મોદી શાસનના ૨૦ વર્ષઃ ૧૩ વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા, ૬ વર્ષથી વડા પ્રધાન

Wednesday 14th October 2020 06:08 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ કાર્યકાળ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શરૂ કર્યો હતો. આ પછી રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડ્યા. ગુજરાતની જનતાએ તેમને વર્ષ ૨૦૦૧માં મુખ્ય પ્રધાન તરીકે ચૂંટીને રાજ્યના વિકાસની જવાબદારી સોંપી. ત્યારબાદ તેઓ સતત ૪ વખત મુખ્ય પ્રધાન બન્યા અને મે - ૨૦૧૪ સુધી તે પદ પર રહ્યા.
ચાર વખત મુખ્ય પ્રધાન રહ્યા તે દરમિયાન તેમની ઇમેજ કડક વહીવટકારની રહી. તેમણે રાજ્યમાં ઘણા ઇનોવેશન કર્યા. ગુજરાતને અગ્રણી રાજ્યોની હરોળમાં લાવી દીધું. રાજ્યમાં ભાજપને એક નવી ઓળખ અપાવવામાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પક્ષે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બન્યા. ત્યાર બાદ પક્ષે વિક્રમી ૨૮૨ બેઠક જીતી. વડા પ્રધાન પદે મોદીએ પ્રથમ કાર્યકાળ પૂરો કર્યા બાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી વિક્રમી બેઠકો જીતી અને મોદી ફરી વડા પ્રધાન બન્યા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યોતિ બસુ ૧૯૭૭થી ૨૦૦૦ સુધી ૨૨ વર્ષ પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન રહ્યા હતા અને લાંબો સમય તેમના નામે આ વિક્રમ રહ્યો હતો.

સરકારમાં સતત સર્વોચ્ચ સ્થાને

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક નવું સિમાચિહન સર કર્યું છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાનપદ પર બિરાજનાર મોદીએ રાજ્ય અને કેન્દ્રમાં અનેક પડકારોનો સામનો કરતાં ૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સત્તાના મોરચે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
સતત લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારમાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજવાનો તેમનો રાજકીય ઇતિહાસ છે. મોદી સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારથી સતત ચૂંટાયેલી સરકારના વડા રહ્યા છે. દેશમાં ચૂંટાયેલી સરકારમાં (કેન્દ્ર કે રાજ્યમાં) સર્વોચ્ચ સ્થાન પર સૌથી વધારે લાંબો સમય બિરાજવાના મોરચે મોદીનો ક્રમ આઠમો છે. પહેલા નંબર પર સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવનકુમાર ચામલિંગનો છે જેઓ ૨૪ વર્ષ ૧૬૫ દિવસ સુધી મુખ્ય પ્રધાન પદે હતા.

વડા પ્રધાન પદે ૬ વર્ષ અને ૧૩૧ દિવસ

મોદીએ ૨૬ મે ૨૦૧૪ના રોજ દેશના ૧૪મા વડા પ્રધાન તરીકે સત્તા સંભાળી હતી અને બીજી મુદ્દત માટે પણ વિજય મેળવીને તેમણે આ પદ પર છ વર્ષ ૧૩૧ દિવસ પૂર્ણ કર્યા છે. આ પદ પર સૌથી વધારે દિવસ રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બન્યા. બન્ને કાર્યકાળને એકત્ર કરીએ તો મોદીએ સક્રિય રાજનીતિમાં ૧૯ વર્ષ પૂરા કર્યા છે.

પાંચ મોટા કામ

• નરેન્દ્ર મોદી પહેલા એવા વડા પ્રધાન છે, જેમણે ભાજપના મોટા વચનોને પરિપૂર્ણ કર્યા. પહેલું વચન જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબુદ કરી. અને બીજુ વચન રામ મંદિરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો.
• ૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ ગાંધી જંયતીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કર્યું. ૨૦૧૪માં દેશમાં સ્વચ્છતા ૩૮ ટકા હતી, જે ૯૯ ટકા થઇ છે.
• ગરીબોને મફત રસોઇ ગેસ જોડાણો આપવા ઉજ્જવલા યોજના શરૂ કરાવી. અત્યાર સુધી ૭ કરોડથી વધુ લોકો લાભ લઇ ચૂક્યા છે.
• ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું પાવરહાઉસ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું.
• ૨૦૧૭માં જીએસટી લાગુ કરાવ્યો, ‘વન નેશન’ વન ટેક્સની સંકલ્પના સાકાર થઇ.
• ૨૦૧૯માં ત્રણ તલાક વિરોધી કાયદો લાગુ.
• જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલી આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી. પુલવામા હુમલાનો જવાબ બાલાકોટ એર સ્ટ્રાઇકમાં રૂપમાં આપ્યો.
• અત્યાર સુધી ૬૦થી વધુ દેશની મુલાકાત લઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter