નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નલિની શ્રીહરન અને આર.પી. રવિચંદ્રન સહિતના છ દોષિતોની વહેલી મુક્તિનો આદેશ આપ્યો છે. તમિળનાડુ સરકાર દ્વારા આરોપીઓની સજા માફ કરવા માટે થયેલી ભલામણના આધારે સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસે સુપ્રીમના આ આદેશને આઘાતજનક ગણાવ્યો હતો અને તેની સમીક્ષા કરી કાનૂની લડાઈ લડવાના સંકેત આપ્યા છે.
મે, 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી સભામાં એલટીટીઈની આત્મઘાતી બોમ્બર ધનુ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલામાં રાજીવ ગાંધી ઉપરાંત 9 પોલીસકર્મી સહિત 16 જણાં માર્યા ગયા હતાં. નલિની અને રવિચંદ્રન ઉપરાંત જે ચાર અન્ય લોકોને મુક્ત કરાયા છે તેમાં સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારનો સમાવેશ થાય છે. સજા દરમિયાન આરોપીઓની વર્તણૂક સંતોષકારક હતી અને તેઓએ વિવિધ અભ્યાસ કર્યા હોવાની બાબતની પણ અદાલતે નોંધ લીધી હતી.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા મે મહિનામાં મુક્ત થયેલા અન્ય દોષિત એજી પેરારીવલનના કેસને ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો હતો. બંધારણની કલમ 142 હેઠળ તેની અસાધારણ શક્તિનો ઉપયોગ કરીને, ટોચની અદાલતે 18 મેના રોજ 30 વર્ષથી વધુ જેલની સજા ભોગવનાર પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કલમ 302 હેઠળ દોષિત અપીલકર્તાને માફી આપવાના મામલામાં રાજ્યપાલ, રાજ્ય મંત્રીમંડળની સલાહથી બંધાયેલા છે. હાલના કિસ્સામાં કેબિનેટે તમામ અરજદારોને માફી આપવાનો ઠરાવ કર્યો છે. પેરારિવલનની મુક્તિ માટેના આદેશમાં અદાલતે જે પરિબળોની સમીક્ષા કરી હતી તે જ પરિબળો વર્તમાન અરજદારોને પણ એટલાં જ લાગુ પડે છે. તમામ અરજદારોએ સંબંધિત ગુનાની સજા પૂરી કરી હોવાનું માની લેવા અમે નિર્દેશ કરીએ છીએ.
પ્રિયંકા ગાંધી એન્જલસમાનઃ નલિની
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકેસની દોષિત નલિની શ્રીહરને જેલમાંથી મુક્ત થયા બાદ કહ્યું હતું કે, તેને ફાંસી આપવા માટે સાત વાર વોરન્ટ ઈસ્યૂ થયા હતા. વેલ્લોર જેલમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાતનો ઉલ્લેખ કરતાં નલિનીએ પ્રિયંકાની પ્રશંસા કરી હતી. નલિનીએ કહ્યું હતું કે, પ્રિયંકા ખૂબ દયાળુ છે અને તે એન્જલ જેવાં છે. જ્યારે પ્રિયંકા ગાંધી અમને મળવા આવ્યા હતા ત્યારે તેમણે મને પોતાની પાસે બેસાડી હતી. મારા માટે તે અલગ જ અનુભવ હતો. પ્રિયંકાએ મને પોતાના પિતાની હત્યા વિશે સવાલ પૂછ્યછયા હતા. તે ખૂબ જ ભાવુક હતાં અને અમારી મુલાકાત દરમિયાન પ્રિયંકા રડવા પણ લાગ્યા હતા.
સોનિયાના અંગત મંતવ્યો સાથે અસહમતઃ કોંગ્રેસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાનૂનવિદ્ અભિષેક મનુ સિંઘવીએ તેને આઘાતજનક ગણાવ્યો હતો. સિંઘવીએ આ મામલે પક્ષના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના મંતવ્યો સાથે પણ અસહમતિ દાખવી હતી. સિંઘવીએ કહ્યું કે રાજીવ ગાંધીની હત્યા દેશની અખંડિતતા પરનો હુમલો હતો. આવા કેસમાં કોર્ટમાં દ્વારા વિશેષ સત્તાનો ઉપયોગ કરી દોષિતોને મુક્ત કરવા સામે સવાલ ઉઠાવ્યાં હતાં.
ધનુ નામની સ્યુસાઈડ બોમ્બરે રાજીવની હત્યા કરી હતી
21 મે 1991ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી સભામાં એલટીટીઈની આત્મઘાતી બોમ્બર ધનુ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં રાજીવ ગાંધી ઉપરાંત 9 પોલીસકર્મી સહિત 16 જણાં માર્યા ગયા હતાં અને 45થી વધુ ઘાયલ થયાં હતાં. આ કેસમાં પેરારીવલન સહિત સાત લોકોને દોષિત ઠેરવાયા હતા.
સર્વોચ્ચ અદાલતે મે, 1999ના આદેશમાં ચાર દોષિતો પેરારીવલન, મુરુગન, સંથાન અને નલિનીની મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી. જો કે, 2014 માં, તેણે તેમની દયા અરજીઓનો નિર્ણય લેવામાં વિલંબના આધારે સંથન અને મુરુગનની સાથે પેરારિવલનની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી.
તમિળનાડુના રાજકીય પક્ષોમાં જશ લેવાની હોડ
સુપ્રીમના આદેશને પગલે તમિળનાડુના રાજકીય પક્ષોમાં રાજીવ ગાંધીના હત્યારાઓની વહેલી મુક્તિનો જશ લેવા હોડ જામી છે. કોંગ્રેસના સહયોગી પક્ષ સત્તાધારી ડીએમકે ઉપરાંત તેની કટ્ટર વિરોધી પાર્ટી એઆઈડીએમકે બંને પક્ષો આ મામલે જશ લેવા પ્રયાસો કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. જ્યારે એઆઈડીએમકે એ જણાવ્યું હતું કે અગાઉ તેમના સત્તાકાળ દરમિયાન લેવાયેલા કાનૂની પગલાંને પરિણામે આ ચુકાદો સંભવ બન્યો છે.