વોશિંગ્ટન: ટેક્સાસમાં 18 વર્ષના યુવકે કરેલા અંધાધૂધ ગોળીબારે 19 ભૂલકાં સહિત 21 લોકોનાં જીવ લીધા. કહેવાય છે કે વીતેલા પાંચ વર્ષમાં અમેરિકી શાળામાં થયેલો આ સૌથી ઘાતક હુમલો છે. જોકે અમેરિકી શાળા કે કોલેજ આવા માથાભારે યુવાનોનું નિશાન બની હોય તેવી પહેલી ઘટના નથી. પાંચ વર્ષમાં અમેરિકી શાળામાં અંધાધૂધ ગોળીબારની 100 થી વધુ ઘટના બની ચૂકી છે. અમેરિકી શાળાઓમાં થતા ગોળીબારના કાળા ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો છેલ્લા 23 વર્ષમાં 9 હુમલાખોરોએ 151 લોકોના જીવ લીધા છે. અમેરિકામાં આ વર્ષે જ સામૂહિક ગોળીબારની 200થી વધુ ઘટના બની છે. આ બધું થવા પાછળ અમેરિકામાં લોકોના હાથમાં રહેલા હથિયારોની સંખ્યા જવાબદાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ અમેરિકામાં 33 કરોડની વસતીના હાથમાં 39 કરોડ હથિયાર છે.
હિંસક વીડિયો ગેમ જવાબદાર
નિષ્ણાતો આ પ્રકારના અંધાધૂધ ગોળીબાર પાછળ હિંસક વીડિયો ગેમને પણ જવાબદાર માને છે. અનેક રિસર્ચમાં આ હકીકત સાબિત થઈ ચૂકી છે કે જે બાળકો ગન વાયોલન્સ ધરાવતી વીડિયો ગેમને જોઈ ચૂક્યા હોય કે રમી ચૂક્યા હોય તે પૈકી 60 ટકા બાળકો બંદૂકનો ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. વર્ષ 2019માં તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગોળીબારોની ઘટનાને હિંસક વીડિયો ગેમ્સ સાથે સાંકળી હતી.
ટેક્સાસની શાળા વારંવાર નિશાન
અમેરિકી શાળાઓ પર થતા રહેતા હુમલા અંગેના વીતેલા સમયના આંકડા પર નજર નાખવામાં આવે તો ટેક્સાસમાં મોટી સંખ્યામાં શાળાઓ આવા હુમલાનો ભોગ બની ચૂકી છે. વર્ષ 2016માં ટેક્સાસની અલ્પાઇન સ્કૂલમાં આ જ રીતનો ગોળીબાર થયો હતો. તેમાં એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વર્ષ 2018માં સેન્ટ ફે સ્કૂલમાં 17 વર્ષના હુમલાખોરે બાળકો પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. તે હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2021માં ટિમ્બરવ્યૂ સ્કૂલમાં પણ ગોળીબાર થયો હતો. જોકે આ ઘટનામાં કોઈનું મૃત્યુ નહોતું થયું, પરંતુ સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.
ચાલુ વર્ષે ગોળીબારની 212 ઘટના
અમેરિકાના સ્વતંત્ર ડેટા એકત્રિત કરી રહેલા સંગઠન ગન વાયોલન્સ આર્કાઇવના જણાવ્યા મુજબ 2022માં અત્યારસુધીમાં 212 સામૂહિક ગોળીબારની ઘટના નોંધાઈ ચૂકી છે. તે ઉપરાંત અમેરિકામાં 2021માં આવી 693 ઘટના નોંધાઈ હતી. અમેરિકામાં વર્ષ 2020માં સામૂહિક ગોળીબારની 611 તો વર્ષ 2019માં 417 ઘટના નોંધાઈ હતી.
અમેરિકામાં શસ્ત્ર ખરીદી સરળ
અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ મોટી સંખ્યામાં નોંધાવાનું મોટું કારણ તે અમેરિકી ગન એક્ટ છે. અમેરિકી 'ગન કલ્ચર'ને અમેરિકી બંધારણ સાથે સંબંધ છે. બંધારણમાં થયેલો બીજો સુધારો તે અમેરિકામાં બંદૂક રાખવાના કાયદાનો આધાર છે. ધ ગન કંટ્રોલ એક્ટ, 1968ની જોગવાઈ અનુસાર, રાઇફલ કે કોઈ પણ નાનું હથિયાર રાખવા માટેની લઘુતમ વયમર્યાદા 18 વર્ષ છે. હેન્ડગન સહિતના બીજા મોટા હથિયાર રાખવા માટેની વયમર્યાદા 21 વર્ષ છે. મળતા અહેવાલ મુજબ અમેરિકાની 33 કરોડની વસતી સામે હથિયારોની સંખ્યા 39 કરોડ છે.
હથિયાર ખરીદીના ચોંકાવનારા આંકડા
અમેરિકામાં જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 વચ્ચે જ 70 લાખથી વધુ લોકોએ બંદૂક ખરીદી હતી. નવી બંદૂક ખરીદ કરનારામાં 50 ટકાથી વધુ મહિલાઓ હતી તો 40 ટકા અશ્વેત નાગરિકો હતા.
અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ વર્ષ 2021ના અહેવાલ મુજબ કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ લોકો ગોળીબારમાં ઘાયલ થયા હતા. તે પૈકી મોટા ભાગના બાળકો હતા. એકેડેમી બાળકો અને કિશોરોને હિંસક વીડિયો ગેમ નહીં રમવા સલાહ આપી ચૂકી છે, જોકે તેની સલાહ બહેરા કાને જ અથડાઇ છે.