નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ ભારત માટે મહત્ત્વનો છે. ચીન તથા પાકિસ્તાન સાથેની સરહદે વધી રહેલા તનાવ વચ્ચે રશિયા સાથેના સંરક્ષણ કરારો ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ૨૦૧૮માં થયેલા કરાર બાદ રશિયાએ ભારતને એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો છે. ૬૦૦ કિલોમીટરની ઓપરેશનલ રેન્જ ધરાવતી આ સિસ્ટમ ભારતના આકાશને અભેદ્ય બનાવવા માટે મદદરૂપ છે. રશિયાએ ભારતને આ મિસાઇલ સિસ્ટમ આપતા પાકિસ્તાન અને ચીન જ નહીં પણ અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બન્ને દેશ વચ્ચે આતંકવાદ મુદ્દે સહકાર વધારવા પણ મહત્ત્વની સમજૂતી થઈ છે.
ભારત સાથે સંરક્ષણ કરાર કરતી વખતે રશિયન સંરક્ષણ પ્રધાન લાવરોવે જણાવ્યું હતું કે, અમેરિકાના અથાગ દબાણ છતાં ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો કરાર કરીને સાબિત કરી દીધું છે કે તે એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને દેશની સુરક્ષાના મુદ્દે તે કોઈની પણ શેહમાં આવે તેમ નથી.
ચાર દ્વિપક્ષીય સમજૂતી કરાર
ભારત અને રશિયાએ સોમવારે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતાં જેમાં ૬,૦૧,૪૨૭ અસોલ્ટ રાઇફલ એકે-૨૦૩ ખરીદવાની સમજૂતી પણ સામેલ છે. દિલ્હીમાં સૈન્ય અને સૈન્ય ટેકનિકલ કોઓપરેશન બેઠકમાં આ કરાર કરાયા હતા. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયના સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઇ શોઇગુ હાજર હતાં.
આ પ્રસંગે રાજનાથ સિંહે રશિયાને ભારતને લાંબા સમયના સ્થાયી, વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચેના સંબધો બહુપક્ષવાદ, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ, પરસ્પરની સમજ અને વિશ્વાસના સમાન હિતો પર આધારિત છે.
દસ વર્ષના સૈન્ય સહકાર અંગે પણ એક કરાર કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય માટે રાઇફલોનું નિર્માણ લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. રશિયા સાથેની આ સમજૂતીઓ ઇન્ડિયા-રશિયા ઇન્ટર ગર્વમેન્ટલ કમિશન ઓન મિલિટરી ટેકનિશિયન કો- ઓપરેશન (આઇઆરઆઇજીસી-એમટીસી)ની ૨૦મી બેઠકમાં કરવામાં આવી હતી.
બંને દેશોના સંરક્ષણ પ્રધાનો દર વર્ષે એકબીજાને મળે છે. આ બેઠક એક વર્ષે ભારતમાં યોજાય છે અને બીજા વર્ષે આ બેઠક રશિયામાં યોજાય છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સૈન્ય સહકારની સમીક્ષા કરાય છે.
૧૦ વર્ષના લશ્કરી સહયોગ માટે સમજૂતી
આ ઉપરાંત બીજી કેટલીક સમજૂતીઓ પર સહીસિક્કા થયા છે. જેમાં રશિયા અને ભારત વચ્ચે ૨૦૨૧થી ૨૦૩૧ સુધી લશ્કરી સહયોગ અંગે પણ ડીલ થઈ છે. રશિયાએ ભારત સાથે થયેલી સમજૂતીમાં લશ્કરી ટેકનોલોજી આપવા અંગે સંમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત પર રશિયા સાથે એસ-૪૦૦ ડીલ ન કરવા દબાણ કરતુ હતું. જોકે ચીનના જોખમને જોતાં ભારત માટે ડીલ જરૂરી હતું.
રશિયાના વિદેશ પ્રધાનના નિશાને અમેરિકા
ભારત અને રશિયાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની બેઠકોના અંતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. રશિયાના વિદેશ પ્રધાને ભારત સાથે એસ-૪૦૦ મિસાઇલ ડીલને લઈને અમેરિકા પર નિશાન સાધ્યું છે. રશિયાના વિદેશ પ્રધાન લાવરોવે જણાવ્યું હતું કે આ ડીલનું પ્રતિકાત્મક મહત્ત્વ નથી. ભારતની સંરક્ષણ વ્યવસ્થા માટે આ ડીલ એક વ્યવહારિક પરિબળ છે.
તેમણે જણાવ્યું હતું કે અમે જોયું કે અમેરિકા તરફથી આ સહયોગને નબળો પાડવા માટે કેવા પ્રયાસ કરવામાં આવ્યા. અમેરિકા તરફથી તે પ્રયત્નો કરવામાં આવ્યા કે ભારત તેની જ વાતોને માને કે આ ક્ષેત્રમાં કઈ રીતે વિકાસ થવો જોઈએ. તેમણે આ ડીલ અંગે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમારા મિત્રએ અમેરિકાને મજબૂતાઈથી જવાબ આપ્યો કે તે સાર્વભૌમ રાષ્ટ્ર છે અને કોઈની શેહમાં આવીને નિર્ણય લેતું નથી.
રશિયાના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે અમારે કોની પાસેથી શસ્ત્રો ખરીદવા, કયા સેક્ટરમાં કે અન્ય મામલામાં કોને ભાગીદાર બનાવવા તેનો નિર્ણય અમે જાતે લઈએ છીએ. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એકે-૨૦૩ રાઇફલોની રૂ. ૫૦૦૦ કરોડથી વધારે રકમની ડીલ થઈ. આ ડીલ હેઠળ અમેઠીમાં પાંચ લાખથી વધારે એકે-૨૦૩ રાઇફલોનું ઉત્પાદન કરવામાં આવનાર છે.
અમેઠીમાં બનશે એકે-૨૦૩ રાઇફલ
ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહિતના ક્ષેત્રે મહત્ત્વના કરાર થયા હતા. આ સમજૂતીઓના પગલે બન્ને દેશના અર્થતંત્રને ૮૦ બિલિયન ડોલરનો વેગ મળશે. સૈન્ય કરારમાં એકે- ૨૦૩ રાઇફલ બનાવવા માટેનો કરાર પણ સામેલ છે. આ માટે અમેઠીમાં રશિયાના સહકારથી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઇ લાવરોવની ઉપસ્થિતિમાં કરાર થયા હતા. રાજનાથે બેઠકમાં ચીન સાથે વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગુજરાતના કલાકારોએ તૈયાર કરેલી કૃતિ ભેટ
ગુજરાતના ખંભાતના કલાકારો દ્વારા સુશોભન માટેની અનેક કલાકૃતિ બનાવવામાં આવે છે. અકીકના પથ્થરમાંથી કંડારાયેલી આદિવાસી જૂથ દ્વારા બનાવાયેલી આ કૃતિ રશિયન પ્રમુખ પુતિનને ભેટ અપાઈ હતી. અકીકના પથ્થર તેની તેજસ્વિતા માટે જાણીતા છે.