કોલકતાઃ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ શમ્યો નથી ત્યાં આઇપીએલ સિઝન-આઠનો દબદબાભેર પ્રારંભ થયો છે. ૪૭ દિવસ સુધી ચાલનારા ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં ક્રિકેટકુંભના આરંભે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઝાકઝમાળભર્યો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં અનુષ્કા શર્મા, હૃતિક રોશન, શાહિદ કપૂર સહિતના બોલિવૂડ કલાકારોએ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.
લેસર શો અને આતશબાજીમાંથી ઉડતાં પ્રકાશના રંગબેરંગી ફુવારા વચ્ચે મંગળવારે આઇપીએલ ટૂર્નામેન્ટ ખુલ્લી મૂકાઇ હતી. આ પ્રસંગે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી આઠેય ટીમ - ચેન્નઈ સુપરકિંગ્સ, મુંબઇ ઇંડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન હાજર રહ્યા હતા.
બે કલાકથી વધુ ચાલેલા ઉદ્ઘાટન સમારંભનું સંચાલન સૈફ અલી ખાને કર્યું હતું. જ્યારે સંગીત પ્રિતમે આપ્યું હતું. તેણે રવિન્દ્ર સંગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો તે સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત ક્રિકેટચાહકો ઝૂમી ઉઠ્યા હતા. આ સમારંભ માટે હૃતિક, શાહિદ અને અનુષ્કાની કોરિયોગ્રાફી રેમો ડી’સોઝા અને સંતોષ શેટ્ટી દ્વારા કરાઇ હતી. આ ત્રણેય સુપરસ્ટારના ૧૦ મિનિટના પર્ફોમન્સમાં ૪૦૦ જેટલા જુનિયર ડાન્સર્સ પણ જોડાયા હતા. હૃતિક રોશને ‘ધૂમ મચા દે...’ અને ‘બેંગ..બેંગ...’ ગીત પર પરફોર્મ કર્યું હતું. તો શાહિદ કપૂરે ‘આર. રાજકુમાર’, ‘કમિને’ ફિલ્મના ગીતો અને અનુષ્કા શર્માએ ‘પીકે’, ‘જબ તક હૈ જાન’ના ગીત પર ડાન્સ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા.
જોકે સમારંભમાં સહુની નજર, સ્વાભાવિકપણે જ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માના ડાન્સ પર રહી હતી. આ જોડી તેમના પ્રેમપ્રકરણના કારણે છેલ્લા લાંબા સમયથી સમાચારોમાં છે.
એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે પોતાના બેન્ડ સાથે ગીત રજૂ કર્યું હતું જ્યારે સૈફ અલી ખાને દરેક ટીમ અને તેના કેપ્ટનનો પરિચય પણ આપ્યો હતો. આઠેય ટીમના કેપ્ટન્સે સ્પિરિટ ઓફ ક્રિકેટની પ્રતિજ્ઞા લીધી હતી. આ પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગૌતમ ગંભીરે સ્ટેજ પર ટ્રોફી મૂકી હતી તે સાથે આઇપીએલ-૮નો સત્તાવાર પ્રારંભ થયો હતો.
આમનેસામને નહીં, સાથેસાથે
મહેન્દ્ર સિંહ ધોની - બ્રેન્ડન મેક્કુલમ્, જ્યોર્જ બેઇલી - શિખર ધવન, વિરાટ કોહલી - એબી ડી’ વિલિયર્સ જેવા સ્ટાર ક્રિકેટર્સ હજુ ગયા પખવાડિયે જ પૂરા થયેલાં વન-ડે વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ તરીકે આમનેસામને મેદાનમાં ઉતર્યા હતા. હવે આઇપીએલ સિઝન-૮માં તેઓ કટ્ટર હરીફાઇને ભૂલી એકબીજાની સાથે રમશે. ડેવિડ વોર્નર તથા શિખર ધવન તાજેતરમાં જ રમાયેલા વર્લ્ડ કપ સુધી એકબીજા સામે સ્લેજિંગ કરી રહ્યા હતા પરંતુ હવે તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી એક જ ડ્રેસિંગરૂમમાં સાથે બેસશે.
બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેના મુકાબલા સાથે જ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ૨૪મી મે સુધી યોજાનારી આ ટ્વેન્ટી૨૦ ટૂર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે ૬૦ મુકાબલા ખેલાશે. ઘણા ભારતીય ખેલાડીઓ ટૂર્નામેન્ટ દ્વારા આગામી વર્ષે ભારતમાં રમાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાના દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. અનુભવી ખેલાડી ઝહિર ખાન, યુવરાજ સેહવાગ જેવા અનુભવી ખેલાડી ટીમ ઇંડિયામાં પુનરાગમન કરવા માટેનો દાવો રજૂ કરવા માટે આ અંતિમ તક માનીને રમશે.
આયોજકોની ઉપાધિ
આઇપીએલના આયોજકોને સૌથી મોટી ચિંતા સહુકોઇનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત રહે તે સુનિશ્ચિત કરવાની છે. ટૂર્નામેન્ટની સાતમી સિઝન દરમિયાન કોઇ પણ પ્રકારના વાદવિવાદ થયા નહોતા. આયોજકો આઠમી સિઝન પણ સાફસુથરી રહે તેવી આશા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગના કારણે વિવાદ થતાં ક્રિકેટચાહકોએ આઘાત અનુભવ્યો હતો અને તમામ મેચના પરિણામને શંકાની નજરે નિહાળતા થઇ ગયા હતા.
આઇપીએલને મંદી નડી?!
સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ શાકિરા, રિહાના જેવી ખ્યાતનામ પોપસિંગર્સને આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં પર્ફોમ કરવા આમંત્રણ અપાયું હતું, પણ તેમને બોલાવવાથી બજેટ વધી જતું હોવાથી વિચાર માંડી વાળવામાં આવ્યો હતો. આઇપીએલના ઉદ્ઘાટન સમારંભની બિડ મેળવવા વિઝક્રાફ્ટ, શાહરુખ ખાનની રેડ ચિલીઝ, એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ, રોશન અબ્બાસની એનકમ્પાસ જેવી કંપનીઓ મેદાનમાં હતી. આખરે રૂ. આઠ કરોડમાં રોશન અબ્બાસની કંપનીએ આ કાર્યક્રમનું સંચાલન કરવાની બિડ મેળવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલના ઈતિહાસમાં આ સૌથી ઓછી કિંમતનો ઉદ્ઘાટન સમારંભ છે. અગાઉના ઉદ્ઘાટન સમારંભમાં રૂપિયા ૨૨ કરોડ સુધીની રકમ ખર્ચવામાં આવી છે.
પ્રારંભ પૂર્વે જ વિવાદ
આઇપીએલ ટૂર્નામેન્ટને પ્રારંભ થયા પૂર્વે જ વિવાદનું ગ્રહણ નડ્યું હતું. ઉદ્ઘાટન સમારંભ અને મેચ દરમિયાન ઉપયોગમાં લેવાનારા બોલિવૂડના ગીત માટે આયોજકોએ ઇન્ડિયન પર્ફોમિંગ રાઇટ સોસાયટી લિમિટેડ (આઇપીઆરએસ) પાસેથી પરવાનગી નહીં લીધી હોવાનું ખૂલ્યું હતું. આ પછી દ્વારા આઇપીએલના આયોજકોને નોટિસ મોકલાઇ હતી. જેમાં જણાવાયું હતું કે 'નિયમ અનુસાર અમારી પાસે રજીસ્ટર્ડ સંગીતનો ઉપયોગ કરતા અગાઉ પરવાનગી લેવી ફરજિયાત છે. આઇપીએલના આયોજકો પાસે બોલિવૂડના સ્ટારને ચૂકવવા માટે નાણા છે પણ સંગીતના લાયસન્સના ઉપયોગ માટે તેઓ ફદિયું પણ આપવા તૈયાર નથી. અમે આ મામલે નોટિસ મોકલાવી છે.' જોકે બાદમાં વિવાદમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.