કમ્પાલાઃ એક તરફ સમગ્ર વિશ્વમાં નેટ ઝીરો અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે ઓઈસ જાયન્ટ્સ યુગાન્ડાના કુદરતી સ્થળોમાં ઓઈલ ડ્રિલિંગ કરાવી રહ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ લેક આલ્બર્ટ ઓઈલ પ્રોજેક્ટ મુદ્દે દેશ અને દેશની બહાર તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે પરંતુ, કામકાજ આગળ ધપી રહ્યું છે. ફ્રેન્ચ ઓઈલ કંપની TotalEnergies અને ચીનની સરકારી ઓઈલ ડેવલપર કંપની Cnooc દ્વારા નેશનલ પાર્કની અંદર જ ટિલેન્ગા ઓઈલફિલ્ડમાં 10 વેલ પેડ્સ અને ફીડર પાઈપલાઈન સાથે હાથ ધરાયેલી કામગીરીથી આ વિસ્તાર અત્યાર સુધી કદી નહિ જોવાયેલી ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમી રહ્યો છે.યુગાન્ડા સરકાર આને આર્થિક વિકાસના સાધન તરીકે બચાવ કરે છે પરંતુ, આ પ્રોજેક્ટ લોકો અને પર્યાવરણ માટે ખૂબ હાનિકારક બની રહેશે તેવો વિરોધ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ કરી રહ્યાં છે.
વન્યજીવન સામે ગંભીર ખતરો
વિશ્વના સૌથી પ્રખ્યાત ગેમ રિઝર્વ્સમાં એક મર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્કમાં પૃથ્વી પર હાથી, જિરાફ, સિંહ અને ચિત્તાની સૌથી વધુ વસ્તી છે. ચીફ વોર્ડન એડિસન નુવામાન્યા કહે છે તેમ આ વિસ્તારમાં 2700 હાથી, 15,800 જંગલી પાડા, 1950 રોથ્સચાઈલ્ડ્સ જિરાફ, 150,000થી વધુ કોબ્સ (એક પ્રકારના હરણ) વસે છે. ગેરકાયદે શિકારના કારણે જંગલી પ્રાણીઓની તદ્દન ઘટી ગયેલી વસ્તીને પુનઃસ્થાપિત કરવામાં દાયકાઓની મહેનત અને ઈન્વેસ્ટમેન્ટ લાગ્યા છે પરંતુ, આ વન્યજીવન નવા જોખમ- 10 બિલિયન ડોલરના લેક આલ્બર્ટ ઓઈલ પ્રોજેક્ટથી ખેદાનમેદાન થઈ જવાનો ભય સર્જાયો છે. યુગાન્ડા વાઈલ્ડલાઈફ ઓથોરિટીના પર્યાવરણીય અસર મૂલ્યાંકન યુનિટના વડા જસ્ટિન નામારા સ્વીકારે છે કે જ્યાં ઓઈલ છે તે જ વિસ્તાર પ્રાણીઓનું મુખ્ય પ્રાકૃતિક રહેઠાણ છે.
2050 સુધીમાં વિશ્વમાં એમિશન્સ નેટ ઝીરો લાવવા અને ગ્લોબલ વોર્મિંગને 1.5 સેન્ટિગ્રેડ સુધી મર્યાદિત રાખવા માટે નવા ઓઈલ અને ગેસ પ્રોજેક્ટ સંપૂર્ણ બંધ કરાવવા આવશ્યક હોવાનું ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ જણાવ્યું છે પરંતુ, TotalEnergies અને Cnooc જેવી કંપનીઓ અતિ સંવેદનશીલ પ્રાકૃતિક વિસ્તારોમાંથી ઓઈલ બહાર કાઢવા સતત કામગીરી કરે છે. યુએસમાં કીસ્ટોન પાઈપલાઈન, ઓસ્ટ્રેલિયામાં અદાણીની કારમાઈકેલ કોલસા ખાણની માફક જ લેક આલ્બર્ટ ઓઈલ પ્રોજેક્ટ પર્યાવરણીય જૂથો અને એનર્જી કંપનીઓ વચ્ચે રણમેદાન બની રહ્યો છે.
આશરે એક સદીથી પણ અગાઉ લેક આલ્બર્ટ નજીકની જમીનમાંથી ઓઈલ બહાર ઝમતું જણાયું હતું. જોકે, તેલક્ષેત્ર હોવાની સત્તાવાર શોધ છેક 2006માં થઈ હતી. તેલનો વિપુલ વિશાળ જથ્થો હોવાં છતાં, તેનો કદી વિકાસ કરી શકાવા બાબતે વર્ષો સુધી અવઢવ જ હતી. તેલક્ષેત્રનું સ્થળ અંશતઃ નેશનલ પાર્કમાં અને ચોતરફથી બંધિયાર તેવા યુગાન્ડામાં હોવાંનો અર્થ એટલો જ હતો કે ક્રૂડ ઓઈલને બજારમાં લાવવું દુષ્કર બની રહેવાનું હતું. લાંબી પાઈનલાઈનના કારણે પણ આ પ્રોજેક્ટ મુશ્કેલ મનાયો હતો. ઘણાં અવરોધો છતાં, પોતાના કુદરતી સ્રોતના આર્થિક મૂલ્યને બહાર લાવવા યુગાન્ડાનો નિર્ધાર અને લેક આલ્બર્ટ પર TotalEnergiesનું વધતું ધ્યાન આ પ્રોજેક્ટ માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યાં હતા. ફેબ્રુઆરી મહિનામાં 10 બિલિયન ડોલરના (ટિલેન્ગા અને કિંગફિશર ઓઈલફિલ્ડ્સ અને એકોપ (Eacop) પાઈપલાઈન સહિત) પ્રોજેક્ટ માટે આખરી ઈન્વેસ્ટમેન્ટ નિર્ણય જાહેર કરાયો હતો.
યુગાન્ડા માટે આર્થિક વિકાસનું સાધન
આફ્રિકામાં સૌથી દીર્ઘકાલીન સત્તા ભોગવનારા યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની આ પ્રોજેક્ટના ચાવીરુપ સમર્થક છે. યુગાન્ડા સરકારે જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી દેશને અતિ આવશ્યક1.2 બિલિયન ડોલર સુધીની આવક મળશે જેના પરિણામે, ચોતરફ ભૂમિથી ઘેરાયેલા વિકાસશીલ યુગાન્ડાના 41 બિલિયન ડોલરના જીડીપીમાં ભારે વધારો નોંધાશે તેમજ કોરોના મહામારી પછી નાદુરસ્ત રહેલા અર્થતંત્રમાં નોકરીઓનું ઈન્જેક્શન મળશે. યુગાન્ડામાં એનર્જીની માગ વધતી જાય છે. જોકે, તેલક્ષેત્ર નેશનલ પાર્કમાં હોવાનો ખેદ પણ યુગાન્ડાની પેટ્રોલિયમ ઓથોરિટીના પર્યાવરણ, આરોગ્ય અને સલામતી માટેના ડાયરેક્ટર જોસેફ કોબુશેશે કરી રહ્યા છે. આમ છતાં, જોખમની સામે લાભ વધારે હોવાનું કહી તેઓ જણાવે છે કે,‘ટિલેન્ગા પ્રોજેક્ટ દેશમાં એનર્જી ગરીબીનો અંત લાવવામાં તક બનશે, દેશમાં અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીસ માટે આવશ્યક રેવન્યુ પૂરી પાડશે.’
લેક આલ્બર્ટ ઓઈલ પ્રોજેક્ટ આ લેન્ડસ્કેપને ધરમૂળથી બદલી નાખશે એટલું જ નહિ, ઈસ્ટ આફ્રિકાનું એનર્જી માર્કેટ પણ તદ્દન બદલાઈ જશે. કામકાજ જોર પર ચાલશે ત્યારે પ્રતિ દિવસ 230,000 બેરલ ઓઈલનું ઉત્પાદન હાંસલ થશે. યુગાન્ડા સૌપ્રથમ વખત એનર્જી ઉત્પાદક બનશે અને પડોશી ટાન્ઝાનિયામાંથી પસાર થતી 1,443કિલોમીટર લાંબી પાઈપલાઈન થકી તેની નિકાસ પણ કરશે. હાલ તો નેશનલ પાર્કની મધ્યમાંથી પસાર થનારા હાઈવેનું નિર્માણ ચાલે છે. બુલડોઝર્સ અને બેકહોઝ મોટા પાયે દેખાય છે અને ટુંક સમયમાં ઓઈલ ઈક્વિપમેન્ટ્સની હેરફેર પણ થતી જણાશે.
ફાઈનાન્સિંગ સામે બેન્કો અને સંસ્થાઓ પર દબાણ
યુગાન્ડા પ્રથમ વખત ઓઈલના ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યું છે ત્યારેTotalEnergies પ્રોજેક્ટ સામે વિરોધ વધી રહ્યો છે. એક યુદ્ધ કોર્ટરુમમાં ખેલાશે. ફ્રાન્સમાં ફ્રેન્ડ્સ ઓફ અર્થ અને અન્ય સંસ્થાઓ દ્વારા કાનૂની કાર્યવાહી થઈ છે અને આ વર્ષમાં જ તેની ટ્રાયલ પણ શરૂ કરાનાર છે. ફ્રેન્ચ કાયદા હેઠળ પર્યાવરણ અને યુગાન્ડામાં માનવ અધિકારોના રક્ષણમાં TotalEnergies નિષ્ફળ રહી હોવાનો દાવો કરાયો છે. સૌથી સંવેદનશીલ મુદ્દો જમીન સંપાદન પ્રક્રિયાનો છે કારણકે યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં ઓઈલ ફેસિલિટીઝ અને પાઈપલાઈન માટે જગ્યા ઉભી કરવા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, એકોપ પાઈપલાઈનનું ફાઈનાન્સિંગ અને ઈન્સ્યુરન્સ પણ Avaaz, Extinction Rebellion અને 350Africa.org સહિત30થી વધુ ગેરસરકારી સંસ્થાઓના દબાણમાં છે. ‘Stop Eacop’ કેમ્પેઈનમાં પ્રોજેક્ટને ભંડોળ નહિ આપવા બેન્કો અને ફાઈનાન્સિયલ સંસ્થાઓને દબાણ થઈ રહ્યું છે. અત્યાર સુધી 15 બેન્ક અને 7 ઈન્સ્યુરન્સ કંપનીઓએ પ્રોજેક્ટને ફાઈનાન્સિંગ નહિ કરવા વચન આપ્યું છે. યુગાન્ડાની બહાર આંતરરાષ્ટ્રીય કેમ્પેઈનર્સ માટે આ પ્રોજેક્ટ ગ્લોબલ ક્લાઈમેટ મૂવમેન્ટનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે. તાજેતરમાં પેરિસમાં યોજાયેલી કૂચમાં દેખાવકારોએ ‘Stop Eacop’ લખાણો સાથે વિશાળ પાઈપલાઈન પણ રાખી હતી. લેક આલ્બર્ટ પ્રોજેક્ટ બંધ કરી શકાશે તો અન્ય ઓઈલ કંપનીઓને પણ સંદેશો મળી જશે. TotalEnergies કહે છે કે એક્ટિવિસ્ટોના દબાણ છતાં, પ્રોજેક્ટના શેરહોલ્ડર્સ તેને સફળ બનાવવા ફાઈનાન્સિંગ કરવા કટિબદ્ધ છે. જોકે, ફાઈનાન્સિંગ હજુ પૂર્ણ થયું નથી.
સરકાર અને એનર્જી કંપનીઓ દ્વારા ભારે ફાયદાના વચનો અપાઈ રહ્યાં છે પરંતુ, આ પ્રોજેક્ટના આસપાસના વિસ્તારોમાં વિષમ અસરો અત્યારથી જ જોવા મળે છે. લેક આલ્બર્ટના કિનારાઓ પર માછીમારોનું વાનસેકો ગામ છે. અહીં સઘન જિઓલોજિક પરીક્ષણો અને સિસ્મિક કામગીરી પછી માછીમાર પ્રવૃત્તિમાં ભારે ઘટાડો થયો છે કારણકે માછલીઓનું પ્રમાણ ઘટી ગયું છે. માછીમારો કહે છે કે તમે માછીમારી કરી ન શકો ત્યારે તમારા પરિવાર માટે સ્કૂલની ફી પણ ચૂકવી શકતા નથી. બીજી તરફ, ઓઈલનું એક ટીપું બહાર આવ્યા વિના જ વાનસેકો ગામની સિકલ બદલાઈ ગઈ છે. વર્ષોથી આર્થિક છેવાડે ગણાયેલા ગામમાં નવાંનક્કોર ટારમાક રોડ્સ અને બહુમાળી બિલ્ડિંગ્સ દેખાવાં લાગ્યાં છે. જોકે, આ ગામવાસીઓની રોજી છીનવાઈ ગઈ છે. તેમના માટે કોઈ નોકરી નથી. મોટા ભાગના લોકો કમ્પાલાથી અહીં આવ્યા છે.