નવી દિલ્હીઃ કાશ્મીરના યુવા લશ્કરી અધિકારી ઉમર ફૈયાઝની ક્રૂર હત્યામાં પાકિસ્તાનનાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની સંડોવણી બહાર આવી છે. આર્મી અધિકારીઓની તપાસનીશ ટીમે તેની હત્યા કરનાર છ આતંકવાદીને ઓળખી કાઢ્યાં છે અને તેમને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ આતંકવાદીઓએ પિતરાઇ બહેનના લગ્નપ્રસંગે હાજરી આપવા ગયેલા ૨૩ વર્ષના લેફ્ટનન્ટ ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરી હતી. ફૈયાઝનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ શોપિયાંમાંથી મળી આવ્યો હતો.
પોલીસને ફૈયાઝની હત્યાના સ્થળેથી ઇન્સાસ રાઇફલમાં વપરાતા ખાલી કારતૂસો મળી આવ્યા છે. એક અધિકારીએ કહ્યું હતું કે ‘તાજેતરમાં દક્ષિણ કાશ્મીરમાં શસ્ત્ર લૂંટની બે ઘટના બની છે. અમને એવી બાતમી મળી છે કે લશ્કરના આતંકીઓએ કુલગામની ઘટનાને અંજામ આપ્યો હશે જ્યારે હિઝબુલના આતંકીઓ શોપિયાં કોર્ટ કોમ્પલેક્સની ઘટનામાં સામેલ હશે. આમ આ શસ્ત્રોનો ઉપયોગ તેમાં થયો હોય શકે.’ ઉલ્લેખનીય છે કે ફૈયાઝ બતાપુરા ખાતે તેના મામાની દીકરીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. આતંકીઓ ત્યાંથી તેમને ઉઠાવી ગયા હતા અને ગોળી મારી દીધી હતી.
પ્રતિભાશાળી લશ્કરી અધિકારી
૨૩ વર્ષના લેફ્ટનન્ટ ઉમર ફૈયાઝ કુલગામ જિલ્લાના હાર્મેન ગામના વતની હતા અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આર્મીમાં જોડાયા હતા. તેઓ આર્મીની પૂણે ખાતેની નેશનલ ડિફેન્સ એકેડેમીની ૧૨૯મી બેચના કેડેટ હતા. આર્મી ડોક્ટર તરીકે તેમને સેકન્ડ રાજપૂતાના રાઈફલ્સમાં પોસ્ટીંગ મળ્યું હતું. મામાની દીકરીનાં લગ્નમાં હાજરી આપવા માટે પહેલી જ વખત જ રજા લઈને તેઓ વતનમાં આવ્યા હતા. જ્યાં નવમી મેની રાત્રે આઠ વાગ્યે બે બુરખાધારી આંતકીઓ તેમનાં ઘરેથી જ લઇ ગયા હતા. થોડે દૂર લઈ ગયા બાદ ક્રૂરતાપૂર્વક ગોળીઓ ચલાવી તેમના દેહને ચાળણીની જેમ વીંધી નાખ્યો હતો.
એક અહેવાલ પ્રમાણે ગામમાંથી જ કોઇ લોકોએ જ ફૈયાઝ રજા લઈને લગ્નપ્રસંગમાં આવ્યા છે તેની જાણ આંતકીઓને કરી હતી. ગામનાં લોકોની હાજરીમાં જ પહેલાં માર મારવામાં આવ્યો હતો અને પછી ગોળીઓ મારીને તેમનો દેહ વીંધી નાખવામાં આવ્યો હતો.
લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો
શહીદ ફૈયાઝના જનાજામાં દફનવિધિ માટે હજારોની ભીડ ઊમટી હતી. તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતા. આર્મી ઓફિસરની પહેલી રજા તેની છેલ્લી રજા અને અંતિમ સફર બની રહી હતી. આર્મી ઓફિસરની હત્યાને પગલે લગ્નો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
ઓફિસર કાશ્મીર માટે રોલ મોડેલ
સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ આર્મી ઓફિસરને કાશ્મીર માટે રોલ મોડેલ ગણાવ્યા હતા. નિઃશસ્ત્ર આર્મી ઓફિસર પર આતંકીઓએ કાયરતાભર્યું નૃશંસ કૃત્ય કર્યું હતું. ઓફિસની ક્રૂર હત્યાને આર્મીએ આંખો ઉઘાડનારી અને હિંસાના નવા વળાંક સમાન ગણાવી હતી.
પોલીસમાં ભરતી માટે યુવાનો ઉમટ્યા
કાશ્મીરમાં યુવા પેઢી દ્વારા સુરક્ષા દળો પર સતત પથ્થરબાજી થઇ રહી તે વચ્ચે રાજ્ય પોલીસે ભરતી મેળો યોજ્યો હતો, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ૩૦૦૦ જેટલા યુવાનો અને મહિલાઓએ આ ભરતીમેળામાં ભાગ લીધો હતો અને પોલીસ તરીકે આતંકવાદીઓ સામે ફરજ બજાવવાની તૈયારી દાખવી હતી. અનંતનાગમાં પ્રથમ દિવસે ૧૬૭૪ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જ્યારે બાંદિપોરામાં ૧૨૯૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ એક દિવસ પહેલાં જ સેનાના યુવાન અધિકારીની હત્યા કરી નાખ્યાના બીજા જ આ ભરતીમેળો યોજાયો હતો જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે તે ખૂબ જ મહત્ત્વની ઘટના છે.