વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ-પદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી બાદ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે જ્યારે ડેમોક્રેટ જો બાઇડેન બાજી મારી ગયા છે. વિવાદનો વંટોળ સર્જવાથી માંડીને મતદાનના મામલે અનેક વિક્રમ સર્જનાર આ ચૂંટણીમાં ઉપપ્રમુખપદના પરિણામે ઇતિહાસ રચ્યો છે. ઉપપ્રમુખપદની ચૂંટણીમાં ભારતવંશી કમલા હેરિસે જ્વલંત મેળવ્યો છે. અમેરિકાના પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનવાનું બહુમાન મેળવનાર કમલા હેરિસે નારીશક્તિનું ગૌરવ વધારવાની સાથોસાથ ભારતવંશી સમુદાય માટે પણ ઇતિહાસ સર્જ્યો છે.
બાઇડેનને ૨૭૩ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ૨૧૪ ઇલેક્ટોરલ વોટ મળ્યા છે. પ્રમુખ બનવા માટે ૨૭૦ ઇલેક્ટોરલ વોટની જરૂર હોય છે. આમ બાઇડેન જંગી સરસાઇ સાથે વિજેતા બન્યા છે. બેટલ ગ્રાઉન્ટ સ્ટેટમાં પેન્સિલવેનિયા સૌથી વધુ ઇલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય હતું, જ્યાં બાઇડેને જણાવ્યું હતું કે, અમેરિકનોએ તેમનામાં અને ઉપપ્રમુખ કમલા હેરિસમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનું તેઓ સન્માન કરે છે. ઉલ્લેખનીય છે કે બાઇડેન અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે.
તમિલનાડુના વતની કમલા હેરિસ ગરીબોના મસિહા તરીકે ઓળખ ધરાવે છે. વિજય બાદ હેરિસે તેમના સમર્થકોને સંબોધતા સૌપ્રથમ પ્રતિભાવમાં કહ્યું હતું કે આ ચૂંટણી મારા કે જો બાઇડેનના વિજય પૂરતી જ નહીં, પરંતુ તેનાથી પણ ઘણું વધારે મહત્ત્વ ધરાવે છે.
આ વિજય અમેરિકાના આત્મા અને તેના જતન માટે લડવાની અમારી ઇચ્છાનો છે. આપણી સમક્ષ હાલ ઘણું કામ છે. ચાલો, આપણે શરૂ કરીએ. ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં વિજય નિશ્ચિત થયા બાદ કમલા હેરિસે પ્રતિભાવ આપતાં આ શબ્દો કહ્યા હતા.
ચૂંટણીના પરિણામોમાં વિલંબ થતાં બાઇડેને પ્રમુખપદે તેમના વિજયની જાહેરાત થાય તે પહેલાં જ વર્તમાન સંજોગોમાં સૌથી મહત્ત્વના એવા જાહેર સ્વાસ્થ્ય અને અર્થતંત્રના ક્ષેત્ર પર કામ શરૂ કરી દીધું છે. અમેરિકામાં કોરોના મહામારીની ત્રીજા વેવને પગલે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે.
બાઇડેને જણાવ્યું હતું કે, અંતિમ પરિણામોની રાહ જોવાઇ રહી ત્યારે હું લોકોને કહેવા માંગુ છું કે અમે કામ શરૂ કરવા માટે રાહ જોઈ નથી રહ્યા. હું પહેલા દિવસથી લોકોને જણાવવા માગું છું કે અમે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે અમારી યોજનાઓ અમલમાં મૂકશું. આ યોજનાઓ આગામી મહિનાઓમાં લાખો લોકોના જીવન બચાવશે.
આર્થિક સુધારાને પ્રાધાન્ય
બાઇડેન અને હેરિસે જાહેર સ્વાસ્થ્ય અને આર્થિક કટોકટી મુદ્દે નિષ્ણાતોના એક જૂથ સાથે ચર્ચા પણ કરી હતી. બાઇડેને કહ્યું હતું કે, દેશમાં ૨૦ મિલિયનથી વધુ લોકો બેરોજગાર છે. અમારી આર્થિક યોજના દેશને સુધારાના માર્ગ પર આગળ લઈ જવાની છે.
કોરોનાને નાથવા યોજના
કોરોના મહામારી દેશ માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના દૈનિક કેસનો આંકડો સતત વધી રહ્યો છે અને એક દિવસમાં ૨,૦૦,૦૦૦ થી પણ વધુ કેસ નોંધાય તેવી આશંકા છે. અમે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અમારી યોજનાઓનો અમલ કરશું.
બાઇડેનની સાથે તેમની ટીમના કમલા હેરિસ પણ ઉપપ્રમુખપદે પહોંચનારાં પ્રથમ મહિલા બન્યા છે. વધુ મહત્ત્વની બાબત એ છે કે ઉપપ્રમુખપદે તેઓ સૌપ્રથમ ભારતીય મૂળના મહિલા છે. કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. તેઓ પોલીસ સુધારાના મોટા સમર્થક છે. અગાઉ બિડેને ડેલાવરના વિલ્મિંગ્ટનથી રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે, મારા અમેરિકન મિત્રો, અમે જીત્યા છીએ તેવી હજી જાહેરાત થઈ નથી, પરંતુ મતગણતરીના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અત્યંત રસાકસીભરી આ ચૂંટણીમાં અમે જીતી રહ્યાં છીએ.
વિક્રમનજક મત મળ્યા
બિડેને દાવો કર્યો હતો કે આપણને ૭૪ મિલિયન વોટ મળ્યા છે, જે અત્યાર સુધીમાં કોઈ પણ અમેરિકન પ્રમુખને મળ્યા નથી અને હજી મતગણતરી ચાલુ છે. અમે ડોનાલ્ડ ટ્રમ્પને ૪ મિલિયન મતોથી હરાવીશું અને આ માર્જિન પણ વધી રહ્યું છે.
‘સહુ કોઇ માટે કામ કરીશ’
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને પરાસ્ત કરી અમેરિકાના ૪૬મા પ્રમુખ બન્યા બાદ બાઇડેન ટ્વિટ કરીને ખૂશી વ્યક્ત કરી હતી. તેણે પ્રમુખ બન્યા પછીની પહેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘હું તમામ અમેરિકન લોકોનો પ્રમુખ બનીશ. મને વોટ આપ્યા હોય કે મારી વિરુદ્ધ મતદાન કર્યું હોય, હું તમામ નાગરિકો માટે કામ કરીશ અને દેશની પ્રગતિ કરીશ.