લંડનઃ બ્રિટનમાં જાણે સત્તાવાર જાહેરાત વિના જ કોરોના વાઈરસ લોકડાઉન હળવું થયું હોવાનું જણાય છે. સેંકડો લોકોએ Five Guys અને B&Q ની બહાર લાઈનો લગાવી હતી. બાંધકામની સાઈટ્સ પર બિલ્ડર્સ અને મજૂરો કાર્યરત છે તેમજ ટ્યૂબ્સ અને માર્ગો દિવસે અને દિવસે વ્યસ્ત થયેલાં જણાયાં છે. ૨૩ માર્ચે લોકડાઉન જાહેર કરાયા પછી રોડ ટ્રાફિક વધ્યો છે. દેશને ફરી કામે ચડાવી શકાય તે માટે બ્રિટિશરોને તેમના કામધંધાનું સ્ટેગરિંગ કરવા જણાવાય અને વર્કર્સ સવારના ૭, સવારના ૧૦ તેમજ બપોરના ૧ કલાકે કામ પર જઈ શકે તેવો અવરજવરનો સમય નિશ્ચિત કરાય તેવી સંભાવના છે. કંપનીઓને પણ તેમના કર્માચારી એકાંતરે દિવસે આવી શકે તેવી વ્યવસ્થા વિચારવા જણાવાશે.
કોરોના વાઈરસ લોકડાઉન છતાં બ્રિટિશરોએ તેઓ સામાન્ય જીવન તરફ પાછાં ફરી રહ્યા હોવાના અણસાર આપ્યા છે. એડિનબરા ફાઉન્ટન પાર્ક ખાતે ફાઈવ ગાયઝ બર્ગર રેસ્ટોરાંની બહાર લોકોએ લાંબી લાઈન લગાવી હતી. જોકે, તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જણાયો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર બિલ્ડર્સ-કામદારો પાછા ફરી રહ્યા છે અને માર્ગો પરનો ટ્રાફિક વધી રહ્યો છે. હોમબિલ્ડર ટેઈલર વિમ્પેએ ૪ મેથી બાંધકામ કામકાજ શરુ કરવા જણાવ્યું છે અને પ્રતિસ્પર્ધી વિસ્ત્રી ગ્રૂપ આગામી સપ્તાહથી ફરી કામે ચડશે. બીજી તરફ, લક્ઝરી કારનિર્માતા એસ્ટોન માર્ટિન લાગોન્ડા ૫ મેથી તેની સાઉથ વેલ્સ ફેક્ટરી શરુ કરનાર છે.
સરકાર આગામી મહિને બહુમતી બ્રિટિશરો કામધંધે વળગે ત્યારે ભારે ભીડને ટાળવા લોકોના કામના આરંભના સમયનું સ્ટેગરિંગ કરવા વિચારી રહી હોવાનું કહેવાય છે. ટોરી સાંસદોએ બિઝનેસીસને અસ્તિત્વ જાળવવાની આશા સાથે લોકડાઉન હળવું કરવાનાં કયાં પગલાં વિચારે છે તેની સ્પષ્ટતા માગી છે. ૧૯૨૨ કમિટીના બેઠકમાં સીનિયર બેકબેન્ચર ટોરી સભ્યોએ જણાવ્યું હતું કે મોટા ભાગની બ્રિટિશ જનતા સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાંનું પાલન કરી રહી છે. હવે અર્થતંત્ર તરફ પાછાં ફરવું જોઈએ. જોકે, અર્થતંત્રને બચાવવા સરકાર વધુ મોતનું જોખમ વ્હોરી શકે તે બાબતે કેબિનેટમાં પણ સર્વસંમતિ નથી. વડા પ્રધાન જ્હોન્સન લોકડાઉન ખોલવાના મતના નતી ત્યારે ચાન્સેલર રિશિ સુનાક અર્થતંત્રની સલામતી વિચારી રહ્યા છે. ફર્સ્ટ સેક્રેટરી ડોમિનિક રાબ કહે છે કે એક્ઝિટ સ્ટ્રેટેજીના અમલનું વિચારતા પહેલા સપ્તાહો લાગી જશે, તો ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ કહ્યું છે કે કેટલાક નિયંત્રણો તો આગામી વર્ષ સુધી યથાવત રહેશે.
એક તરફ, લંડન ફરીથી કામે ચડી શકે તેવા પગલાની સંભાવના વચ્ચે મેયર સાદિક ખાને જણાવ્યું છે કે ટ્રાફિક ઓફ લંડન પાસે કામકાજ ચલાવવા એક સપ્તાહના મૂલ્ય જેટલી જ રોકડ રકમ બચી છે ત્યારે બંડખોર RMT યુનિયને જણાવ્યું છે કે તેના સભ્યો પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE) વિના બસ કે ટ્રેન પર કામે નહિ ચડે. બ્રિટનમાં ૨૩ માર્ચે અભૂતપૂર્વ લોકડાઉન જાહેર કરાયા પછી ૧૬ એપ્રિલે તેને વધુ ત્રણ સપ્તાહ- ૭ મે સુધી લંબાવાયું છે.