રાજકીય નેતાઓ સાથે ચૂંટણીપૂર્વે ચર્ચામાં એશિયન કોમ્યુનિટીની ચિંતા ઉજાગર

સિટી શીખ્સ અને સિટી હિન્દુ નેટવર્કની ભાગીદારીમાં એશિયન વોઈસ- ગુજરાત સમાચારનું આયોજન

અનુષા સિંહ Tuesday 02nd July 2024 05:24 EDT
 
 

એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા સિટી શીખ્સ અને સિટી હિન્દુ નેટવર્કની ભાગીદારીમાં રાજકીય નેતાઓ સાથે એશિયન કોમ્યુનિટી માટે સૌપ્રથમ રાષ્ટ્રીય પોલિટિકલ હસ્ટિંગ્ઝ- ચૂંટણીપૂર્વે રાજકીય ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈલેક્શનમાં ભાગ લઈ રહેલા મુખ્ય ચાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ હેલ્થકેર, એજ્યુકેશન તેમજ ડાયસ્પોરાને સંબંધિત ખાસ મુદ્દાઓ વિશે પ્રશ્નોનો સામનો કર્યો હતો.

ચૂંટણીપૂર્વે રાજકીય ચર્ચાનો આરંભ કરાયો ત્યારે એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાએ હસ્ટિંગ્ઝનું આયોજન શા માટે કરાયું તેની સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા આગામી ચૂંટણીઓના સંદર્ભે કરેલા રિપોર્ટિંગમાં આ વખતે બ્રિટિશ એશિયનો કેવી રીતે મતદાન કરશે તેની નિષ્ણાતો અને થિન્ક ટેન્ક્સ દ્વારા રજૂ કરાયેલી અનિશ્ચિતતા બહાર આવી હતી.

રુપાંજનાએ જણાવ્યું હતું કે,‘ કોવિડ-19 પછીની સામાન્ય ઉદાસીનતા, અવિશ્વાસ, ‘મતદાનનો ખચકાટ’ તેમજ પેલેસ્ટાઈન જેવા મુદ્દાઓ અને જીવનનિર્વાહ કટોકટી સહિતના અન્ય પરિબળોએ મતદારોને તેમની હંમેશાંની પાર્ટીઓ વિશે પુનઃવિચાર કરવા પ્રેર્યા છે. આથી, કોઈ પાર્ટી અમને આ તો આપણા જ છે તેમ માની લે નહિ.’ તેમણે આ ઈવેન્ટના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે્,‘ આ અમારા માટે પ્રશ્નો પૂછવા, અમારી ચિંતાઓ સ્પષ્ટ કરવા અને અમારો અવાજ બરાબર સંભળાય તે માટેની તક છે.’

આ પછી, રુપાંજના દત્તાએ પેનલિસ્ટ્સનો પરિચય કરાવ્યો હતો જેમાં,

• ફેલિસિટી બુચાન, કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિનિધિ, લેવલિંગ અપ, હાઉસિંગ એન્ડ કોમ્યુનિટીઝ ડિપાર્ટમેન્ટમાં મિનિસ્ટર

• એનેલિઝ ડોડ્સ, લેબર પાર્ટીના પ્રતિનિધિ, શેડો સેક્રેટરી ફોર વિમેન એન્ડ ઈક્વાલિટીઝ, લેબર પાર્ટીના ચેર

• લોર્ડ ક્રિસ્ટોફર ફોક્સ, લિબરલ ડેમોક્રેટ્સના ચીફ એક્ઝિક્યુટિવ, તથા

• પલ્લવી દેવુલાપલ્લી, ગ્રીન પાર્ટીના પ્રતિનિધિ, હેલ્થ, સોશિયલ કેર એન્ડ પબ્લિક હેલ્થના પ્રવક્તા અને SW નોર્ફોકના સંસદીય ઉમેદવારનો સમાવેશ થયો હતો.

આ પેનલનું સંચાલન સિટી શીખ્સના સહ-અધ્યક્ષ અને સાઉથ એશિયન હેરિટેજ મન્થના સહસ્થાપક જસવીર સિંહ CBE તેમજ બ્રિટિશ હિન્દુઝના અધ્યક્ષ અને ઈન્ડિયા લીગના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલ OBE હસ્તક રહ્યું હતું.

આ ઈવેન્ટમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્નોમાં એક લેબર પાર્ટીના કથિત ભારતવિરોધી વલણથી વિમુખ થયેલા મતદારોનો વિશ્વાસ પુનઃસંપાદન કરવા વિશે હતો. આ બાબતે એનેલિઝ ડોડ્સે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે,‘ અમે ચોક્કસપણે મતદારોના કોઈ પણ જૂથને, તેઓ ક્યાંથી આવે છે તેને ધ્યાનમાં રાખ્યા સિવાય નિશ્ચિત માની લઈશું નહિ. કોઈ ચોક્કસ જૂથનો વિશ્વાસ પુનઃ હાંસલ કરાયો છે કે નથી કરાયો તેવો દાવો હું કદી કરીશ નહિ કારણકે આ તો ગુપ્ત મતદાન છે. અમે દરેકના મત મેળવવા સખત મહેનત કરી રહ્યા છીએ.’

તેમણે જણાવ્યું હતું કે, ‘અમે માનીએ છીએ કે અમે જેના માટે ગૌરવ ધરાવીએ છીએ તે ડાયસ્પોરાનું યુકેમાં નોંધપાત્ર પ્રમાણ છે ત્યારે યુકે અને ભારત વચ્ચે મજબૂત સંપર્ક જાળવવાનું મહત્ત્વપૂર્ણ છે. હૂંફાળા શબ્દોથી આગળ વધીને અમે વ્યવહારુ, મજબૂત સંબંધો બાંધવા માટે પ્રતિબદ્ધ છીએ. લેબર પાર્ટીએ ભારત સાથે વેપાર સહિત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના મહત્ત્વ પર ભાર મૂકેલો છે. અમે ભવિષ્યમાં આ વેપાર ભાગીદારી સ્થાપીશું અને તેને વાસ્તવિકતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત હોવાની ખાતરી આપવા ઈચ્છીએ છીએ. જોકે, અમે નવી ટેકનોલોજીઓ, પર્યાવરણ અને સલામતી સહિત અન્ય ક્ષેત્રોમાં પણ સહકાર સાધવા માગીએ છીએ.’

લેબર પાર્ટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓમાં ભારતવિરોધી લાગણીઓ છે તેવો પ્રશ્ન પૂછાતા તેમણે દાવો કર્યો હતો કે, કેર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની પાર્ટી આવા કટ્ટરવાદી મત ધરાવતા કોઈ પણ સભ્યની સાફસૂફી કરી દેવાયા વિશે વિશ્વાસ ધરાવે છે. તેમણે એવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી કે લેબર પાર્ટી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વહીવટીતંત્ર સાથે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવા તરફ કામ કરશે.

આ સમયે મોડરેટરે તત્કાળ હસ્તક્ષેપ કરી તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે જાહેર અભિપ્રાય તદ્દન અલગ હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે,‘ કોમ્યુનિટી અને આ અખબાર આ રૂમમાં હાજર પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ તેમની ચિંતાઓની ચર્ચા કરવા તમારી સાથે બેઠક યોજવા તૈયાર છે. જો તમે સરકારમાં આવશો કે નહિ આવો તો પણ એ બાબત સ્પષ્ટ છે કે આ મહત્ત્વની કોમ્યુનિટી છે જે અનાદર થયાની અને નજરઅંદાજ કરાયાની લાગણી ધરાવે છે.’

અન્ય મહત્ત્વની ચર્ચા હેટ ક્રાઈમ્સ અને ખાસ કરીને શીખ કોમ્યુનિટીની વિરુદ્ધ નફરતના અપરાધોમાંથી ઉદ્ભવી હતી. શીખ કોમ્યુનિટીને હેટ ક્રાઈમ્સથી ગણનાપાત્ર અસર થઈ છે અને ઈસ્લામોફોબિયાનો કેટલોક સ્વીકાર કરાયો હોવાં છતાં, જાહેર નીતિમાં શીખવિરોધી હેટ ક્રાઈમ્સ બાબતે ચોક્કસ એક્શનનો દેખીતો અભાવ હોવાનું સ્પષ્ટ છે. પેરન્ટ્સ શીખ ઓળખને દર્શાવવામાં તેમના બાળકોની સલામતી વિશે ભય અનુભવે છે.

આ મહત્ત્વના મુદ્દે ચર્ચા કરતાં અને ચિંતાનું નિવારણની યોજના અંગે કન્ઝર્વેટિવ પ્રતિનિધિ ફેલિસિટીએ શીખ પરિવારો દ્વારા અનુભવાતી અવઢવ બાબતે ખેદ વ્યક્ત કરી શીખવિરોધી હેટ ક્રાઈમ્સ સહિત કોઈ પણ પ્રકારના ધાર્મિક હેટ ક્રાઈમ્સ અસ્વીકાર્ય હોવાં પર ભાર મૂક્યો હતો. તેમણે ગુરુદ્વારાઓ, મસ્જિદો અને સિનેગોગ્સ જેવી ધાર્મિક સંસ્થાઓની સુરક્ષા માટે સરકારના નાણાકીય સપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો અને મેટ્રોપોલીટન પોલીસ દ્વારા કટ્ટરવાદની વિરુદ્ધ અસરકારક કાર્યવાહીના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. ફેલિસિટીએ ધાર્મિક નફરત સામે લડવા અને તેમની સુરક્ષાની ચોકસાઈ બાબતે કન્ઝર્વેટિવ પાર્ટીની કટિબદ્ધતાની કોમ્યુનિટીને ખાતરી આપી હતી.

ઈસ્લામોફોબિયા વિરુદ્ધ જે પ્રકારે પગલાં લેવાયા ત્યારે શીખોની સ્પષ્ટ વિઝિબિલિટી હોવાં છતાં, શીખવિરોધી હેટ ક્રાઈમ્સ વિરુદ્ધ વધુ સક્રિય કાર્યવાહી શા માટે જોવાં મળતી નથી તેવા પ્રશ્ન સંદર્ભે ફેલિસિટીએ પુનરુચ્ચાર કર્યો હતો કે સરકાર તમામ પ્રકારની ધર્મવિરોધી નફરતને વખોડી કાઢે છે અને તમામ ધર્મોના રક્ષણ બાબતે વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કરે છે.

દરમિયાન, લોર્ડ ફોક્સે સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી વિભાજનકારી ભાષાની ટીકા કરી હતી. આના કારણે, ખરાબ વર્તનને ઉશ્કેરણી મળે છે અને સામાજિક સમસ્યાઓમાં વધારો થાય છે તેવી પોતાની માન્યતા દર્શાવી હતી. તેમણે વધુ સમાવેશી અને ઓછાં વિભાજનકારી અભિગમની હિમાયત કરી સારી સમજ વિકસાવવા અને આદર ઉભો કરવા શાળાઓમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વિશે શિક્ષણ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બીજી તરફ, એનેલિઝ ડોડ્સે માન્યતા દર્શાવી હતી કે શીખ બાળકને શાળામાં સલામતીની લાગણી થવી જોઈએ. તેમણે આધુનિક કટ્ટરવાદવિરોધી સ્ટ્રેટેજી અને સુગઠિત હેટ ક્રાઈમ એક્શન પ્લાન સહિત હેટ ક્રાઈમ્સ વિરુદ્ધ વધુ કાર્યવાહી આવશ્યક હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે ચોક્કસ કોમ્યુનિટીની ચિંતાઓના અસરકારક નિવારણ માટે ધાર્મિક ઓળખ સંબંધિત બહેતર ડેટા કલેક્શનની હિમાયત કરી હતી તેમજ પબ્લિક સર્વિસિસ સમાવેશી રહે અને સારો પ્રતિસાદ આપે તેની ચોકસાઈ સાથે ડેટા કલેક્શનને સુધારવા અને સમુદાયલક્ષી ચિંતાનું નિવારણ કરવા સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે તેની ચર્ચાના મહત્ત્વ પર ભાર રાખ્યો હતો.

પલ્લવીએ બાળપણથી જ આ શિક્ષણ શરૂ કરવાની તેમજ વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોને શીખવવામાં શાળાઓનો સાંકળવાની હિમાયત કરી હતી. તેમણે શિક્ષાત્મક પગલાંનો વિરોધ કર્યો હતો તેમજ તમામ કોમ્યુનિટીઓ પ્રત્યે આદર વિકસાવવા અને પૂર્વગ્રહો દૂર કરવા આદાનપ્રદાન-સંપર્ક અને શિક્ષણને આગળ વધારવા વિશે જણાવ્યું હતું.

આ ઈવેન્ટમાં ઓડિયન્સે પેનલિસ્ટ્સ સમક્ષ નિવારણ અર્થે નીતિઓ સંબંધિત વિવિધ પ્રશ્નો ઉભા કર્યા હતા. આ હસ્ટિંગ્ઝ બ્રિટિશ એશિયન કોમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ તક હતી જે રાજકીય સહભાગિતા અને ઉત્તરદાયિત્વ માટે પાયારૂપ ક્ષણ સમાન રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter