નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીના જવાનોએ મ્યાનમાર સરહદે સક્રિય નાગા ઉગ્રવાદીઓ સામે આક્ર્મક ઓપરેશન હાથ ધરીને તેમની છાવણીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતીય લશ્કરની કાર્યવાહીમાં ઘણા નાગા ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા હોવાનું મનાય છે. જોકે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ખાપલાંગ (NSCN-K)ના ઉગ્રવાદીઓએ લાંબા સમયથી ભારતીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં અડીંગો જમાવ્યો હતો અને વારંવાર તેઓ ભારતીય સૈન્ય ઉપર ફાયરિંગ કરતા હતા. આથી ભારતીય સેનાએ જવાબી કામગીરી હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન ભારતીય સૈન્યને ખાસ નુકસાન થયું હોવાના કે જાનહાનિના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા જૂન ૨૦૧૫માં મ્યાનમાર સરહદે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર, ઇંડિયન આર્મીએ પરોઢિયે આ ઓપરેશનની શરૂઆત કરી હતી. લાંગખુ ગામ પાસે નાગા ઉગ્રવાદીઓ દ્વારા ભારતીય સૈન્ય ઉપર ફાયરિંગ કરાયું હતું. ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપતો હુમલો કર્યો હતો. આ ગામ ભારત અને મ્યાનમારની સરહદે આવેલું છે. મ્યાનમાર સરહદથી ૧૫ કિલોમીટર દૂર આ ઓપરેશન હાથ ધરાયું હતું. સૂત્રોના મતે ભારતીય સેનાને બે દિવસ પહેલાંથી જ ઉગ્રવાદીઓની હિલચાલની બાતમી મળી ગઈ હતી. આ રીતે બે દિવસની મહેનત બાદ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી.
ઇસ્ટર્ન કમાન્ડ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું હતું કે, ભારત અને મ્યાનમાર સરહદે તહેનાત ભારતીય સેનાનાં એક દળ ઉપર પરોઢિયે ૪:૪૫ કલાકે NSCN-Kના ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર શરૂ કરી દેવાયો હતો. પ્રવક્તાએ વધુ જણાવ્યું કે, ભારતીય સેનાનાં ફાયરિંગમાં મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓનાં મોત થયાં છે અને ઘણાબધાને ઈજા થઈ છે. ભારતીય સૈન્યમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભારતીય સૈન્યે શા માટે પગલાં લીધાં?
ભારતીય સૈન્યના વિશેષ કમાન્ડોએ ત્રાસવાદી સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ખાપલાંગ જૂથ વિરુદ્ધ મ્યાનમાર સરહદે લાંગખુ ગામ પાસે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરી હતી. ભારતીય સૈન્ય ઘણા સમયથી આ ઉગ્રવાદીઓને ડામવા મથી રહ્યું છે. બે વર્ષ પહેલાં ઉગ્રવાદીઓ દ્વારા બીએસએફના જવાનો ઉપર હુમલો કરાયો હતો જેમાં ૨૮ જવાનોનાં મોત થાય હતા. આ ઘટના બાદ ભારતીય સૈન્ય સતત નાગા ઉગ્રવાદીઓને નાથવા માટે મ્યાનમાર સરહદે ઓપરેશન ચલાવી રહી છે.
આ સર્જિકલ સ્ટ્રાઇક નહોતી : રાજનાથ સિંહ
ભારતીય સેનાએ મ્યાનમારની સરહદમાં ઉગ્રવાદીઓ સામે કરેલી કાર્યવાહીથી ચારે તરફ સનસનાટી મચી ગઈ છે. ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા થવા લાગી છે. જોકે ભારતીય સેના અને ગૃહપ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું છે કે આ સર્જિકલ સ્ટ્રાઈક ન હતી. અમે મ્યાનમારની સરહદેથી દૂર રહીને ઓપરેશન પાર પાડયું છે, તેને સર્જિકલ સ્ટ્રાઇક ગણી શકાય નહીં. રાજનાથ સિંહે કહ્યું કે મ્યાનમાર સાથે આપણા મિત્રવત્ સંબંધ છે અને આ કોઈ સર્જિકલ સ્ટ્રાઈક ન હતી. ઓપરેશન અંગે જે કંઈ માહિતી આવશે તે જાહેર કરાશે.
આમ કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સેના કહી રહી છે કે સમગ્ર ઓપરેશન ભારતીય સરહદમાં જ નાગાલેન્ડની ભૂમિ પર જ થયું છે. કોઈ સૈનિકે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી નથી. મ્યાનમાર સાથે આપણા જૂના મિત્રતાપૂર્ણ સંબંધ છે. ઉગ્રવાદ સિવાય હાલ આ સરહદે કોઈ તણાવ નથી. જો તેને સર્જિકલ સ્ટ્રાઈક નામ આપવામાં આવે તો મ્યાનમાર સાથેના સંબંધો વણસી શકે અને મિત્ર રાષ્ટ્રની લાગણી દુભાઈ શકે.
સંગઠન ૪૦ વર્ષથી હિંસામાં સક્રિય
નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ - ખાપલાંગ જૂથની રચના ૩૧ જાન્યુઆરી ૧૯૮૦માં થઈ હતી. ઇસાક ચિશી સ્વૂ અને થુઈંગલેંગ મુઈઆ જેવા નેતાઓમાં મતભેદ સર્જાતાં ૧૯૮૮માં ભાગલા પડયા હતા. આ સંગઠન ત્યારથી જ ભારતીય સુરક્ષા દળો પર હુમલા, ખંડણીવસૂલી અને લૂંટફાટ સહિતની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. મણિપુરમાં જૂન ૨૦૧૫માં સૈન્યની ટુકડી પર થયેલા હુમલામાં પણ આ સંગઠનનો જ હાથ હતો. તે હુમલામાં સૈન્યના ૧૮ જવાનો માર્યા ગયા હતા. આ પછી ભારતીય સૈન્યે મ્યાનમારના સીમાડામાં ઘૂસીને સંગઠનની છાવણી પર હુમલો કરતાં સંખ્યાબંધ ઉગ્રવાદી માર્યા ગયા હતા.
જાણકારોનું કહેવું છે કે ખાપલાંગ જૂથના આ ત્રાસવાદીઓ ભારતીય જવાનો પર હુમલા કરીને પછી ભારતીય સૈન્ય વળતાં પગલાં ના લઈ શકે તે માટે સીમા ઓળંગીને મ્યાનમારમાં જતાં રહે છે. મ્યાનમાર સરહદે આ જૂથ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં છે તેવી આતંકી તાલીમી છાવણીઓ ધરાવે છે.