અમદાવાદઃ રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જે ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં ઓછું હોવાથી કોણ લાભમાં રહેશે અને કોણ ખોટમાં રહેશે તે પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકીય પક્ષોના રણનીતિકારો પણ ઓછા મતદાનને કારણે ચિંતામાં છે. જાહેરમાં તો ભાજપ-કોંગ્રેસના નેતા મતદારોનો આભાર માની રહ્યાં છે પણ બેઠકોના નુકસાનને સરભર કરવા હવે, ૧૪મીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે થનારા મતદાન ઉપર મુખ્ય મદાર રાખવો પડે તેવી સંભાવના છે.
૨૦૧૨માં આ જિલ્લાઓના પરિણામો મુજબ ૮૯ બેઠકોમાંથી ભાજપે ૬૩ અને કોંગ્રેસે ૨૨ બેઠકો ઉપરાંત એનસીપીએ ૨, જીપીપી અને જેડીયુએ એક-એક બેઠક જીતી હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે પ્રથમ પડકાર તો તેની ગત વખતની જેટલી એટલે કે ૬૩ બેઠકો જાળવવાનો છે. જ્યારે કોંગ્રેસને તેની સ્થિતિ સુધારવા માટે ગત વખતે તેણે મેળવેલી ૨૨ બેઠકોમાં મોટો વધારવો કરવો પડે તેમ છે.
હવે મુદ્દાની દષ્ટિએ જોઈએ તો આ વખતે કોઈ પક્ષનો વેવ ન હતો. જોકે હાર્દિકના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલનની અસર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના પાટીદાર બાહુલ્યવાળા વિસ્તારોમાં વર્તાશે એવી દહેશત હતી. આ માહોલ વચ્ચે મતદાન ઓછું થતાં શાસક પક્ષ માટે ચિંતાનું કારણ ઊભું થયું છે.
આદિવાસી પટ્ટામાં ક્યા પક્ષનું જોર?
વોટિંગની ટકાવારી જોઈએ તો, સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાઓમાંથી મોરબી, રાજકોટ અને ગીર-સોમનાથ જિલ્લો બાદ કરતાં બાકીના ૮ જિલ્લાઓમાં ૭૦ ટકાથી ઓછું મતદાન થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે. આમ છતાં તે મતદાન ગત ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં તો ઘણું ઓછું મતદાન થયું છે. આ વખતે સૌથી વધુ ૭૫ ટકા મતદાન નવસારી જિલ્લામાં થયું છે પરંતુ ગત ૨૦૧૨ની ચૂંટણીમાં આ નવસારી જિલ્લામાં ૭૬.૫૪ ટકા મતદાન થયું હતું. બીજો મુદ્દો એ છે કે, દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લામાં મોટાભાગે આદિવાસી જિલ્લા છે. આ જિલ્લાઓમાં ભાજપની સરખામણીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ છે. આ જિલ્લાઓમાં વધારે મતદાન થવાનો સંકેત એ છે કે, કોંગ્રેસને લાભની શક્યતા વધુ છે. કેટલાક વર્ષોમાં ભાજપે આદિવાસી પટ્ટામાં સારું કામ કર્યા હોવાના દાવો થાય છે. જો તે સાચું હોય તો આદિવાસી પટ્ટામાં વોટિંગની ટકાવારી વધવી જોઈએ, જે વધી નથી.
એક નહીં, અનેક મુદ્દાઓની ભરમાર
આ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, ફિક્સ પગારદાર આંદોલન, જીએસટી અને નોટબંધીના અમલ જેવા મુદ્દા વિરોધ પક્ષ કોંગ્રેસ અને તેમના નેતાઓ દ્વારા ભરપેટ ઉછાળાયા જરૂર છે. જોકે, તેની સામે ભાજપ તરફથી વડા પ્રધાન મોદીએ પ્રચારની મુખ્ય બાગડોર પોતાના હાથમાં લઈ લીધી હતી. આ સંજોગોમાં ભાજપના સંભવિત નુકસાનને સરભર કરી શકાશે કે ગત ચૂંટણી કરતાં પણ સારો દેખાવ કરી શકાશે એવો આશાવાદ ભાજપમાં છે.
એન્ટીઇન્કમબન્સીની અસર દેખાતી નથી
અહીં ઉડીને આંખે વળગે તેવી એક બાબત એ પણ છે કે, ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપનું શાસન છે. આમ છતાં એન્ટીઇન્કમબન્સીની કોઈ ખાસ અસર વર્તાઈ નથી. જો તેમ હોત તો સરકારની વિરુદ્ધમાં લોકો જુસ્સાભેર મોટા પ્રમાણમાં વોટિંગ માટે બહાર આવ્યા હોત અને મતદાનની ટકાવારી ગત વખત કરતાં ઘણી ઊંચી ગઈ હોત પણ એવું કાંઈ થયું નથી. બલકે મતદાનની ટકાવારી ઘટી છે. જે એવો સંકેત આપે છે કે, મતદારોને ભાજપ તરફી નારાજગી જરૂર છે પણ તેઓ સામે પક્ષે કોંગ્રેસ તરફી વરસી પડ્યા પણ નથી. આમ છતાં મતદાનની ઓછી ટકાવારીએ ભાજપના રણનીતિકારોના ઉજાગરા જરૂર વધારી દીધા છે.