લંડનઃ દરેક વસંત ઋતુમાં લંડનમાં યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (UKAFF)નું આયોજન થાય છે. ફિલ્મો અને ખાસ કરીને જટિલ અને પડકારજનક મુદ્દાઓ હાથ ધરતી ફિલ્મો કેવી રીતે આપણા સમાજ પર અસર સર્જી શકે છે તેને આ ફેસ્ટિવલ બિરદાવે છે. આ વર્ષના ફિલ્મ ફેસ્ટિવલનો કેન્દ્રીય વિષય ‘ડેર ટુ ડ્રીમ’ એટલે સ્વપ્ના સેવવાનું સાહસ છે અને તે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરે છે.
આ ફિલ્મ ફેસ્ટિવલ 4 મેથી 15 મે 2022 સુધી ચાલશે અને યુરોપમાં સૌતી લાંબો ચાલનારો અગ્રણી સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ છે.‘ટંગ્સ ઓન ફાયર’ના ડાયરેક્ટર ડો. પુષ્પિન્દર ચૌધરીએ 1999માં તેની સ્થાપના કરી હતી.
લંડનના બ્રિક લેનના સેટિંગ્સમાં રિચ મિક્સ સિનેમા ખાતે ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની’એ કેન્દ્ર સ્થાન હાંસલ કર્યું હતું. હળવી પળોની આ ગુજરાતી સ્વતંત્ર ફિલ્મ ખોટા માર્ગે ભટકાઈ દેવાતા 11 વર્ષનાં તોફાની બાળકની યાત્રા મારફતે ગાંદીવાદી સિદ્ધાંતોની રજૂઆત કરે છે.
નિર્માતા મહેશ દાનાન્નાવારે 2020ની કોવિડ મહામારી દરમિયાન આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મે 13મા બંગલુરુ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (BIFFES)માં બીજા ક્રમની શ્રેષ્ઠ ભારતીય સિનેમાનો એવોર્ડ જીત્યો હતો અને હાલ સમગ્ર વિશ્વમાં વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં તેનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. લંડનમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગનું યજમાનપદ ગુજરાતી મૂળના બ્રિટિશ ભારતીય કાઉન્સિલર અને ગાંધીવાદી મૂલ્યોથી પ્રેરણા મેળવનારાં મીનાબહેન પરમારે સંભાળ્યું છે. તેમણે સ્ક્રીનિંગ પછી સમાપન ટીપ્પણીઓ વેળા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલનું સ્વાગત કર્યું હતું.
મીનાબહેન પરમારે આપણા રાષ્ટ્રપિતા બાપુ મહાત્મા ગાંધીના હૃદયને ઝંકારતા ગુજરાતી મૂવીને દર્શાવવા બદલ આયોજકો અને ઓડિયન્સનો આભાર માન્યો હતો. તેમણે આ ફિલ્મને યુકે લાવવા બદલ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલની ટીમ અને ડો. પુષ્પિન્દર ચૌધરીનો આભાર માન્યો હતો.
કાઉન્સિલર મીનાબહેન પરમારે નિર્માતા મહેશ દાનાન્નાવાર સાથે માહિતીપ્રદ પ્રશ્નોત્તરીનું સત્ર હાથ ધર્યું હતું.
પ્રશ્ન. આપણે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમે ગાંધીજીના વારસાનું કેવી રીતે વર્ણન કરશો તેમજ આ ફિલ્મ કેવી રીતે ગાંધીજીના મૂલ્યોની રજૂઆત કરે છે?
ઉત્તર. અમે જ્યારે આ મૂવીનું આયોજન કર્યું ત્યારે અમે ગાંધીના મૂલ્યોને વર્તમાન પેઢી સુધી પહોંચાડવા ઈચ્છતા હતા. આ ફિલ્મ ઘણી હળવી છે અને ઘણી નિર્દોષતા સાથે તે તમને મૂલ્યોની નજદીક લઈ જાય છે.
પ્રશ્ન. તમને આ મૂવી બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી?
ઉત્તર. દરેક વ્યક્તિ ગાંધીજી વિશે વાંચે છે. વર્તમાન પેઢીને સુપરહીરોઝ, ટેકનોલોજી અને ગેમ્સ સાથે વધુ લાગેવળગે છે. અમે ગાંધીજીને વર્તમાન પેઢી સમક્ષ સુપરહીરો તરીકે પરિચય કરાવવા માગતા હતા.
પ્રશ્ન. ઓડિયન્સ કયા ચાવીરૂપ સિદ્ધાંતો અને સંદેશો પોતાની સાથે લેતા જાય તેમ તમે ઈચ્છો છો?
ઉત્તર. આપણે બધાએ ગાંધીવાદી મૂલ્યોનો અભ્યાસ કર્યો છે પરંતુ, તેને અનુસરતા નથી અથવા ઘણી નવખત ગાંધીજીના નામનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દઈએ છીએ. આથી, અમે હળવી રીતે સંદેશા રજૂ કર્યા છે. જ્યારે આપણે સરળતાથી કશું કહીએ ત્યારે બાળકો તેને અનુસરે છે.
પ્રશ્ન. આ મૂવીના નિર્માણમાં કેવા પડકારો આવ્યા હતા?
ઉત્તર. અમે કોવિડ દરમિયાન ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. અમે કોવિડના 3-4 ડિવસ પહેલા જ ફિલ્મનું આયોજન કર્યું હતું. પ્રથમ લોકડાઉનમાં અમે સ્ટોરી લખવાની શરૂઆત કરી. લોકડાઉન પછી, અમદાવાદમાં 30 દિવસમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. પરંતુ, કોવિડના માપદંડ અને સાવચેતીઓને અનુસરવા સાથે ફિલ્મ પૂર્ણ કરવી તે ખરેખર પડકારજનક હતું.
પ્રશ્ન. મહેશભાઈ, તમારું આગળનું કદમ શું હશે?
ઉત્તર. અમે આ ફિલ્મ ભારતમાં સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં રીલિઝ કરવા ધારીએ છીએ. અત્યારે અમે સમગ્ર વિશ્વમાં પિલ્મ ફેસ્ટિવલ્સમાં જઈ રહ્યા છીએ. અમે આ ફિલ્મને અલગ ભાષાઓમાં પણ ડબ કરી શકીએ છીએ