પૂર્વીય રશિયાના વિકાસ માટે ભારત ૧ બિલિયન ડોલર આપશે

Friday 06th September 2019 06:28 EDT
 
 

વ્લાદિવોસ્તોકઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના રશિયા પ્રવાસે બન્ને દેશોના દસકાઓ જૂના સંબંધોને વધુ ઉષ્માપૂર્ણ અને મજબૂત બનાવ્યા છે. બન્ને દેશોએ સંરક્ષણ, સ્પેસ મિશન સહિતના વિવિધ ક્ષેત્રે ૫૦થી વધુ સમજૂતી કરારો હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદી અને યજમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રશિયા ભારતની સંરક્ષણ અને અંતરીક્ષ યોજનાઓમાં સહયોગ આપશે તો ભારતે રશિયાના ફાર ઇસ્ટ રિજિયનના વિકાસ માટે એક બિલિયન યુએસ ડોલરની લોન આપવાનું જાહેર કર્યું છે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપવા રશિયા પહોંચેલા વડા પ્રધાન મોદીએ બેઠકની સમાંતરે જાપાનના વડા પ્રધાન શિન્જો આબે, મલેશિયાનાં વડા પ્રધાન મહાતિર મોહમ્મદ વગેરે સાથે બેઠકો યોજી હતી.

પાંચમી સપ્ટેમ્બરે પાંચમી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને રશિયાની મિત્રતા ફક્ત બે રાજધાનીઓમાં સરકારી મંત્રણાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બંને દેશની જનતા અને ગાઢ વ્યાપારિક સંબંધો માટે છે. રશિયન ફાર ઇસ્ટ રિજિયન સાથે ભારતના સંબંધ ઘણા જૂના છે. વ્લાદિવોસ્તોકમાં કોન્સ્યૂલેટ ખોલનારો ભારત પ્રથમ દેશ હતો.
રશિયાના ફાર ઇસ્ટ રિજિયનના વિકાસ માટે એક બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રિડેટ (લોન) આપવાનું જાહેર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, મારી સરકાર એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત સક્રિય રીતે પૂર્વ એશિયા સાથે સંકળાયેલી છે. હું દૃઢપણે માનું છું કે, આ જાહેરાત બંને દેશોની આર્થિક કૂટનીતિમાં નવા પરિમાણ ઉમેરશે. રશિયન રાષ્ટ્રપતિની હાજરીમાં વડા પ્રધાન મોદીએ રશિયન ફાર ઇસ્ટ રિજિયન સાથે ભારતના સંબંધોને વેગ આપવા એક્ટ ફાર ઇસ્ટ નીતિ જાહેર કરી હતી.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, આવો આપણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવીએ. ભારતને ભારતીય મૂળના લોકોએ મેળવેલી સિદ્ધિઓનું ગૌરવ છે. મને વિશ્વાસ છે કે, રશિયન ફાર ઇસ્ટ રિજિયનના વિકાસમાં ભારતીય મૂળના લોકો સક્રિય યોગદાન આપશે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારીનું ભારતને ગૌરવ છે.
ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા અંગે મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં અમે સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર નવા ભારતનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમે ૨૦૨૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરની ઇકોનોમી બનાવવા ઇચ્છીએ છીએ.

બન્ને દેશો વચ્ચે ૫૦થી વધુ સમજૂતી

ભારત અને રશિયાને મહત્ત્વના સાથી દેશ ગણાવતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે ૫૦થી વધુ કરાર કરાયા છે. બંને દેશ પરસ્પર સહકારથી એશિયા-પેસિફિક સેક્ટરમાં વિકાસની નવી ગાથા લખશે. રશિયન રાષ્ટ્રપતિ સાથેની પોતાની કેમેસ્ટ્રીનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, હું અને પુતિન રાતના એક વાગ્યા સુધી વાતો કરતા રહ્યા હતા.
ચોથી સપ્ટેમ્બરે રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં બંને દેશના પ્રતિનિધિ મંડળો વચ્ચે ૨૦મું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે ઓઇલ એન્ડ ગેસ, માઇનિંગ, સંરક્ષણ, એર અને ઓશન કનેક્ટિવિટી, ન્યુક્લિયર એનર્જી, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને મૂડીરોકાણ સંબંધિત ચર્ચા થઈ હતી. બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા સહમત થયાં છે.

ભારત રશિયાનો મહત્ત્વનો સાથી દેશઃ પુતિન

પુતિન સાથે મંત્રણા બાદ સંયુક્ત નિવેદન આપતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને રશિયા કોઈ પણ દેશની આંતરિક બાબતમાં બાહ્ય હસ્તક્ષેપની વિરુદ્ધ છે. અમે બંને કોઈ પણ દેશની આંતરિક બાબતમાં બાહ્ય હસ્તક્ષેપની વિરુદ્ધ છીએ.
મોદીએ જણાવ્યું હતું કે, ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે મેરિટાઇમ રૂટ તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. ભારતમાં રશિયાના સહકારથી પરમાણુ વીજમથકોની સ્થાનિકીકરણ વધી રહ્યું છે. અમે આ ક્ષેત્રમાં સાચી ભાગીદારી વિકસાવી રહ્યાં છીએ. બંને દેશ વચ્ચેની ભાગીદારી ફક્ત બે રાજધાની વચ્ચે નહીં, પરંતુ અમે જનતાને આ ભાગીદારીના કેન્દ્ર સ્થાને રાખી છે. રશિયા ભારતના ગગનયાન પ્રોજેક્ટ માટે ભારતીય અંતરિક્ષયાત્રીઓને તાલીમ આપવામાં પણ મદદ કરશે.
રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે, ભારત રશિયાનો મહત્ત્વનો સાથી દેશ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક અને કુદરતી સંબંધોથી જોડાયેલાં છે. બંને દેશનો સંયુક્ત લક્ષ્યાંક ભારત અને યુરેશિયન ઇકોનોમિક ઝોન વચ્ચે મુક્ત વેપાર સ્થાપિત કરવાનો છે. ભારત અને રશિયા વચ્ચે ટેક્નિકલ અને મિલિટરી ક્ષેત્રમાં સહકાર પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે, અમે આગામી ૧૦ વર્ષ માટે આ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.

સર્વોચ્ચ સન્માન મિત્રતાનું પ્રતીક

આ પ્રસંગે રાષ્ટ્રપતિ પુતિને મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, હું તમારો અને રશિયન જનતાનો આભારી છું. આ બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતીક અને ભારતની ૧૩૦ કરોડની જનતાનું સન્માન છે.

અમેરિકી પ્રતિબંધની કોઈ અસર નહીં

મોદીએ વ્લાદિવોસ્તોકમાં જણાવ્યું હતું કે રશિયા પર અમેરિકાના પ્રતિબંધોથી ભારત - રશિયાના આર્થિક સંબંધોને કોઈ અસર નહીં પહોંચે. ભારતીય કંપનીઓએ રશિયાની ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કર્યું છે તો સામે પક્ષે રશિયન કંપનીઓ પણ ઊર્જા, સંરક્ષણ અને ટેકનોલોજીમાં રોકાણ કરવા ભારત આવી છે. બન્ને દેશો માટે પ્રતિબંધોનું કોઈ મહત્ત્વ નથી. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં અમેરિકી પ્રતિબંધોની ચર્ચા ચાલે છે, પરંતુ તેને કારણે રશિયા અને અમારી વચ્ચેના સંબંધોને કોઈ અસર નહીં પહોંચે.

૨૦૦૧ના પ્રવાસનું સ્મરણ

રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાતની વ્યસ્તતા વચ્ચે વડા પ્રધાન મોદીએ એક ટ્વીટ કરી વીતેલા ૨૧ વર્ષમાં પુતિન સાથે પ્રગાઢ થયેલા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ટ્વીટમાં ૪ તસવીર પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦મા ભારત - રશિયા શિખર સંમેલનમાં ભાગ લેતી વખતે મારા મનમાં નવેમ્બર ૨૦૦૧માં યોજાયેલા શિખર સંમેલનના સ્મરણો તાજાં થઇ ગયાં હતાં. તે સમયે હું ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે આ સંમેલનમાં હાજર રહ્યો હતો. તે સમયથી પુતિન અને મારા વચ્ચે ગાઢ સબંધોનો પ્રારંભ થયો હતો.

સાઇબેરિયન ક્રેઇન્સ ગુજરાતના મહેમાન

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને રશિયાને કુદરતે સાથે જોડી રાખ્યાં છે. ડિસેમ્બરમાં સાઇબેરિયન ક્રેઇન્સ મારા વતનના રાજ્ય ગુજરાતમાં આવે છે. તેમના માટે ગુજરાત પ્રવાસન સ્થળ છે. જેમ તેઓ ગુજરાત આવે છે તેમ ઘણા ભારતીયો રશિયા આવે છે. આ એક કુદરતી જોડાણ છે. રશિયા ખાતેના ભારતીય રાજદૂત ડી. બી. વેંકટેશે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રશિયા વિશેષ ટપાલ ટિકિટ જારી કરશે. ભારતના રાષ્ટ્રપિતાને રશિયા દ્વારા અપાઇ રહેલા સન્માન માટે ભારત ઘણું આભારી છે.

શિપ યાર્ડની મુલાકાત, જહાજનો પ્રવાસ

વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન ઝવેઝદા શિપ બિલ્ડિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. બન્ને નેતાઓ જહાજમાં પ્રવાસ કરીને શિપયાર્ડ પહોંચ્યા હતા. મોદીએ જહાજનિર્માણ અંગે જાણકારી મેળવી હતી. મોદીએ જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ પુતિને મને શિપયાર્ડ ખાતે અત્યાધુનિક ટેક્નોલોજીની માહિતી આપી હતી. મોદીએ શિપયાર્ડના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

દસ્વિદાનિયા... આવજો...

વડા પ્રધાન મોદીએ રશિયન ભાષામાં ‘દસ્વિદાનિયા’ અને ગુજરાતીમાં ‘આવજો’ બોલીને હાજર શ્રોતાઓનાં દિલ જીતી લીધાં હતાં. સંબોધનની સમાપ્તિમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતીમાં બાય નહીં, પરંતુ આવજો કહીએ છીએ તેનો અર્થ થાય છે કે ફરી જલદી મળીશું. આ જ રીતે રશિયામાં બાય નહીં, પરંતુ દસ્વિદાનિયા કહે છે. હું સમિટમાં હાજર તમામ દેશના નેતાઓને ભારત આવવાનું આમંત્રણ આપું છું.

ઝાકીર નાઈકના પ્રત્યાર્પણની માગ

પાંચમી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની સમાંતરે મોદીએ મલેશિયાનાં વડા પ્રધાન મહાતિર મોહમ્મદ સાથે બેઠક યોજી હતી. આ મંત્રણા દરમિયાન તેમણે વિવાદાસ્પદ ભારતીય ઈસ્લામિક પ્રચારક ઝાકીર નાઇકના ભારત પ્રત્યાર્પણની માગ કરી હતી. ઝાકીર નાઈક ભારતમાં આતંકવાદ ભડકાવવાના આરોપસર વોન્ટેડ છે. મહાતિર સાથેની મુલાાતમાં વડા પ્રધાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઊઠાવ્યો હતો. બંને વડા પ્રધાનોએ નિર્ણય લીધો હતો કે, ઝાકીર નાઈકના મામલે બંને દેશના અધિકારી સંપર્કમાં રહેશે. મોદીએ મહાતિરની સાથે જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમ અંગે પણ ચર્ચા કરી હતી. ભારતીય વડા પ્રધાને મહાતિરને જમ્મુ- કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના કારણો આપ્યા હતા.

આબે સાથે બે મહિનામાં ત્રીજી મુલાકાત

વડા પ્રધાન મોદીએ જાપાનનાં વડા પ્રધાન શિન્ઝો આબે સાથે પણ બેઠક યોજી હતી. જેમાં આર્થિક અને સંરક્ષણ સહિતના સંખ્યાબંધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો. વડા પ્રધાન મોદીની શિન્ઝો આબે સાથે છેલ્લા બે મહિનામાં આ ત્રીજી મુલાકાત હતી. અગાઉ જાપાનના ઓસાકા ખાતે આયોજિત જી-૨૦ અને ફ્રાન્સના બિઆરિત્ઝ ખાતે યોજાયેલા જી-૭ શિખર સંમેલનમાં આબે અને મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જાપાન સાથે નક્કર દ્વિપક્ષીય સંબંધો માટે સતત સંપર્કમાં રહું છું.

૧૦ મહત્ત્વના દ્વિપક્ષીય કરાર

• રશિયન મિલિટરી ઇક્વિપમેન્ટ માટે ભારતમાં સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન
• ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક બંદરો વચ્ચે મેરિટાઇમ રૂટ
• કોલ ઇન્ડિયા અને રશિયાની ફાર ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે રશિયામાં કોલ માઇનિંગ પ્રોજેક્ટો માટે સહકાર
• મૂડીરોકાણમાં સહયોગ માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સહકાર
• ભારતના ગગનયાન મિશન માટે રશિયા ભારતીય અંતરિક્ષ યાત્રીઓને તાલીમ આપશે.
• એલએનજી બિઝનેસ અને સપ્લાય માટે પેટ્રોનેટ એલએનજી અને નોવાટેક વચ્ચે સંયુક્ત સાહસ
• નેચરલ ગેસના પરિવહનમાં સહયોગ
• વેપાર અને મૂડીરોકાણની સ્થાપના માટે સંયુક્ત વ્યૂહરચના
• રોડ ટ્રાન્સપોર્ટ અને રોડ ઇન્ડસ્ટ્રી માટે એમઓયુ

• ઓડિયો-વિઝ્યુઅલ કો-પ્રોડક્શનમાં સહકાર

• કસ્ટમ કાયદાનું ઉલ્લંઘન અટકાવવામાં સહકાર
• ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને રશિયાની નવા પ્રોજેક્ટ માટેની સ્વાયત્ત એજન્સી વચ્ચે સહકાર
• શ્રેય ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોસજિયોલોજિયા વચ્ચે સહકાર
• બંને દેશ વચ્ચે વિશ્વાસ અને ભાગીદારી દ્વારા સહકારની નવી ઊંચાઈઓ માટે સંયુક્ત નિવેદન
• ભારતની ચેમ્બર ઓફ કોમર્સ અને રોસકોંગ્રેસ ફાઉન્ડેશન વચ્ચે સહકાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter