લંડનઃ યુકેના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશમાં દેશમાં કોરોના વાઈરસનો ચેપ વધતો જ રહેશે. મૂળ ચીનમાંથી ઉદ્ભવેલા વાઈરસને અંકુશમાં રાખવાની આશા નહિવતથી શૂન્ય છે. તેમણે યુકેમાં ‘કોમ્યુનિટી ટ્રાન્સમિશન’ થતું હોવાની ચેતવણી આપી છે. બીજી તરફ, સરકારની રણનીતિ ફેલાવાના અટકાવના બદલે તેને વિલંબમાં મૂકવા તરફ વળી છે.
યુકેમાં કોરોના વાઈરસ ચેપના કેસીસ વિશે પાર્લામેન્ટરી હેલ્થ સિલેક્ટ કમિટી સમક્ષ ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ કહ્યું હતું કે,‘હું માનું છું કે આંકડો માત્ર વધતો જ રહેશે. ઘણા કેસીસ એવા છે જે ક્યાંથી આવ્યા તે આપણે ચોક્કસ કહી શકતા નથી. યુકેમાં આ વાઈરસનું ‘કોમ્યુનિટી ટ્રાન્સમિશન’ થઈ રહ્યું છે. અત્યારે તેનું પ્રમાણ ઓછું છે પરંતુ, આપણે તેવી ધારણા સાથે જ આગળ વધવું જોઈએ.
કમિટીના ચેરમેન જેરેમી હન્ટે સરકારની બદલાયેલી રણનીતિ વિશે પૂછતા પ્રોફેસરે જણાવ્યું હતું કે હવે આપણે મુખ્યત્વે વાઈરસને વિલંબમાં મૂકવા તરફ જઈ રહ્યા છીએ.