દુબઇ - નવી દિલ્હીઃ શત્રુનાં ફાઇટર વિમાન અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલને આકાશમાં જ તોડી પાડવા સક્ષમ એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ રશિયાએ ભારતને સપ્લાય કરવાની શરૂઆત કરી દીધી છે. ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે ત્યારે આધુનિક બ્રહ્માસ્ત્ર કહેવામાં આવતી આ મિસાઇલ સિસ્ટમ ભારતની સૈન્ય ક્ષમતા માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
રશિયાની ફેડરલ સર્વિસ ફોર મિલિટરી- ટે ક્નિકલ કો-ઓપરેશનના ડાયરેક્ટર દિમિત્રિ શુગાએવે દુબઈ એર-શોમાં આ જાહેરાત કરી હતી. શુગાએવે કહ્યું હતું કે ભારતને એસ-૪૦૦ સિસ્ટમનો સપ્લાય શરૂ કરી દીધો છે.
ભારતના સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે હવાઈ તથા સમુદ્રના માર્ગે એર ડિફેન્સ સિસ્ટમના પાર્ટ્સ ભારત પહોંચી રહ્યા છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સૌથી પહેલા પશ્ચિમ સરહદે તહેનાત કરવામાં આવશે. જે વ્યૂહાત્મક સ્થળે આ સિસ્ટમ તહેનાત થશે ત્યાંથી પાકિસ્તાન અને ચીન બન્નેનો સામનો કરવામાં સરળતા રહેશે. ભારત પહેલાં આ ડિફેન્સ સિસ્ટમ તુર્કી અને ચીનના સૈન્યમાં સામેલ થઈ ચૂકી છે. લદાખ સરહદે તણાવને પગલે ચીને તિબેટમાં આ સિસ્ટમ તહેનાત કરી છે. ભારત અને રશિયા વચ્ચે ૩૫ હજાર કરોડ રૂપિયાની કિંમતની એસ-૪૦૦ સિસ્ટમ માટે ઓક્ટોબર ૨૦૧૮માં કરાર થયા હતા. આ કરાર હેઠળ ૪૦૦ કિમી વિસ્તારના આકાશને અભેદ્ય બનાવી શકે એવી કુલ ૫ સ્ક્વોડ્રન સપ્લાય કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં પ્રથમ સ્ક્વોડ્રનનો સપ્લાય પૂરો થઈ જશે.
ચાર પ્રકારની મિસાઇલથી સજ્જ એસ-૪૦૦
આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, જે શત્રુદેશના એરક્રાફ્ટને આકાશમાં જ તોડી પાડવા માટે સક્ષમ છે. એસ-૪૦૦ને રશિયાની સૌથી એડવાન્સ લોન્ગ રેન્જ સર્ફેસ-ટુ-સર્ફેસ મિસાઇલ સિસ્ટમ માનવામાં આવે છે. આ ચાર પ્રકારની મિસાઇલથી સજ્જ છે. જે શત્રુ દેશના એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ, અવાક્સ વિમાનોને ૪૦૦ કિમી, ૨૫૦ કિમી અને મિડિયમ રેન્જ ૧૨૦ કિમી તથા શોર્ટ રેન્જ ૪૦ કિમી સુધીમાં તોડી પાડવા માટે સક્ષમ છે. આ સિસ્ટમ રશિયાની જ એસ-૩૦૦ સિસ્ટમનું અપગ્રેડેડ વર્ઝન છે. આ મિસાઇલ સિસ્ટમને અલ્માઝ આન્તેએ તૈયાર કરી
હતી. આ સિસ્ટમ એક રાઉન્ડમાં ૩૬ ફાયર કરવા માટે સક્ષમ છે.
અમેરિકાના પેટમાં દુખ્યું
અમેરિકા ઈચ્છે છે કે ભારત એસ-૪૦૦ના બદલે તેની એર ડિફેન્સ સિસ્ટમ પેટ્રિયટ ખરીદે, પણ ભારતના નિષ્ણાતોના મતે અમેરિકી સિસ્ટમ એસ-૪૦૦ની તુલનામાં પૂરતી સક્ષમ નથી. ભારત સરકારે તેની લાગણી અને માગણીને ધ્યાને લીધી ન હોવાથી સંભવ છે કે ભારત અમેરિકા પર કેટલાક નિયંત્રણો લાદી શકે છે.
અમેરિકા પ્રતિબંધો મૂકે એવી શક્યતા
રશિયા દ્વારા ભારતને એસ-૪૦૦ સિસ્ટમ સપ્લાય થતા હવે અમેરિકા ભારત પર કાટ્સો પ્રતિબંધ મૂકે એવી આશંકા છે. અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે જો ભારત આ અત્યાધુનિક રશિયન ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી મેળવશે તો તેણે કાટ્સા પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જોકે અમેરિકામાં ભારત પર પ્રતિબંધો નહીં મૂકવાની માગણી તેજ થઈ રહી છે.
અમેરિકી કોંગ્રેસના કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયા દ્વારા નિર્મિત એસ-૪૦૦ સિસ્ટમ ખરીદવાની ભારતની યોજના પર અમેરિકા એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA)ની કલમ ૨૩૧ હેઠળ અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે. આ કાયદા હેઠળ અમેરિકા પોતાના સાથી દેશોને રશિયા પાસેથી કોઈ પણ પ્રકારની સૈન્ય સંબંધિત લેણદેણ નહીં કરવાનો આગ્રહ કરે છે.