રાંચી, નવી દિલ્હીઃ યોગ એક શિસ્ત અને પ્રતિબદ્ધતા છે. તેને આજીવન અનુસરવું જોઈએ. યોગ કોઈ પણ પ્રકારના ઉંમર, રંગ, જાતિ, વંશ, સંપ્રદાય, અમીર-ગરીબ, પ્રદેશ, સરહદથી પર છે. યોગ દરેક માટે છે અને દરેક યોગને માટે છે. દરેક વ્યક્તિએ આજીવન યોગ કરતાં રહેવું જોઈએ. પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાંચીમાં યોજાયેલા સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા.
યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, યોગ સાથે શાંતિ અને ભાઈચારો સંકળાયેલાં છે. સમગ્ર વિશ્વના લોકોએ યોગ કરવા જોઈએ. આપણે યોગના મહત્ત્વને સારી રીતે જાણીએ છીએ. તે આપણી સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ હવે આપણે યોગને વધુ નવી ઊંચાઈ પર લઈ જવાના છે. યુવા પેઢીમાં હૃદયરોગની વધી રહેલી બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, યોગ દ્વારા હૃદયરોગની સમસ્યાને નિવારી શકાય છે. હૃદયરોગને દૂર રાખવામાં યોગ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુદ્રાલેખ હૃદય માટે યોગ રાખવામાં આવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાયેલા સમારોહમાં ૪૦ હજારથી વધુ લોકોએ ઉપસ્થિત રહીને યોગાસન કર્યા હતા.
સમાજના તમામ વર્ગો સુધી યોનેગ લઈ જવાની લોકોને અપીલ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણે યોગને શહેરોમાંથી ગામો અને આદિવાસી વિસ્તારો સુધી લઈ જવાના પ્રયાસ કરવા જોઇએ. હું યોગને ગરીબ અને આદિવાસીઓના જીવનનો હિસ્સો બનાવવા માગું છું કારણ કે બીમારીના કારણે ગરીબ જ સૌથી વધુ પીડા ભોગવે છે.
સમુદ્રથી માંડીને બરફીલા પર્વત પર
યોગ દિવસે માઇનસ ૨૦ ડિગ્રીમાં ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ લદ્દાખમાં આઇટીબીપીના જવાનોએ યોગસાધના કરી હતી. તેમની સાથે આર્મી ડોગ યુનિટના શ્વાન પણ જોડાયાં હતાં. મહાસાગરમાં આઇએનએસ સુમેધા અને સબમરીન આઇએનએસ સિંધુધ્વજ પર યોગાસનો કરાયાં હતાં. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કોંડાગાંવમાં લશ્કરના જવાનોએ યોગ કર્યા હતા. રોહતાંગ પાસ ખાતે ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર માઇનસ ૧૦ ડિગ્રી તાપમાન વચ્ચે જવાનો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. તો ઉત્તરાખંડના વસુંધરા ગ્લેશિયર નજીક ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ સૂર્યનમસ્કાર કરાયા હતા. હરિયાણાના પંચકુલામાં ભાનુ સ્થિત બેઝિક ટ્રેનિંગ સેન્ટર ખાતે આઇટીબીપીના જવાનોએ હોર્સ સ્ક્વોડ સાથે યોગ કર્યા હતા. અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં દિગારુ નદીની વચ્ચે ઊભા રહીને પોલીસ જવાનો યોગમાં જોડાયા હતા.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકોએ એકઠાં મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર દેશમાં કેન્દ્રીય પ્રધાનો, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓના નેતૃત્વમાં યોગ દિવસ ઉજવાયો હતો. ગૃહ પ્રધાન અમિત શાહ હરિયાણાના રોહતક અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દિલ્હીમાં રાજપથ ખાતેના કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતાં. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ અન્ય સાંસદો અને સંસદના સ્ટાફ સાથે સંસદ ભવનના પ્રાંગણમાં યોગાસન કર્યાં હતાં. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની આગેવાનીમાં ભાજપના વડા મથકે મોટી સંખ્યામાં કાર્યકરો યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં હતાં.
૧૯૦ દેશ, ૩૦ હજારથી વધુ સ્થળ
યોગ દિવસ પ્રસંગે દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા હતા. ભારત સરકારે આ વખતે યોગ દિવસની થીમ ‘દિલ માટે યોગ’ રાખી હતી તો યુનાઇટેડ નેશન્સ (યુએન)ની થીમ ‘જળવાયુ પરિવર્તન માટે યોગ’ હતી. લગભગ ૩૦ કરોડ લોકો યોગ કર્યા હોવાનો અંદાજ છે, જેમાંથી ૫૦ ટકા ભારતીયો હતા. ભારત પછી સૌથી વધુ લગભગ ૩ કરોડ લોકોએ અમેરિકામાં યોગ કર્યા હતા. આ ઉપરાંત દુનિયાના ૪૭ મુસ્લિમ દેશોએ પણ યોગને માન્યતા આપી છે. આયુષ મંત્રાલય અનુસાર દિલ્હીમાં લગભગ ૩૦૦ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૧૦ લાખ લોકો જોડાયા હોવાના અહેવાલ છે. આમાંથી ૪૦ સ્થળોએ સાંસદ અને પ્રધાનોએ હાજરી આપી હતી.
યોગ ઉદ્યોગ
એક અહેવાલ મુજબ અમેરિકામાં યોગ વેલનેસ ઇન્ડસ્ટ્રી લગભગ ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની છે. ૨૦૧૮ના અંત સુધી અમેરિકામાં ૩.૭ કરોડ લોકો યોગ કરતા હતા. ૨૦૨૦ સુધી તેમની સંખ્યા વધીને ૫.૫ કરોડ થવાનો અંદાજ છે. જ્યારે ભારતમાં યોગનો બિઝનેસ ૫૦ હજાર કરોડ રૂપિયાનો છે. યોગ એલાયન્સે ૧૩૦ દેશોના ૭૦,૦૦૦ લોકોને યોગ શિક્ષક રજિસ્ટર્ડ કર્યા છે. ૨ વર્ષમાં ૧૪,૦૦૦ શિક્ષક જોડાયા છે. એસોચેમ અનુસાર દુનિયામાં યોગ ટ્રેનર્સની માગ વાર્ષિક ૩૫ ટકાના દરે વધી રહી છે. દેશમાં આ ઇન્ડસ્ટ્રી ૨.૮ હજાર કરોડ રૂપિયાની છે. દેશોમાં યોગની માંગ ૪૦ ટકાના દરે વધી રહી છે.