે પહેલા બ્રિટિશ ક્વીનની પ્રિવી કાઉન્સિલ દ્વારા તેને રાહત આપીને છોડી દેવાયો હતો. આ પછી તેને ફરી એન્ટિગુઆને હવાલે કરાયો હતો. એન્ટિગુઆની જેલમાં તેને 51 દિવસ રહેવું પડયું હતું. જોકે ભારતમાં પ્રત્યર્પણ રોકવાની તેની કોઈ કારી ફાવી નહીં અને સારવાર માટે બેલ્જિયમ આવતાં જ તેને પકડી લેવાયો છે.
તબિયત નરમ છે, રાહત માટે પ્રયાસ કરશુંઃ મેહુલના વકીલ
ચોક્સીના લોયર વિજય અગ્રવાલે સ્વીકાર્યું હતું કે, બેલ્જિયન સત્તાધિશોએ શનિવારે ચોક્સીની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી દેવાયો છે. હાલના તબક્કે તેના જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવાના બદલે અપીલ કરાશે. આ અપીલમાં તેને જેલમાં નહીં રાખવા અને બચાવ માટેની પૂરતી તક આપવા રજૂઆત થશે. આ સાથે જેલની બહાર હોય ત્યારે પ્રત્યર્પણની કાર્યવાહી હાથ નહીં ધરવાની માગણી પણ થશે. અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, મેહુલ ચોક્સીને હાલ કેન્સરની સારવાર અપાઈ રહી છે અને તે નાસી-ભાગી જાય તેમ નથી. તેની સામેના આરોપો રાજકીય ઈરાદા પ્રેરિત હોવાના દાવા સાથે નબળા આરોગ્યનું કારણ દર્શાવી રાહત અપાવવા પ્રયાસ થશે.
મેહુલ ચોકસી સામે બે વોરન્ટ
ચોક્સી સામે મુંબઈની સ્પેશિયલ કોર્ટે 2018 અને 2021માં બે ઓપન એન્ડેડ વોરંટ ઈશ્યૂ કર્યા હતા અને ભારતીય એજન્સીઓએ આ વોરંટ રજૂ કરીને પ્રત્યર્પણ માટે બેલ્જિયમ સરકારને વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, નબળા આરોગ્યનું કારણ દર્શાવી ચોક્સી જામીન માટે માગણી કરી શકશે, પરંતુ તેને સફળતા ના મળે તે માટે ઈડી અને સીબીઆઈ દ્વારા પ્રયાસ કરાશે. ચોકસીની ઈચ્છા સ્વિટ્ઝર્લેન્ડ ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાની હતી.
સીબીઆઇના બે ચાર્જશીટ, ઇડીની બે ફરિયાદ
મેહુલ ચોક્સી, નિરવ મોદી અને તેમના મળતિયાઓ સામે વર્ષ 2018માં ઈડી અને સીબીઆઈ દ્વારા મુંબઈ ખાતે આવેલી પંજાબ નેશનલ બેંક સાથે લોન ઠગાઈનો કેસ નોંધવામાં આવ્યો હતો. ચોક્સી અને તેની કંપની ગીતાંજલિ જેમ્સ દ્વારા બેંકના કેટલાક અધિકારીઓના મેળાપીપણામાં ખોટી રીતે લેટર્સ ઓફ અંડરટેકિંગ અને ફોરેન લેટર ક્રેડિટ લેવામાં આવ્યા હતા, જેના કારણે બેંકને નુકસાન થયું હતું. આ મામલે સીબીઆઈ દ્વારા બે ચાર્જશીટ દાખલ કરાઈ છે અને ઈડી દ્વારા ત્રણ ફરિયાદોમાં કાર્યવાહી ચાલી રહી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યુ હતું કે, બેલ્જિયમમાં કૌભાંડી મેહુલ ચોક્સીની ધરપકડ એ ભારતીય કૂટનીતિનો વિજય છે.