નવી દિલ્હીઃ ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) વચ્ચે પરમાણુ ઉર્જા, પેટ્રોલિયમનો સંગ્રહ અને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પર સહયોગ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યાનની વચ્ચે હૈદરાબાદ હાઉસમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં ચાર મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
સૂત્રો અનુસાર આ દરમિયાન બંને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ ગાઝાના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત, ગુજરાતમાં ફૂડ પાર્કના વિકાસ પર રાજ્ય સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની પીજેએસસીની વચ્ચે કરાર થયા હતા.
પ્રિન્સે બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. મંગળવારે તેમણે એક બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી, જેમાં બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ ઝાયેદ વચ્ચે ભારત અને યુએઇની વ્યાપક વ્યૂહાત્કમ ભાગીદારીને સઘન બનાવવાના વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પડકારો અંગે વિચારવિમર્શ પણ થયો હતો. ભારત-યુએઇ સંબંધોમાં શાનદાર પ્રગતિ થઇ રહી છે.’ તેમણે કહ્યું હતું કે, ‘મોદી સાથેની વાટાઘાટ પછી ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ક્રાઉન પ્રિન્સ રવિવારે ભારતના પ્રવાસે આવ્યા હતા. સત્તાવાર ડેટા મુજબ ભારત અને યુએઇ 2022-23માં 85 બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપાર સાથે એકબીજાના ટોચના વ્યાપાર ભાગીદાર રહ્યા હતા.
યુએઇમાં અંદાજે 35 લાખ ભારતીયો
યુએઈમાં અંદાજે 35 લાખ ભારતીયો વસે છે. ગત વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી જી20 સમિટમાં યુએઇને વિશેષ આમંત્રિત દેશ તરીકે નિમંત્રણ અપાયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં યુએઇ ભારતના સમર્થનથી બ્રિક્સનું સભ્ય પણ બન્યું હતું. ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ સહકારમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગતિ જોવા મળી છે. જાન્યુઆરીમાં રાજસ્થાનના રણમાં ભારત અને યુએઇના સૈન્યોની સંયુક્ત લશ્કરી કવાયત પણ યોજાઇ હતી. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે રાજઘાટ ૫૨ મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી. તેમણે કહ્યું કે ગાંધીની શિખ આપણને પ્રેરણા આપે છે.
આ છે મહત્ત્વના સમજૂતી કરાર
એમિરેટ્સ ન્યૂક્લિયર એનર્જી કંપની અને ભારતીય અણુ ઉર્જા નિગમ વચ્ચે બરાક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને દેખરેખ માટે કરાર થયા છે. તો અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વચ્ચે એલએનજી સપ્લાય માટે કરાર કરાયા છે.
એડીએનઓસી તેમજ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની વચ્ચે પણ સમજૂતી થઇ છે. ગુજરાતમાં ફૂડ પાર્કના વિકાસ પર રાજ્ય સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની પીજેએસસીની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા છે.
મંદિર નિર્માણમાં પ્રિન્સનું મૂલ્યવાન યોગદાન
સમગ્ર યુએઇમાં એકમાત્ર અબુ ધાબીમાં શિખરબંધી મંદિર જોવા મળે છે, આ મંદિરના નિર્માણનો યશ જાય છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને અને ચુસ્ત ઇસ્લામિક દેશની ધરતી પર મંદિરના નિર્માણ માટે ઉદારદિલે મંજૂરી આપવાનો યશ આપવો રહ્યો ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાનને. અન્ય ધર્મ પ્રત્યેના તેમના ઉદારવાદી અભિગમના કારણે જ આજે અબુ ધાબીની ધરતી પર ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર જોવા મળી રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે ક્રાઉન પ્રિન્સે માત્ર મંજૂરી જ નથી આપી, પરંતુ સમગ્ર સંકુલ માટેની જમીન પણ વિનામૂલ્યે ફાળવી છે, અને પણ બીએપીએસ સંસ્થાને માલિકીહક્ક સાથે. આ જ કારણ છે કે આ પ્રોજેક્ટના કર્તાહર્તા અને સાકારકર્તા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ આ મંદિરના ઉદ્ઘાટન વેળા કહ્યું હતું કે અબુ ધાબી હિન્દુ મંદિર આધ્યાત્મિક્તા અને વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક બની રહેશે.