યાનગોનઃ મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ, સૈન્ય દ્વારા પ્રદર્શનકારીઓ પર અત્યાચારો પણ વધી રહ્યા છે.
મ્યાંમારમાં હવે સિવિલ વોરના મંડાણ જેવી સ્થિતિ છે. કેરેન રાજ્યમાં હવાઈ હુમલા બાદ ત્રણ હજારથી વધુ ગ્રામજનો મ્યાંમાર છોડીને પડોશી દેશ થાઈલેન્ડ ભાગી ગયા છે. હાલ લોકોમાં ભયનો માહોલ છે અને ગમેત્યારે સિવિલ વોર ફાટી નીકળે તેવી સ્થિતિ છે. રવિવારે મ્યાંમારમાં મોટી સંખ્યામાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મૃતદેહો એ પ્રદર્શનકારીઓના હતા જેઓ સૈન્યના અત્યાચારને કારણે મોતને ભેટ્યા છે. રવિવારે તો મ્યાંમારના સૈન્યે જોરજુલમની તમામ સીમા ઓળંગી નાખી હતી.
કેરેન રાજ્યમાં ગામડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં અનેક નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ડરના માર્યા ત્રણ હજારથી વધુ નાગરિકો મ્યાંમારની સરહદ પાર કરીને પાડોશી દેશ થાઇલેન્ડમાં જતા રહ્યા હતા. રવિવારે પણ મ્યાંમારમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો જારી રહ્યા. સૈન્યએ લોકો પર ભારે ગોળીબાર પણ કર્યો છે. મ્યાંમારના યાંગૂન, મીકિટીલા, મોનીવા અને મંડાલે સહિત અનેક શહેરોમાં અંતિમ સંસ્કાર પહેલા લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શનકારીઓના મૃતદેહોની અંતિમ યાત્રા નીકળી હતી. પહેલી તારીખે મ્યાંમારમાં સત્તા પલટો થયો તે પછી ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં લગભગ ૫૦૦ લોકોનાં મોત નિપજ્યા છે. માત્ર શનિવારે એક જ દિવસમાં ૧૧૪ લોકોના મોત નીપજ્યા હતા.
પાંચ દસકા બાદ લોકતંત્ર મળ્યું હતું
પાંચ દસકા સુધી મ્યાંમારમાં સૈન્યનું શાસન રહ્યું. જોકે આંગ સાંગ સુ કીએ લોકશાહીના સમર્થનમાં કેમ્પેઇન ચલાવ્યું અને સરકાર બનાવી હતી. અલબત્ત, તે લાંબો સમય ન ચાલી અને ફરી સૈન્યના હાથમાં સત્તા જતી રહી છે. સૈન્ય દ્વારા અનેક પ્રદર્શનકારીઓની હાલ હત્યા થઈ રહી છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખોડવામાં આવી રહી છે. અમેરિકાના સેક્રેટરી જનરલ એન્ટોનીઓ ગટેરેસે કહ્યું હતું કે બાળકો સહિતના નાગરિકોની મ્યાંમારમાં ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે જેનાથી મને બહુ જ આઘાત લાગ્યો છે.
વિશ્વભરમાંથી ટીકાની ઝડી વરસી
વિશ્વના ૧૨થી વધુ દેશોના લશ્કરી વડાઓએ મ્યાંમારના સૈન્ય દ્વારા થઇ રહેલા અત્યાચાર અને નૃશંસ હત્યાની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. મ્યાંમારના લશ્કરી શાસકોની ક્રૂરતાને વખોડનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા, યુકે, અમેરિકાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી સાથે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે મ્યાંમાર સૈન્યના અત્યાચારનો વિરોધ નથી થઈ રહ્યો જે દુઃખદ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સૈન્યના અત્યાચારોને વખોડવામાં આવ્યા છે પણ તેને અટકાવવા માટે કોઈ પગલા હજુ સુધી લેવામાં નથી આવ્યા. જેના પગલે હાલ મ્યાંમારમાં ખુલ્લેઆમ સૈન્ય લોકોની હત્યાઓ કરી રહ્યું છે.
આર્મ્ડ ફોર્સીસ ડે પર્વે જ દેખાવકારો ઠાર
મ્યાંમારમાં ૨૭ માર્ચનો દિવસ આર્મ્ડ ફોર્સિસ ડે તરીકે ઊજવાય છે, પણ આ જ દિવસે આર્મીનાં જવાનોએ ૯૧થી વધુ દેખાવકારોની ગોળી મારીને હત્યા કરી હતી. જેમાં એક ૫ વર્ષનાં બાળકનો પણ સમાવેશ થાય છે. સત્તારૂઢ લશ્કરી જુન્ટાનાં નેતાએ દેશમાં લોકોની સુરક્ષા કરવાનાં તેમજ લોકશાહીનું પુનઃ સ્થાપન કરવાનાં ઠાલા વચનો આપ્યા હતા. તો સાથોસાથ લશ્કરી શાસકો તેમજ લશ્કરનાં વડાએ લોકોને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે આર્મ્ડ ફોર્સિસ ડેનાં દિવસે જે લોકો લશ્કરી શાસનનો વિરોધ કરશે તેમને માથામાં અને પીઠમાં ગોળી મારી દેવામાં આવશે. છતાં આવી ધમકીઓથી ડર્યા વિના હજારો દેખાવકારો યાંગોન, માંડલે તેમજ અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. બરખાસ્ત કરવામાં આવેલા સાંસદોનાં લશ્કરવિરોધી ગ્રુપ સીઆપીએચના પ્રવક્તા ડો. સાસાએ કહ્યું હતું કે દેખાવકારો પર ફાયરિંગ કરનાર લશ્કર અને લશ્કરી શાસકો માટે આર્મ્ડ ફોર્સિસ ડે શરમજનક છે. શનિવારે આખા દેશમાં લોકોએ લશ્કરી બળવા વિરોધી દેખાવો કર્યા હતા.
૭ વર્ષની બાળકીના માથામાં ગોળી ધરબી
મ્યાનમારમાં સત્તાપલટા વિરુદ્વ ચાલી રહેલા દેખાવોના દમનમાં લાગેલા સૈન્યએ વધુ એક ક્રૂર કાર્યવાહી કરી છે. માંડલે શહેરમાં સૈન્યને પિતાના ખોળામાં બેઠેલી ૭ વર્ષની માસૂમ બાળકીના માથા ગોળી ધરબી દીધી હતી. પોલીસની ગોળીથી મૃત્યુ પામનાર તે સૌથી નાની વયની પીડિતા છે. તેનું નામ ખિન માયો ચિત છે. પાડોશી સુમાયાને જણાવ્યું કે પોલીસ દેખાવકારોને શોધી રહી હતી. અમુક પોલીસકર્મી આવ્યા અને લાત મારી દરવાજો ખખડાવ્યો. ખિનની મોટી બહેને દરવાજો ખોલતા જ જવાનો ઘરમાં ઘૂસી ગયા. પૂછવા લાગ્યા કે પિતા ઉપરાંત ઘરમાં કોણ છે? બહેને કહ્યું કે કોઇ નહીં. ત્યારે પોલીસવાળા તેને મારવા લાગ્યા. આ જોઇ બાળકી ડરીને ઘરમાં પિતાના ખોળામાં બેસી ગઇ. આ સમયે પાછળથી આવેલા પોલીસકર્મીઓએ પિતા પર ગોળીબાર કરતાં ખિને પણ જીવ ગુમાવ્યો હતો.
ત્રણ ઘાયલ નાગરિકો મણિપુરમાં ઘૂસ્યા
મ્યાંમારનાં સુરક્ષા દળોની ગોળીથી ઘવાયેલા ૩ નાગરિકો બોર્ડર ક્રોસ કરીને મણિપુરમાં પ્રવેશ્યા છે, જેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઈજાગ્રસ્તો મ્યાંમારથી ૫ કિમી દૂર તામુ ટાઉનનાં રહીશો હોવાનું જણાયું છે. જેમને ભારતનાં સરહદી ગામ મોરેહની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા પછી ઈમ્ફાલની હોસ્પિટલમાં ખસેડાયા છે.