લંડનઃ યુકે સરકાર ઈંગ્લિશ ભાષાની કુશળતામાં બનાવટના ખોટા આરોપો સાથે હજારો વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવા જણાવાયું હોવાના દાવાઓનો સામનો કરી રહી છે. પૂર્વ હોમ સેક્રેટરી અમ્બર રડને ગત જૂન મહિનામાં મોકલાયેલી નોંધમાં જણાવાયું હતું કે ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા ૨૦૧૭-૧૮માં ૧૨,૮૦૦ વ્યક્તિને ફરજિયાત દેશનિકાલ કરાવવાનું લક્ષ્યાંક રખાયું છે. આવો લક્ષ્યાંક ન હોવાનું નિવેદન ભૂલથી આપ્યાં પછી અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના જીવન મુશ્કેલ બનાવી તેમને બ્રિટન છોડવું પડે તેવાં સરકારી વલણનાં વિન્ડબ્રશ કૌભાંડના પરિણામે થેરેસા મેના અનુગામી હોમ સેક્રેટરી રડને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
સ્ટુડન્ટ વિઝા માટે આવશ્યક ઈંગ્લિશ ભાષાકીય કુશળતાની પરીક્ષામાં છેતરપીંડી સંબંધે કૌભાંડમાં સંકળાયેલા આશરે ૭૦૦૦ વિદ્યાર્થીને બ્રિટન છોડી જવા હોમ ઓફિસે આદેશ કર્યો હોવાનું જણાવાય છે. સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં છેતરપીંડીને દર્શાવતી ગુપ્ત ફિલ્મ બહાર આવ્યાં પછી ઈમિગ્રેશન વિભાગે ભાષાની પરીક્ષા લેતી અગ્રણી કંપનીએ લીધેલી પરીક્ષાઓ પણ રદ કરી હતી. યુએસ કંપની એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS) દ્વારા ગોઠવાયેલા ઉમેદવારોના સ્થાને ‘ભૂતિયા ઉમેદવારો’ બેસાડાયા અને તેમને જવાબો લખાવી દેવાતા હતા. ચાર વર્ષ અગાઉ ૨૦૧૪માં લંડનમાં એડન કોલેજ ઈન્ટરનેશનલ અને વોટફોર્ડમાં યુનિવર્સલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઈંગ્લિશ ફોર ઈન્ટરનેશલ કોમ્યુનિકેશનની પરીક્ષા આપતા વિદેશી વિદ્યાર્થીઓનું બીબીસી પેનોરામા પ્રોગ્રામ દ્વારા પરીક્ષાનું ગુપ્ત ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.
તત્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મેએ પરીક્ષાની વ્યવસ્થા કરનાર ETSને સસ્પેન્ડ કરી કથિત કૌભાંડની તપાસના આદેશો આપ્યાં હતાં. વોઈસ રેકગ્નિશન ટેક્નિક્સના ઉપયોગથી વિશ્લેષણમાં વ્યાપક છેતરપીંડી આચરાયેલી જણાઈ હતી. ETS દ્વારા જણાવાયું હતું કે પરીક્ષામાં ૩૩,૭૨૫ ઉમેદવારે અન્યનો ઉપયોગ કર્યો હતો અને ૨૨,૬૯૪ કેસમાં પરીક્ષાના પરિણામ સામે જ સવાલ સર્જાયો હતો.
સત્તાવાર આંકડા મુજબ ૨૦૧૬ના અંત સુધીમાં ૩૫,૮૦૦ ઉમેદવારના વિઝા રદ કરવામાં આવ્યા હતા. જોકે, બે વર્ષ અગાઉ ઈમિગ્રેશન અપીલના ચુકાદામાં જણાવાયું હતું કે વોઈસ એનાલીસિસમાં કોમ્પ્યુટર માત્ર ૮૦ ટકા કેસમાં જ સાચા હતા. આના પરિણામે, ૭,૦૦૦ વિદ્યાર્થીને છેતરપીંડીના ખોટા આરોપસર વિઝા રદ કરાયા હતા અથવા દેશમાંથી ધકેલી દેવાયા હતા. મોટા ભાગના વિદ્યાર્થીને હોમ ઓફિસના નિર્ણય સામે અપીલ કરવા દેવાઈ ન હતી, તેમની વિરુદ્ધના પુરાવા અપાયા ન હતા કે અંગ્રેજી બાષાનું કૌશલ્ય પુરવાર કરવાની તક અપાઈ ન હતી. કેટલાક વિદ્યાર્થીઓ યુકેમાં કાયદેસર રહેતા હોવાં છતાં તેમની અટકાયત કરાઈ હતી, જેના કારણે તેમણે નોકરી ગુમાવી હતી અને ઘરવિહોણા થવું પડ્યું હતું