નવી દિલ્હી: રાજ્યસભાની ૨૭ બેઠકો માટે દેશના સાત રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૪ બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને ૫ બેઠકોનું નુકસાન થયું છે. શનિવારે યોજાયેલા મતદાનમાં ભારે ક્રોસવોટિંગ થયું હતું અને લગભગ દરેક પક્ષમાં બળવાની સ્થિતિ જોવા મળી હતી. સાંજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૧૧, સમાજવાદી પાર્ટીને ૭, કોંગ્રેસને ૬, બહુજન સમાજ પાર્ટીને બે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. આ ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ ૬૯માંથી ઘટીને ૬૪ થયું છે જ્યારે ભાજપનો આંકડો ૪૫થી વધીને ૪૯ થયો છે.
હરિયાણામાં કોંગ્રેસના અને કર્ણાટકમાં જનતા દળ (એસ)ના અસંતુષ્ટ અને બળવાખોર ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણામાં કોંગ્રેસના ૧૪ સભ્યોના મત ગેરલાયક ઠરતા ભાજપ સમર્થિત મીડિયા બેરન સુભાષ ચંદ્ર ગોયલ (ઝી ટીવી)ને ઉપલા ગૃહમાં પ્રવેશની તક મળી છે. રાજસ્થાનની તમામ ૪ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. તેણે ૧૧માંથી ૭ બેઠકો જીતી છે. ઉત્તર પ્રદેશમાં જેમના પર નજર હતી તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલ ભાજપ સમર્થિત ગુજરાતી બિઝનેસ વુમન પ્રીતિ મહાપાત્રા સામે વિજયી બન્યા છે. ભાજપના કેન્દ્રીય પ્રધાનો એમ. વેંકૈયા નાયડુ, બીરેન્દર સિંહ, નિર્મલા સીતારામન્ અને મુખ્તાર અબ્બાસ નકવી સહેલાઇથી જીતી ગયાં છે.
કયા રાજ્યોમાં કોને લાભ અને કોને નુકસાન?
• ઉત્તર પ્રદેશ: ૧૧ બેઠકો માટેની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના તમામ ૭ ઉમેદવારો વિજયી થયા હતા તો બીજી બાજુ બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવારો સતીષ ચંદ્ર મિશ્રા અને અશોક સિદ્ધાર્થ સરળતાથી જીતી ગયા હતા. અહીં ક્રોસવોટિંગ થયું હતું. જોકે તમામ પક્ષો તેમના ઉમેદવારોને વિજય અપાવી શક્યા હતા. કપિલ સિબલે ભાજપ સમર્થિત ઉમેદવાર પ્રીતિ મહાપાત્રને પરાજય આપ્યો હતો. મહાપાત્રને માત્ર ૧૮ મતો મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓ અમર સિંહ, બેની પ્રસાદ વર્મા અને રેવતી રમણ સિંહ જીત્યા છે.
• રાજસ્થાનઃ રાજ્યમાં ભાજપના ચારેય ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન વૈકેયા નાયડુ રાજ્યના નાયબ પ્રદેશપ્રમુખ ઓમપ્રકાશ, હર્ષવર્ધનસિંહ અને રામકુમાર વર્મા રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. અહીં કોંગ્રેસના સમર્થનથી મેદાનમાં ઊતરેલા અપક્ષ ઉમેદવારનો પરાજય થયો હતો. ચારેય બેઠક પર કમળ ખીલતાં કાર્યકરોમાં ઉત્સાહ હતો.
• કર્ણાટક: કોંગ્રેસના નેતાઓ ઓસ્કર ફર્નાન્ડિઝ અને જયરામ રમેશ ચૂંટાયા છે. જનતા દળ (એસ)ના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કરતાં કોંગ્રેસના ફાળે વધુ એક સીટ ગઇ છે. પૂર્વ આઇપીએસ કે. સી. રામમૂર્તિએ જનતા દળ (એસ) સમર્થિત ઉમેદવાર બી. એમ. ફારૂકને પરાજય આપ્યો હતો. ભાજપના નેતા નિર્મલા સીતારામનને જીતવા માટે ૪૫ની સામે ૪૬ મતો મળ્યા હતા. રાજ્યમાં ભાજપના ૪૪ સભ્યો જ છે. જેડીએસના આઠ સભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન
કર્યું હતું.
• ઝારખંડ: બન્ને બેઠકો ભાજપના ફાળે ગઇ હતી. કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મોરચા ેદવાર બસંત સોરેનને જીત ન અપાવી શકી. સામે ભાજપના ઉમેદવાર મહેશ પોદ્દારનો વિજય થયો હતો. જેએમએમના પકડાયેલા એક ધારાસભ્ય અને ધરપકડનો સામનો કરી રહેલા કોંગ્રેસના એક ધારાસભ્ય વોટિંગ ન કરી શકતાં પોદ્દારને જીવતદાન મળી ગયું હતું. ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીને એક બેઠક મળી હતી.
• હરિયાણા: કોંગ્રેસને સૌથી મોટો આંચકો મળ્યો હતો. અહીં પક્ષને તેના ૧૪ ધારાસભ્યોના ક્રોસવોટિંગને કારણે ફટકો પડ્યો હતો. તેના દ્વારા સમર્થિત ઉમેદવાર આર. કે. આનંદ હારી ગયા હતા. તેમની સામે ભાજપ સમર્થિત મીડિયા બેરન સુભાષ ચંદ્રનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર બિરેન્દર સિંહને ૪૦ મતો મળ્યા હતા જ્યારે આનંદને ૨૧ અને ચંદ્રાને ૧૫ મતો મળ્યા હતા અને ૧૪ મતો નકારી દેવાયા હતા. એ મતો રદ થતાં જ બિરેન્દરને જીતવા માટે માત્ર ૨૬ મતોની જરૂર પડી હતી.
• મધ્ય પ્રદેશઃ રાજ્યમાં ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર એમ જે. અકબર અને અનિલ માધવ દવેનો આસાન વિજય થયો હતો. કોંગ્રસના સમર્થન અપક્ષ ઉમેદવારી કરી ચૂકેલા વિવેક તનખા એક વોટની ઘટ છતાં ચૂંટાઈ આવ્યા છે.