લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધ યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF) દ્વારા ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત સમારંભ યોજવાની જાહેરાત કરાઈ છે. વિશેષ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાનારા ‘ઓલિમ્પિક સ્ટાઈલ’ના આ જાજરમાન સ્વાગત સમારોહમાં ૭૦ હજારથી વધુ હાજર રહે તેવી ધારણા છે.
ભારતની બહાર કોઈ પણ ભારતીય વડા પ્રધાન માટે યોજાયેલો આ સૌથી વિશાળ અને ભવ્ય સમારંભ બની રહેશે. બ્રિટનના તમામ રાજકીય પક્ષોના સંસદસભ્યો, બિઝનેસ અગ્રણીઓ તેમ જ મનોરંજન, કળા અને સંસ્કૃતિ ક્ષેત્રોના ખ્યાતનામ વ્યક્તિત્વો આ સમારંભમાં ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે.
‘બે મહાન રાષ્ટ્ર. એક ગૌરવશાળી ભવિષ્ય’ (Two Great Nations. One Glorious Future)ના થીમ સાથે યોજાયેલા આ સ્વાગત સમારોહનો આરંભ સર્વશ્રેષ્ઠ બ્રિટિશ ભારતીય કળાકારોને દર્શાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવશે. વડા પ્રધાન મોદી દિવાળીના તહેવારોના દિવસોમાં જ બ્રિટનના પ્રવાસે આવી રહ્યા હોવાથી આ સત્કાર સમારંભમાં તેમના સંબોધન પછી દેશની સૌથી મોટી આતશબાજી યોજાય તેવી પણ ધારણા છે.
સમારંભના ટ્વીટર હેન્ડલ @ukwelcomesmodi પર કાર્યક્રમની જાહેરાતો અને તેની પ્રગતિ સંબંધિત તમામ માહિતી મૂકવામાં આવશે. આ ઉપરાંત સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ બનવામાં ઇચ્છતી યુકેની કોમ્યુનિટીઝની સંસ્થાઓ વેબસાઈટ www.ukwelcomesmodi.org પર નોંધણી કરાવી શકે છે.
EIFના સ્થાપક સભ્ય પ્રોફેસર નાથ પુરી, સીબીઇએ જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમંચ પર પ્રતિમાત્મક વ્યક્તિરૂપે ઉભર્યા છે. વેમ્બલી સ્ટેડિયમમાં યોજાનારો ઓલિમ્પિક સ્ટાઈલનો સ્વાગત સમારોહ તેમના પ્રત્યે બ્રિટિશ ભારતીય સમુદાયમાં સન્માન અને પ્રશંસાત્મક અભિવ્યક્તિના પ્રતિબિંબની સાથોસાથ શાંતિમય અને સમૃદ્ધ ભારતની તેમની કલ્પનાને પણ પ્રકાશિત કરશે. આ સમારંભ તમામ સમુદાયો અને પશ્ચાદભૂ ધરાવતા લોકોને ભવ્ય ઉજવણીના મિજાજમાં એકત્રિત કરશે, જે આપણા રાષ્ટ્રો અને લોકોને એકસંપ બનાવે છે.’
આ જાહેરાતને વધાવી લેતાં યુકે મિનિસ્ટર ફોર એમ્પ્લોયમેન્ટ અને વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન સંસદસભ્ય પ્રીતિ પટેલે કહ્યું હતું કે, ‘યુકે સરકાર ભારત સાથે ખાસ સંબંધોને વિશેષ મહત્ત્વ આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અને કોમ્યુનિટી દ્વારા સ્વાગતથી આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચે મૈત્રીસંબંધની ગાંઠ વધુ મજબૂત બનશે. વધુમાં વધુ કોમ્યુનિટી સંસ્થાઓ તેમનું સમર્થન આપે તેને હું પ્રોત્સાહન આપું છું.’
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન ઈન્ડિયા-યુકે રિલેશન્સના ચેરમેન અને સાંસદ વિરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, ‘યુકેમાં વસતો ૧૫ લાખ ભારતીયોનો સમુદાય યુકે અને ભારત વચ્ચે શ્રેષ્ઠ સેતુ છે. વડા પ્રધાન મોદી વિશ્વના ઈતિહાસમાં સૌથી વ્યાપક લોકશાહી જનાદેશ ધરાવે છે. ભારતીય મૂળના વ્યક્તિ તરીકે હું આપણી લોકશાહીઓ અને સહભાગી મૂલ્યોને આલેખિત કરનારી પળની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’
ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશનના પ્રમુખ સમશુદ્દીન આગાએ કહ્યું હતું કે, ‘આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ટુંક સમયમાં યુકેની મુલાકાત લઈ રહ્યા છે તેનાથી મને આનંદ છે. આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તેનાથી મજબૂત થશે તે બાબતે મને જરા પણ શંકા નથી. તે લોકોને વધુ નિકટ લાવશે, વેપાર અને આર્થિક સહકારને ઉત્તેજન આપશે. આ મુલાકાત ઘૃણા અને કટ્ટરવાદની દીવાલોને તોડી નાખશે. તે ભારતમાં જ્ઞાતિ, સંપ્રદાય અથવા ધર્મને ધ્યાનમાં રાખ્યા વિના તમામ લોકોના વિકાસ તરફ કાર્યરત રહી અનેકવાદી, બહુસાંસ્કૃતિક સમાજની રચના કરશે.’
યુકેમાં સૌથી મોટા શીખ ગુરદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાઉથોલના પ્રમુખ ગુરમૈલ સિંહ માહલીએ કહ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદીનું દૂરંદેશીભર્યું નેતૃત્વ પ્રશંસાપાત્ર છે. અમારા વતનના રાજ્ય પંજાબમાં સફળતા ભારતની સફળતામાં મોટું પ્રદાન આપશે અને અમે સહુ વડા પ્રધાન મોદીની કલ્પનાશીલ દિશાને સમર્થન આપીએ છીએ.’
નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ યુકેના પ્રમુખ યાજુર શાહે કહ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદી સમગ્ર વિશ્વના યુવાનો માટે પ્રેરણામૂર્તિ છે. સૌથી જટિલ સમસ્યાના ઉકેલ પ્રતિ તેમનો ટેક સેવી અભિગમ દર્શાવે છે કે તેઓ આધુનિક પેઢીના નેતા છે. અમે યુકેમાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરીશું.’
બ્રિટિશ મુસ્લિમ રિસર્ચ સેન્ટરના બોર્ડ મેમ્બર અને લંડન ઈન્ટરનેશનલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ લોર્ડ ખાલીદ હમીદે કહ્યું હતું કે, ‘અમે વડા પ્રધાન મોદીના આગામી યુકે પ્રવાસના સમાચાર જાણ્યા છે. તેનાથી ગ્રેટ બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો અને શુભેચ્છામાં વૃદ્ધિ થશે તેમ જ યુકેમાં રહેતાં ભારતીયોના આનંદમાં વધારો થશે.’
વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રણજિત સિંહ બક્ષીએ જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદીની યુકેની આગામી મુલાકાતની ભવ્ય ઉજવણી કરાશે કારણ કે તેનાથી ઈન્ડો-બ્રિટિશ ભાગીદારીને વધુ મજબૂત બનાવતા નવા તબક્કાનો આરંભ અને દ્વિપક્ષી રોકાણોમાં વૃદ્ધિ થશે. વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશન અને યુકેમાં વસતા તમામ ભારતીયો શ્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આતુર છે. તેમના ગતિશીલ નેતૃત્વમાં સાથે મળીને કામ કરીને અમે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર - Make in India બનાવીશું.’
ઝોરોસ્ટ્રીઅન ભારતીય મૂળના ક્રોસ બેન્ચ ઉમરાવ અને યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક ચેરમેન લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું હતું કે, ‘યુકે અને ભારત પાસે અનોખા અને ઊંડા દ્વિપક્ષી સંબંધોને વાસ્તવમાં પ્રાણવાન બનાવવાની તક છે. વડા પ્રધાન મોદીની મુલાકાત અનેક મહાન કાર્યો માટે ઉદ્દીપક બની રહેશે તેની મને ખાતરી છે.’
વેમ્બલી સ્ટેડિયમઃ ફૂટબોલ અને રોક કોન્સર્ટ્સનું ધામ
વેમ્બલી સ્ટેડિયમ ઈંગ્લિશ ફૂટબોલ અને ઐતિહાસિક રોક કોન્સર્ટ્સના ધામ તરીકે પ્રખ્યાત છે. હવે સૌપ્રથમ વખત અહીં રાજકીય સંબંધોની ચોપાટ મંડાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન યુકે-ઈન્ડિયા સંબંધો પર વધુ કેન્દ્રીત હશે. તેઓ હિન્દીમાં પ્રવચન આપે તેવી શક્યતા વધુ છે, જે ઇંગ્લીશ સબટાઈટલ્સ સાથે વિશાળ પડદાઓ પર પ્રસારિત કરાશે.
આ ભવ્ય સ્ટેડિયમની મહત્તમ ક્ષમતા ૯૦ હજાર વ્યક્તિઓને સમાવવાની છે ત્યારે મોદીના સત્કાર સમારંભમાં અંદાજે ૭૦,૦૦૦ મહેમાન ઉપસ્થિત રહેશે. બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરાની વસ્તી ૧.૫ મિલિયનથી વધુ અને તેમાંના મોટા ભાગના ગુજરાતી સમુદાયના હોવાથી આટલી હાજરી અપેક્ષિત મનાય છે. સ્ટેડિયમમાં કડક સિક્યુરિટી વ્યવસ્થા હેઠળ પ્રવેશ માટે આમંત્રિતોએ માન્ય પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવા પડશે.
મોદીના ભવ્ય સ્વાગત સમારંભની તૈયારી થશે ત્યારે ૧૯૮૨માં ઓલ્ડ વેમ્બલી સ્ટેડિયમમાં પોપ જ્હોન પોલ-દ્વિતીય દ્વારા ખુલ્લામાં ૮૦ હજાર શ્રદ્ધાળુઓને સામૂહિક પ્રાર્થના કરાવાઈ હોવાનો પ્રસંગ યાદ ન આવે તો જ નવાઇ. આ ઉપરાંત, ઓલ્ડ સ્ટેડિયમમાં ઈથિયોપિયાના દુકાળગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરવા ૧૯૮૫માં ‘લાઈવ એઈડ’ નામે પ્રસિદ્ધ રોક કોન્સર્ટ પણ અહીં યોજાયો હતો.