નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સામે સંસદ ગૃહમાં રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો અપેક્ષા અનુસાર જ કરુણ રકાસ થયો છે. મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં તેની સામે આ પહેલી વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો હતો. એનડીએ સરકાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી તેનો વિજય નક્કી હતો, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પૂર્વે થયેલી ૧૨ કલાક લાંબી મેરેથોન ચર્ચા બહુ રસપ્રદ બની રહી હતી. વિપક્ષે એકસંપ થઇને મોદી સરકાર સામે આક્ષેપની જડી વરસાવી હતી તો વડા પ્રધાન મોદીએ પણ દરેકેદરેક આક્ષેપનો જડબાતોડ આપીને લોકોના દિલ જીતી લીધા હતા.
આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર બાદ હાથ ધરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડતાં મોદી સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ ઊડી ગયો હતો. કુલ ૪૫૧ સાંસદોએ મતદાન કર્યું હતું.
રાહુલ ગાંધીના આક્ષેપ
શુક્રવારે સંસદમાં હાથ ધરાયેલી અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ૨૦ મિનિટનાં ભાષણમાં વડા પ્રધાન મોદી, તેમની સરકાર, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી અને ભાજપ પર જુમલાબાજી કરવાના તથા જુઠ્ઠાણાં ચલાવવાના આરોપો મૂક્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સામે જુમલાબાજી કરવાનો આરોપ મૂકીને તેમનાં નિવેદનોને જુમલા સ્ટ્રાઇક ગણાવ્યા હતા.
આ ઉપરાંત કોંગ્રેસના યુવા અધ્યક્ષે નોટબંધી, બેરોજગારી, જીએસટી, દલિતો, લઘુમતી, ખેડૂત, ગરીબ, પછાત, ફ્રાન્સ સરકાર સાથેના રાફેલ વિમાની સોદા, દેશના ગણતરીના બિઝનેસમેનની લોનમાફી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર વડા પ્રધાન મોદી અને સરકારને ચોમેરથી ભીંસમાં લીધી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં જ્યારે પણ કોઈ પર હુમલો થાય છે ત્યારે તે બાબાસાહેબનાં બંધારણ પરનો હુમલો છે, જ્યારે મોદી સરકારના પ્રધાનો બંધારણ બદલવાની વાત કરે છે ત્યારે ભારત પર હુમલો થાય છે. અમે આ સહન કરીશું નહીં. તમારા અને અમારામાં ફેર એ છે કે, પીએમ મોદી અને ભાજપઅધ્યક્ષ અમિત શાહ સત્તા ગુમાવવા ઇચ્છતા નથી. તેમને સત્તા ગુમાવવી પોસાય તેમ પણ નથી, કારણ કે જો તેઓ સત્તા ગુમાવશે તો તેમની સામે કાર્યવાહી શરૂ થઈ જશે. મોદી અને શાહ ડરના માર્યા પગલાં લઈ રહ્યા છે અને આ ડર ભારતમાં ફેલાઈ રહ્યો છે.
તમારા માટે હું પપ્પુ હોઇશ...
રાહુલે જણાવ્યું હતું કે, તમે એમ વિચારી રહ્યા હશો કે, મારા દિલમાં વડા પ્રધાન પ્રત્યે ગુસ્સો, ક્રોધ અને નફરત છે, પરંતુ હું વડા પ્રધાન, ભાજપ અને આરએસએસનો આભારી છું કે, તેમણે મને હિંદુ, શિવજી અને કોંગ્રેસનો સાચો અર્થ સમજાવ્યો છે. તમારા મનમાં મારા પ્રત્યે ક્રોધ છે, તમારા માટે હું પપ્પુ હોઈ શકું છું, તમે મને અલગ અલગ ગાળો આપી શકો છો, પરંતુ મારા દિલમાં તમારા પ્રત્યે કોઈ નફરત, ગુસ્સો કે ક્રોધ નથી. તેનું કારણ એ છે કે હું કોંગ્રેસ છું, હું બધાનાં મનમાંથી નફરતની ભાવના બહાર કાઢીશ. તમારામાં પણ પ્રેમનો અંશ છે તેને હું બહાર લાવીશ અને બધાને કોંગ્રેસમાં સામેલ કરીશ.
રાહુલે આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન આ સમયે હસી રહ્યા છે પરંતુ તેમનાં મોં પર એક હતાશા હું જોઈ રહ્યો છું. તેઓ મારી સામે આંખ મિલાવી રહ્યા નથી, તેઓ મારી આંખોમાં જોઈ શકતા નથી. હું તે સમજી શકું છું. વડા પ્રધાન વિશ્વાસુ રહી શકતા નથી.
‘ચોકીદાર ને ભાગીદાર છું, ઠેકેદાર નથી’
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાને કોંગ્રેસ અને ગાંધી પરિવારને અહંકારી ગણાવી આકરા પ્રહાર કર્યાં હતાં. આજે દેશે વિપક્ષની રાજકીય નકારાત્મકતા જોઇ છે. આજની ચર્ચામાં વિકાસ પ્રતિ વિરોધનો ભાવ અને તમામના ચહેરા નિખરીને સજીધજીને બહાર આવ્યા. વિપક્ષ પર શાયરી દ્વારા હુમલો કરતાં તેમણે જણાવ્યું હતું કે, ના માઝી, ના રહેબર, ન હકમેં હવાએ હૈ, કશ્તી ભી જર્ર, યે કૈસા સફર હૈ!
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેમને અહીં પહોંચવાની ઉતાવળ છે તે અહીં આવીને મને ઉઠો ઉઠો કરતા હતા. હું તેમને કહેવા માગુ છું કે, લોકતંત્રમાં ભરોસો રાખો, અહીં ૧૨૫ કરોડની જનતા બેસાડશે.
સંસદમાં મોદી મારી સામે ૧૫ મિનિટ પણ ટકી નહીં શકે તેવા રાહુલના નિવેદન પર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને અહંકાર છે કે હું ઊભો થઇશ તો વડા પ્રધાન ૧૫ મિનિટ ઊભા રહી નહીં શકે. હું ઊભો પણ છું, અને ૪ વર્ષથી મારા કામ બોલી રહ્યા છે. અહંકારીઓ કહે છે ૨૦૧૯માં સત્તામાં આવવા નહીં દઇએ. અમે બહુમતી અને ૧૨૫ કરોડની જનતાના આશીર્વાદથી સત્તા પર છીએ. દેશવાસીઓએ આપેલા જનમત પર અવિશ્વાસ ન કરો. તૃષ્ટિકરણ, મતબેંકની રાજનીતિ વિના અમે સબ કા સાથ સબ કા વિશ્વાસ મંત્ર પર અમે કામ કરતા રહ્યા છીએ. જેમને પોતાના પર વિશ્વાસ ન હોય તે અમારા પર શું વિશ્વાસ કરશે? ચાતક પક્ષીના મોંમાં વરસાદનું ટીપું સીધું ન પડે તો એમાં વાદળનો શું વાંક?
રાહુલ ગાંધીની ચોકીદાર-ભાગીદારની ટિપ્પણીનો જવાબ આપતાં મોદીએ જણાવ્યું હતું કે, હું ચોકીદાર પણ છું અને ભાગીદાર પણ છું. કોંગ્રેસની જેમ સોદાગર કે ઠેકેદાર નથી. હા અમે ખેડૂતોની સમસ્યાઓ, ગરીબોની વેદના, વંચિતોની પીડા, છેવાડાના માનવીના વિકાસના ભાગીદાર છીએ અને તેનું મને ગૌરવ છે.
રાફેલ વિવાદમાં સત્ય કચડાયું
મોદીએ રાહુલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાફેલ સોદા પર સત્યને કચડી નાખવાનું કામ કરાયું છે. સત્યને આ રીતે કચડી શકાય? બૂમો પાડીને દેશને ગુમરાહ શા માટે કરો છો? દેશની સુરક્ષા સાથેના મુદ્દા સાથેનો ખેલ જનતા માફ નહીં કરે. સંસદમાં તમે આપેલા નિવેદનને કારણે બંને દેશને નિવેદન જારી કરવા પડયા. શું દેશ પ્રત્યે તમારી કોઇ જવાબદારી નથી? રાજનીતિનું આ સ્તર દેશહિતમાં નથી. જનતાને આશ્વાસન આપું છું કે રાફેલ કરાર બે દેશની સરકારો વચ્ચે પૂરી પારદર્શકતા સાથે થયો છે.
‘જુમલા સ્ટ્રાઇક’ સેનાનું અપમાન
રાહુલના ‘જુમલા સ્ટ્રાઇક’ શબ્દપ્રયોગનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી સર્જીકલ સ્ટ્રાઇકનું આટલું ઘોર અપમાન? કોંગ્રેસના નિવેદનથી સરહદ પર તહેનાત જવાનોને ઊંડો આઘાત લાગ્યો. સર્જીકલ સ્ટ્રાઇકને જુમલા સ્ટ્રાઇક ગણાવી? દેશના જવાનોને ગાળ બોલવાનું બંધ કરો.
આથી રાહુલ મારા ગળે વળગ્યાઃ મોદી
સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ જીત્યાના બીજા જ દિવસે ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુર ખાતે આયોજિત કિસાન રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ કરેલા આલિંગન પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, અમે તેમને વારંવાર પૂછતા રહ્યા કે અમારા પ્રત્યેના અવિશ્વાસનું કારણ શું છે, પરંતુ કોઈ કારણ ન મળતાં તેઓ મને ગળે વળગી પડ્યા હતા. વિપક્ષી એકતા પર મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ વડા પ્રધાનની ખુરશી તરફ દોટ લગાવી રહ્યો છે પરંતુ ગરીબ, યુવા અને ખેડૂતોની અવગણના કરે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યાં સુધી દેશની જનતા મારી સાથે છે ત્યાં સુધી કોઈ પક્ષ કશું કરી શકવાની નથી, જ્યારે એક દલ (પક્ષ)ની સાથે બીજું દલ ભેગું થાય છે ત્યારે દલદલ (કાદવ) થાય છે અને કમળ દલદલમાં જ ખીલે છે. વિપક્ષ જેટલો ભેગો થશે એટલું કમળ વધુ ખીલશે.
તેલુગુ દેસમ્ પાર્ટીનો ‘શ્રાપ’
સંસદમાં શુક્રવારે ગૃહની કાર્યવાહીના પ્રારંભે તેલુગુ દેસમ્ પાર્ટી (ટીડીપી)ના સાંસદ કે. શ્રીનિવાસે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને પોતાના વતી પક્ષના અન્ય સાંસદ જૈદેવ ગલ્લા રજૂઆત કરશે તેવી વિનંતી કરી હતી. લોકસભાના સ્પીકરે આ વિનંતી સ્વીકારી હતી. ગલ્લાએ લગભગ ૪૦ મિનિટનાં ભાષણમાં આંધ્ર પ્રદેશ સાથે ઘોર અન્યાય કરવાના મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જો આંધ્ર પ્રદેશની જનતા સાથે છેતરપિંડી કરાશે તો રાજ્યમાં ભાજપની હાલત કોંગ્રેસ જેવી થશે. આ અમારી ધમકી નથી, પરંતુ શ્રાપ છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે જનતા ૨૦૧૯ની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.
ગલ્લાએ જણાવ્યું હતું કે, આ યુદ્ધ ભાજપ અને ટીડીપી વચ્ચે નહીં, પણ બહુમતી અને નૈતિકતા વચ્ચેનું યુદ્ધ હતું. આ આંધ્રની પાંચ કરોડની જનતા અને મોદી સરકાર વચ્ચેનું યુદ્ધ છે. વડા પ્રધાન મોદી કહેતા હતા કે, હું એવી વ્યક્તિ છું જે ખાતો નથી અને ખાવા દેતો નથી. હું ભ્રષ્ટાચારીઓ પાસેથી વીણી વીણીને હિસાબ લઈશ, પરંતુ આંધ્રની પ્રજાને હતાશા જ મળી છે, કારણ કે, વડા પ્રધાન ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે.
ગુજરાતમાં પ્રતિમા પાછળ ૩,૫૦૦ કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશને રાજધાની માટે ફક્ત ૧,૫૦૦ કરોડ? આમ કહીને ગલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રૂપિયા ૩,૫૦૦ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને રૂપિયા ૩,૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે ભારત સરકારે આંધ્ર પ્રદેશની રાજધાનીનાં નિર્માણ માટે રૂપિયા ૧,૫૦૦ કરોડ આપ્યા છે. હકીકત એ છે કે આંધ્ર પ્રદેશની રાજધાનીનું નિર્માણ કરવા માટે અપાતાં નાણાં કરતાં પ્રતિમાઓનાં નિર્માણ માટે વધુ નાણાં ફાળવવામાં આવી રહ્યાં છે.
શિવસેના-બીજેડી ગેરહાજર
સંસદમાં ટીડીપીના જયદેવ ગલ્લાએ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ રજૂ કર્યો તેની થોડીક મિનિટો પહેલાં જ બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદો ઓડિશા માટે આ ચર્ચા અપ્રસ્તુત છે એમ કહીને લોકસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. આ પછી તરત ભાજપના સૌથી જૂના સાથી શિવસેનાએ જણાવ્યું હતું કે તે પોતાના ૧૮ સાંસદો સાથે ચર્ચાથી વેગળા રહેશે. શિવસેનાના સાંસદ આનંદરાવ અડસૂળેને પૂછાયું કે તમારો પક્ષ ચર્ચા અને મતદાન કરશે ત્યારે તેમણે ના પાડી જણાવ્યું હતું કે અમે હાજરી પણ પૂરી નથી. આમ શિવસેનાના ૧૮ અને બીજેડીના ૧૯ સાંસદો આ કાર્યવાહીમાં ભાગ ન લેવાના હોઈ એનડીએનું સંખ્યાબળ ૩૧૨માંથી ઘટીને ૨૯૪ થઈ ગયું હતું.