નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે કાશ્મીર ખીણની મુલાકાતે જવાના છે. મોદીની આ યાત્રા દરમિયાન જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા છે. મોટા ભાગે તો તેઓ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને ક્યારે વિધાનસભાની ચૂંટણી કરાશે એ સંદર્ભમાં કોઈ જાહેરાત કરી શકે છે. કાશ્મીરમાં છેલ્લાં ત્રણ વર્ષથી રાજકીય પ્રવૃત્તિ ઠપ્પ છે. મોદી આ પ્રક્રિયા ફરી શરૂ કરાવશે એવી શક્યતા હોવાથી સૌની નજર મોદીની યાત્રા પર છે.
પાકિસ્તાન પણ મોદીની યાત્રા પર નજર રાખીને બેઠું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક વધારો થઈ ગયો છે. મોદીની યાત્રા પહેલાં આતંકવાદીઓથી લોકોમાં ભય પેદા કરવા માંગે છે. તેના કારણે સતત હુમલા વધી રહ્યા છે.
છેલ્લા પખવાડિયામાં આતંકવાદી હુમલાની નવથી વધુ ઘટના બની છે. આ હુમલાઓમાં આતંકવાદીઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. પરપ્રાંતિય મજૂરો અને કાશ્મીરી હિંદુઓ ઉપરાંત કાશ્મીર ખીણના મુસ્લિમોને પણ આતંકવાદી નિશાન બનાવી રહ્યા છે. માર્ચમાં પણ કાશ્મીર ખીણમાં આ રીતે આઠ લોકોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી હતી.
રૂ. 52 હજાર કરોડની રોકાણ દરખાસ્તો
વીતેલા એક જ વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કુલ રૂપિયા 52,155 કરોડના રોકાણની દરખાસ્તો મળી છે. આ રોકાણકારો દ્વારા જમ્મુ કાશ્મીરમાં તેમના એકમનો ઊભા કરવા માગવામાં આવેલી 39,022 કનાર (એક વિઘાના ચોથા ભાગ બરોબર જમીન) જમીન પૈકીની 17970 કનાર જમીનની ફાળવણી થઈ ચૂકી છે. 11 એપ્રિલ 2022 સુધીમાં જે રોકાણ દરખાસ્તો મળી છે તે 2.4 લાખ રોજગારી તકો ઊભી કરી શકે તમ છે. આ પૈકી જે દરખાસ્તોને મંજૂરી મળીજૂકી છે તે દરખાસ્તો 1.36 લાખ રોજગારીની તકો ઊભી કરી શકે છે. આમાં જમ્મુમાં 71,603 અને કાશ્મીરમાં 65,376 રોજગારીની નવી તકો ઊભી થશે તેમ મનાય છે. જે દરખાસ્તોમાં મંજૂર થઈ છે તેમાં ફૂડ પ્રોસેસિંગ અને ઓર્ગેનિક આધારિત ઉદ્યોગ માટેની રોકાણ દરખાસ્તો મોકે છે. આ બંને સેકટર માટે કુલ રપિયા 8890 કરોડની દરખાસ્ત મંજૂર થઈ ચૂકી છે. કાશ્મીર ક્ષેત્રમાં રૂપિયા 5852 કરોડ અને જમ્મુ ક્ષેત્ર આ પૈકી રૂપિયા 3038 કરોડની દરખાસ્તનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં કુલ 1017 ફૂડ પ્રોસેસિંગ એકમો ઊભા થશે.