શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા યુગાન્ડામાં 19થી 22 માર્ચ દરમિયાન કમ્પાલાના મુન્યોન્યો ખાતેના પ્રસિદ્ધ સ્પેકે રિસોર્ડ એન્ડ કોન્ફરન્સ સેન્ટરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોરમનું ફોક્સ ‘આફ્રિકા કોલિંગ’ પર રહેશે તેમજ ઈસ્ટ આફ્રિકામાં બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ માટેની તકો તેમજ સરહદ પારના બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને સર્વિસિસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રખાશે.
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોહાણા બિઝનેસીસને સાંકળવા અને બજારની તકો પર વિચારવિમર્શ તેમજ બિઝનેસીસ માટે ભાગ લેનારા દેશોના નિયંત્રક અને નાણાકીય વાતાવરણને સારી રીતે સમજવા માટેની પહેલ છે. આ ફોરમ બિઝનેસ સ્ટેકહોલ્ડર્સને વૈશ્વિક લોહાણા બિઝનેસીસ અને ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને મજબૂતાઈને એક સાથે કાર્યરત બનાવવાનું અનોખુ પ્લેટફોર્મ પુરું પાડશે. ફોરમ ડેલિગેટ્સ માટે તેમની કંપનીઓને આફ્રિકન બિઝનેસીસ માટે પ્રમોટ કરવાનો મંચ આપશે.
આ ચાર દિવસનું ઉચ્ચસ્તરીય લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ યુગાન્ડા અને અન્ય આફ્રિકન દેશોના લોહાણા બિઝનેસીસ, પબ્લિક સેક્ટરની એજન્સીઓ, શ્રી લોહાણા મહાપરિષદની સભ્ય સંસ્થાઓ, કોન્સ્યુલેટ્સ, પ્રાઈવેટ સેક્ટરની વેપાર સપોર્ટ સંસ્થાઓ, બિઝનેસ એસોસિયેશનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ મધ્યવર્તી સંસ્થાઓ, ઈન્વેસ્ટર્સ, ડેવલપમેન્ટ પાર્ટનર્સ અને ડોનર એજન્સીઓ, એકેડેમીઆ, સિવિલ સોસાયટીઓને એક સાથે નેટવર્કમાં લાવશે, અનુભવોનો વિનિમય કરાવશે અને બંને પક્ષોને લાભકારી ઈન્વેસ્ટમેન્ટ અને વેપારની તકો શોધવામાં મદદ કરશે.
10 દેશના 500થી વધુ સહભાગીઓ આ ફોરમનો હિસ્સો બનવાની અપેક્ષા છે. 10થી વધુ ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાશે અને 15થી વધુ પેનલ ચર્ચાઓ યોજાશે જેનું ફોકસ એગ્રિકલ્ચર અને એગ્રિ-બિઝનેસ, ઈન્ડસ્ટ્રી અને માર્કેટિંગ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી તથા ICT અને ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝ પર રહેશે. આફ્રિકા અને અન્ય માર્કેટ્સ સાથે કેવી રીતે વેપાર કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા સમર્પિત વર્કશોપ્સ અને સાઈડ ઈવેન્ટ્સ પણ યોજાશે. આફ્રિકન અને અન્ય કંપનીઓ, ઈન્વેસ્ટર્સ અને અન્ય હિસ્સેદારો વચ્ચે આમનેસામને બેઠકોનું આયોજન પણ કરવામાં આવનાર છે.
શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ સતીશ વિઠલાણીએ જણાવ્યા મુજબ, ‘વિશ્વના સૌથી ઝડપે વધતા 20 અર્થતંત્રોમાં 10 આફ્રિકન અર્થતંત્ર છે. સૌથી ઝડપે વધતા અર્થતંત્રોમાં ઈસ્ટ આફ્રિકન દેશો પણ સમાવિષ્ટ છે. કેન્યા 5.5 ટકાના દરે વિકસી રહ્યું છે, યુગાન્ડાએ ભૂતકાળમાં 7 ટકાની વૃદ્ધિ હાંસલ કરેલી છે, ટાન્ઝાનિયા 4.9 ટકાના દરે વિકસ્યું છે, DRCનો વૃદ્ધિદર 6.3 ટકા રહેવાની ધારણા છે અને રવાન્ડાનો વૃદ્ધિદર 7.2 ટકા નોંધાયો છે. વિશ્વની વસ્તીમાં આફ્રિકા સૌથી યુવાન વસ્તી ધરાવે છે. સબ-સહરાન આફ્રિકન દેશોની 70 ટકા વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે. વિશ્વમાં આફ્રિકા પ્રાકૃતિક સંપદાનો સૌથી વિશાળ ભંડાર ધરાવે છે જેમાં કિંમતી ધાતુઓની વિપુલતા તેમજ ઓઈલ અને અન્ય ખનિજોની વધતી શોધ મુખ્ય છે. આ તમામ ગર્ભિત ક્ષમતાઓથી આગળ, આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરાનો અભૂતપૂર્વ ફેલાવો છે જે વિકાસશીલ અને વિકસિત બિઝન્સીસ વચ્ચે જીવંત સેતુ બની શકે છે. આ ફોરમ ગ્લોબલ લોહાણા કોમ્યુનિટી માટે ઉચ્ચસ્તરીય પ્લેટફોર્મની સાથોસાથ પબ્લિક-પ્રાઈવેટ ડાયલોગ્સ અને માળખાકીય નેટવર્કિંગ પુરુ પાડશે.’
વિશ્વના સૌથી મોટા લોહાણા કોર્પોરેટ ઈવેન્ટ વિશે વાત કરતાલોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના કન્વીનર સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે,‘આ ફોરમ આફ્રિકન દેશોમાં પ્રાપ્ત તકોને એક જ છત હેઠળ એકત્ર થયેલા સંભવિત ગ્લોબલ લોહાણા ઈન્વેસ્ટર્સ સમક્ષ રજૂ કરશે. આ ફોરમ આફ્રિકા અને અન્ય દેશોમાંથી આયાત અને નિકાસની ક્ષમતાને ઉત્તેજન આપશે અને ઈન્વેસ્ટર્સને આફ્રિકા અને અન્ય દેશોમાં પ્રવર્તમાન ધંધાકીય વાતાવરણ અને રોકાણ ક્લાઈમેટ, આ વિસ્તારોમાં રોકાણો શક્ય બનાવવામાં સંકળાયેલા કાયદાકીય અને નિયંત્રક, વહીવટી અને સંસ્થાકીય માળખાઓની ઊંડી સમજ પૂરી પાડશે.