દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે તે મનાય છે. આમ તો પહેલી નવેમ્બર 2022 સુધીમાં નવા સંસદ ભવનના નિર્માણકાર્ય પૂર્ણ થવાનું હતું, પરંતુ કોરોના મહામારી સહિતના કેટલાક કારણોસર વિલંબ થવાથી નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ થઈ શક્યું નહોતું. નવા પરિસરની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં દેખાય છે કે લોકસભા અને રાજ્યસભાના નવા ચેમ્બરમાં સાંસદો માટે બેસવા માટે ખુરશીઓની હરોળ ગોઠવવામાં આવી છે. સંસદનું નવું પરિસર જૂના સંસદ ભવનની બરાબર સામે બની રહ્યું છે. નવા ભવનમાં 1000થી પણ વધુ સાંસદો બેસી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. સામાન્ય બજેટ નવા લોકસભા બિલ્ડિંગમાં રજૂ થાય તેવી શક્યતા છે. 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલાં બજેટસત્ર પહેલાં નવા સંસદ ભવનના હોલની તસવીરો સામે આવી છે. અધિકારીઓનું કહેવું છે કે નવું ભવન જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આમ એવી આશા વ્યક્ત થઈ શકે છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીના નવા લોકસભા ભવનમાંથી સંયુક્ત સત્રને સંબોધશે.