લંડનઃ ભારતમાં બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત ચેરિટી યુવા અનસ્ટોપેબલ- Yuva Unstoppableને સારી મદદ કરનારા દાતા-શુભેચ્છકોનો મિલન સમારંભ ગુરુવાર 12 મે,2022ના દિવસે યોજવામાં આવ્યો હતો. આ ચેરિટી સમગ્ર ભારતની શાળાઓમાં શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી તેમજ ડિજિટલ લર્નિંગના વ્યાપક ફલકમાં કામ કરે છે અને આ ક્ષેત્રોને બાળકો માટે આનંદપૂર્ણ અને ખુશહાલ સ્થળોમાં ફેરવી નાખે છે.
યુવા અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહે ચેરિટી દ્વારા પાયાના સ્તરે જે રૂપાંતરકારી પરિવર્તન લાવવામાં આવ્યું તે દર્શાવતા વીડિયોઅને કથાઓ સાથે સમાન વિચારસરણી ધરાવતા લોકોના સમારંભને સંબોધન કર્યું હતું. યુવાએ અત્યાર સુધી 3000 શાળાઓમાં પહોંચી ડિજિટલ લર્નિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાવધારા, સેનિટેશનમાં સુધારા, સ્કોલરશિપ્સ સહિત વિવિધ પ્રોજેક્ટ્સ મારફત સમગ્રતયા 6 મિલિયન લાભાર્થીઓના જીવન પર અસર સર્જી છે.
યેલ યુનિવર્સિટીમાંથી MBA ડીગ્રી મેળવ્યા પછી વોલ સ્ટ્રીટ નોકરીની ઓફર ફગાવી દેનારા અમિતાભ શાહની યાત્રાનો ભારતની શેરીઓમાં વાસ્તવદર્શી કામ કરવા સાથે થયો હતો. લાખો બાળકોના ભવિષ્યને બહેતર બનાવવાના તેમના ઉત્સાહ-જોશ અને પ્રતિબદ્ધતા પ્રશંસાને લાયક અને ચેપ ફેલાવનારા હતા.
યુકેમાં યુવા અનસ્ટોપેબલની ભાગીદારી પાયાના સ્તરે લાંબા ગાળાની કાયમી અસરો સર્જનારી ચેરિટીઝને સપોર્ટ કરતી સંસ્થા વન કાઈન્ડ એક્ટ- One Kind Act સાથે છે. વન કાઈન્ડ એક્ટના ચેરમેન શમિત મલ્હોત્રા અને તેમના પરિવારે નેટવર્કિંગ ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં, યુવાના અનેક શુભેચ્છકો એકત્ર થયા હતા જેઓ 10,000 શાળાઓ સુધી પહોંચવાની અમિતાભ શાહની યાત્રામાં સહભાગી થવાની ઈચ્છા ધરાવે છે. યુકેમાં યુવાના પેટ્રન્સમાં લોર્ડ જેફ્રી આર્ચર, લોર્ડ ઈયાન બોથામ, અનિલ અગ્રવાલ, પ્રદીપ ધામેચા, હિન્દુજા પરિવાર જેવા મહાનુભાવો તેમજ પ્રાઈડ વ્યૂ, બ્રિન્દા જયકાન્ત શાહ ફાઉન્ડેશન, FCI, એક્ઝિઓમ સ્ટોન સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કોવિડ મહામારીના કટોકટીકાળમાં તેમના કાર્યોને બે વખત બિરદાવ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે કહ્યું હતું કે,‘અમિતાભ શાહ અને તેમના પત્ની રશ્મિ શાહ ભારતના અમૂલ્ય રત્નો છે. તેમણે પોતાના જીવન ભારતના દરેક બાળકના શિક્ષણ અને આરોગ્યને સુધારવા માટે સમર્પિત કરી દીધાં છે.’
અમિતાભ શાહે જણાવ્યું હતું કે,‘ યુકેમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અને વન કાઈન્ડ એક્ટ જેવા પાર્ટનર્સ મેળવવા બદલ અમે ભાગ્યશાળી છીએ, જેઓ ભારતમાં જરુરિયાતમંદ શાળાઓ માટે બહેતર શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કોલરશિપ્સ પૂરા પાડવા સ્રોતો ઉભાં કરવા અગ્રેસર રહ્યા છે.
જીવલેણ સ્ટ્રોકમાંથી બહાર આવી ભારતમાં જરુરિયાતમંદોને સપોર્ટ કરવા પોતાનું જીવન સમર્પિત કરી દેનારા વન કાઈન્ડ એક્ટના આલિશા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘એક નાની સરખી ચેષ્ટા પણ મોટી અસર જન્માવી શકે છે. અમિતાભ શાહ આમ કરવા આપણા માટે એક પ્લેટફોર્મ ઉભું કરી રહ્યા છે. આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.’
અમિતાભ શાહનો સંપર્ક[email protected] પર કરી શકાય છે. વધુ માહિતી મેળવવા માટે
www.yuvaunstoppable.org અથવા તેમના યુકે પાર્ટનરનો સંપર્કhttps://www.onekindact.org/events/alisha-malhotra-s-bright-start-scholarship-programme પર કરી શકાશે.