નવી દિલ્હી: ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા તે સાથે જ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. ભાજપનો રથ સરસાઈ મેળવી આગળ વધી રહ્યો હોવાનો વરતારો શરૂ થતાં જ કોંગ્રેસમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
પીએમ મોદી તેમજ ભાજપનાં અશ્વમેધ યજ્ઞનાં વિજયી અશ્વને રોકવામાં કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો નબળા પડયા હતા. મતદારો પર પીએમ મોદીની ગેરંટી તેમજ મોદીનાં ચહેરાનો જાદુ છવાયો હતો. મોદી હૈ તો મુમકિન હૈની ઉક્તિમાં મહિલા મતદારોએ વિશ્વાસ મૂકીને ખોબલે ખોબલે મત આપીને ત્રણ મહત્ત્વનાં રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર રચવા માટેનો માર્ગ મોકળો કર્યો હતો. આ સાથે જ સત્તાની સેમિફાઈનલમાં કોંગ્રેસની 3-1થી કારમી હાર થઈ હતી.
ઉત્તર ભારતનાં રાજ્યોમાં કોંગ્રેસની પરિવારવાદની દુકાનનાં શટર પડી ગયા હતા. ત્રણ મહત્ત્વના રાજયો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનું બુલડોઝર ફરી વળતાં કોંગ્રેસનાં ગઢનાં કાંગરા ખરી પડયા હતા. કોંગ્રેસે સમ ખાવા પૂરતી તેલંગણમાં જીત મેળવી હતી પણ સામે રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનને મતદારોએ જાકારો આપ્યો હતો. રાજસ્થાનમાં ‘જાદુગર’ ગેહલોતનો જાદુ ઓસરી ગયો હતો અને ભાજપ તેમજ મોદી છવાયા હતા. મધ્ય પ્રદેશમાં ‘લાડલી બહેના’ મોદી તેમજ ભાજપ પર ઓળઘોળ થઈ હતી અને ભાજપને ફરી સત્તાનું સુકાન સોંપ્યું હતું.
મોદીનો ચહેરો અને અમિત શાહનો વ્યૂહ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ, ભાજપનાં ચાણક્ય ગણાતા અમિત શાહનો ચૂંટણી વ્યૂહ તેમજ સરકારની ગરીબો તેમજ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોલક્ષી કલ્યાણ યોજનાઓએ ભાજપ માટે જીતની કેડી કંડારી હતી. ત્રણ રાજ્યોમાં લહેરાતી વિજયપતાકાએ લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપ માટે જીતનો માર્ગ ખુલ્લો કર્યો છે.
સાંસદો-પ્રધાનોને ચૂંટણી લડાવવાની નીતિ જીતી
ભાજપએ પાંચેય રાજ્યોમાં જીત મેળવવા આ વખતે સાસદો તેમજ પ્રધાનોને ચૂંટણી જંગમાં ઉતારવાનો કીમિયો અજમાવ્યો હતો. જે સફળ રહ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં આ ફોર્મ્યુલા કામ કરી ગઈ હતી. લોકોએ તેમના સાંસદો અને જૂના જોગીઓની કામગીરી પર વિશ્વાસ મૂકીને તેમને જીતાડયા હતા.
જોકે સૌથી મહત્ત્વની ભૂમિકા મોદીની ગેરંટી અને મોદીના ચહેરાએ બજાવી હતી. ભાજપએ તમામ રાજ્યોમાં મુખ્યપ્રધાન ચહેરો જાહેર કરવાનું ટાળ્યું હતું જોકે સૌને ‘મોદી હૈ તો મુમકિન હૈ’માં વિશ્વાસ હતો. આમ મોદી મેજિક કામ કરી ગયું હતું.