ભારતમાં દેવી-દેવતાનો અવતાર બની બેઠેલા અનેક બાબા-સાધ્વીઓ લોકોની ધાર્મિક આસ્થાનો ગેરલાભ ઉઠાવીને તેમને ઉલ્લુ બનાવી રહ્યા છે. મુંબઇના રાધેમા પણ આવું જ એક વ્યક્તિત્વ છે. રાધેમાનો તકિયા-કલામ છેઃ આઇ લવ યુ ફ્રોમ ધી બોટમ ઓફ માય હાર્ટ. તેઓ ભક્તો સાથે નાચે પણ છે અને કિસ પણ કરે છે! પોતાને દૈવી સ્વરૂપ ગણાવીને ચમત્કારના નામે લોકોને ભ્રમિત કર્યા બાદ રાધેમા જોકે હવે જેલમાં જવાની તૈયારીમાં છે. ઠગાઈની ફરિયાદો ઊઠતાં રાધેમા અત્યારે તો ફરાર છે, પણ તેણે પોતાની કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેના કારણે તે ચર્ચામાં છે. આ તસવીરોમાં તે માતા નહીં, પણ એક મોડેલના રૂપમાં જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં સંસાર છોડીને ભગવા ધારણ કરવા માટે, સાધુ-સંત બનવા માટે કોઇ ચોક્કસ નીતિનિયમો ન હોવાથી આવા નઠારા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. અને શ્રદ્ધાનાં નામે અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો પણ આવા લોકોનાં ધતિંગ ખુલ્લી આંખે નિહાળવાં છતાં આવાં લોકો પાછળ દિવાના હોય છે. મુંબઇના રાધેમા અને ‘મહામંડલેશ્વર’ સચ્ચિદાનંદ ગિરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બિયર બાર અને ડિસ્કો થેકના સંચાલક સચિન દત્તા ગયા સપ્તાહે ભગવા ધારણ કરીને સચ્ચિદાનંદ ગિરી બન્યા. એટલું જ નહીં, તેમને નાસિકના કુંભમેળામાં સાધુઓની અખાડા પરિષદના ‘મહામંડલેશ્વર’ પણ જાહેર કરાયા. જોકે વિવાદનો વંટોળ ઉઠતાં તેમની ‘મહામંડલેશ્વર’ની ધાર્મિક પદવી છીનવી લેવામાં આવી છે. હવે રાધેમા સામે કેવા પગલાં લેવાય છે એ તો સમય જ કહેશે. બાય ધ વે, રાધેમાના અનુયાયીઓમાં બોલિવૂડની હસ્તીઓ અને ધનાઢયો પણ સામેલ છે.
રાધેમા કોણ છે અને તેમણે કઇ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા તેની વિગતો અહીં રજૂ કરી છે.
અસલ નામ સુરવિન્દર કૌર
રાધેમાનું મૂળ નામ સુરવિન્દર કૌર છે અને તેનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલાં એક નાનકડાં ગામ ડોરાંગાલામાં ૧૯૬૫માં થયો હતો. બાળપણથી જ તેને ધાર્મિક બાબતોમાં રસ હતો તેથી તે ગામમાં આવેલાં કાલી મંદિરમાં પૂજા કરવા લાગ્યા. તેણે ૧૮ વર્ષની વયે મુકેરિયાના રહેવાશી મનમોહન સાથે લગ્ન થયા. આ દરમિયાન રાધેમા કપડા પણ સિવતા હતા.
આ રીતે રાધેમા નામ પડ્યું
રાધેમા ૨૧ વર્ષનાં થયા ત્યારે રામાધીન પરમહંસ નામના સાધુના સંપર્કમાં આવ્યા. છ મહિના સુધી તેણે આ સાધુ હેઠળ દીક્ષા લીધી. આ સાથે જ તેને રાધે નામ આપવામાં આવ્યું. ૨૩ વર્ષનાં હતાં ત્યારે રાધેમા કેટલાક સામાજિક સેવાના કામોમાં જોડાયાં હતા. બાદમાં મુંબઈ આવીને એક ધનિક વ્યક્તિની મદદથી એક આશ્રમ સ્થાપ્યો. અહીં તેણે બાદમાં પોતાના ખેલ શરૂ કર્યા અને લોકો વચ્ચે ભ્રમ ફેલાવી પોતાનો પ્રચાર કર્યો.
આમ માયાજાળ ફેલાવી
રાધેમા માત્ર આશીર્વાદ દેવામાં જ નહીં, પણ તંત્રમંત્રના જાણકાર હોવાનું કહેવાય છે. તેમના અનુયાયીઓમાં ચર્ચાતી વાતો મુજબ તેણે પંજાબના મુકેરિયામાં એક સંત પાસેથી તંત્રની વિદ્યા લીધી હતી. બાદમાં રાધેમાએ તેનો ઉપયોગ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં કર્યો. મતલબ કે લોકોને તંત્રવિદ્યાથી બેવકૂફ બનાવ્યા. આ વિદ્યાથી જ તેઓ પ્રખ્યાત થયા.
રાધેમાનો એક જ ‘મંત્ર’
રાધેમા ચૂપ જ રહે છે અને માત્ર એક જ શબ્દ બોલે છેઃ 'આઈ લવ યુ ફ્રોમ ધી બોટમ ઓફ માય હાર્ટ'. આ શબ્દોને કારણે પણ તે વધુ ચર્ચામાં છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, બોલિવૂડ હસ્તીઓ અને ધનવાનો પણ રાધેમાની માયાજાળમાં ફસાયેલી છે અને તેને મળવા આવે છે. પહેલા તંત્ર વિદ્યા અને બાદમાં દેવી ચમત્કારના નામે લોકોને તેણે બેવકૂફ બનાવ્યા અને પોતાની જાળ ફેલાવી.
ભક્તોને કિસ કરવાની પણ છૂટ!
ભક્તો રાધેમાને મળવા આશ્રમમાં જાય છે ત્યારે તેઓ નાચવા લાગે છે. ભક્તોની સાથે સાથે રાધેમા પણ નાચે છે. રાધેમા જે ભક્તો પર મહેરબાન થઈ જાય છે તે ભક્તો રાધેમાને ઉઠાવીને નાચવા લાગે છે. વળી, મુંબઈનાં એક મહિલા એડવોકેટના જણાવ્યા પ્રમાણે તો રાધેમા પોતાના ભક્તોને ભેટે પણ છે અને ભક્તોને પોતાને કિસ કરવાની પણ છૂટ આપે છે.
ધર્મના નામે ઐયાશી
ધર્મના નામે ધતિંગ કરી પોતાને દેવી મા કહેવડાવતી સુખવિન્દર કૌર ઉર્ફ રાધેમા અને તેમના સાગરિતો સામે તેમને જ આશ્રય આપનાર ગુપ્તા પરિવારની વહુ નિકી ગુપ્તાએ રણશિંગુ ફૂંક્યા બાદ હવે એક મહિલા વકીલે પણ તેમાં ઝંપલાવ્યું છે. ફાલ્ગુની બ્રહ્મભટ્ટ નામનાં આ વકીલે મુંબઈના પોલીસ કમિશનર રાકેશ મારિયાને પત્ર લખીને રાધેમા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. હવે લોકોની નજર પોલીસ કમિશનર શું પગલા લે છે તેના પર છે.
વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે ફરિયાદમાં કહ્યું છે કે રાધેમા અને તેના સાગરીતો માતા કી ચૌકી અને અન્ય ધાર્મિક ફંકશનોનું આયોજન કરતા હતા. લોકોની ધાર્મિક આસ્થાનો ફાયદો લઇ તેમની સાથે રીતસરની છેતરપિંડી કરાતી હતી અને તેમની પાસેથી પૈસા પડાવાતા હતા. સુખવિન્દર કૌર ઉર્ફ રાધેમા પોતાને દેવીનો અવતાર કહેવડાવે છે એ પણ ખોટુ છે. ફાલ્ગુની બ્રહ્મભટ્ટને એક અખબારે પૂછ્યું કે શું તમે પોતે રાધેમાના વિક્ટિમ છો? ત્યારે તેમણે કહ્યું હતું, 'ના, હું રાધેમાની વિક્ટિમ નથી, પણ મેં તેમના ફંકશનમાં હાજરી આપી છે અને બધું જ નજરોનજર જોયું છે. તમે જાતે પોતાને દેવી અથવા અવતાર છો એમ કઇ રીતે કહી શકો? ચાલો, એ પણ માની લીધું કે તમે અવતાર છો, તો એ કઇ રીતે પ્રુવ કરશો? લોકો તેમને ઉંચકી લે... તેમને કિસ કરે છે આવું કઇ રીતે ચાલે? કહેવાય છે કે અવતાર તો શિરડીના સાંઇબાબા પણ હતા. પણ એ તો લોકો પાસે ભીખ માંગીને ખાતા હતા. જ્યારે આ રાધેમા તો ડિઝાઇનર વસ્ત્રો પહેરે છે. લાખો રૂપિયાની જવેલરી પહેરે છે. આ બધા ધર્મના નામે લોકોને છેતરે છે. એટલે જ તેમની સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.'
રાધેમા સામે ગુનો નોંધવા અરજી
વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે રાકેશ મારિયાને કરેલી ફરિયાદમાં સુરવિંદર કોર ઉર્ફ રાધેમા અને તેના સાગરિતો સંજીવ ગુપ્તા, છોટી મા, તાલી બાબા, મેઘા અને અન્યો સામે બનાવટ અને છેતરપિંડી કરવા સબબ ભારતીય દંડ સંહિતાની કલમો ૨૯૫ એ, ૨૯૪ અને ૪૨૦ તેમ જ મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરિડિકેશન ઓફ હ્યુમન સેક્રિફાઇઝ એન્ડ અધર હ્યુમન ઇવિલ એન્ડ અઘોરી એન્ડ બ્લેક મેજીક એક્ટ ૨૦૧૩ હેઠળ ગુનો નોંધવા અપીલ કરી છે.
આ ફરિયાદ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનર રાકેશ મારિયાને પત્ર દ્વારા કરી છે. જો રાકેશ મારિયા તેને એફઆઇઆરમાં તબદિલ કરશે તો પોતે ચોક્કસ આ કેસમાં આગળ વધશે એમ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તો ફરી કોર્ટનાં દ્વાર ખટખટાવાશે
મુંબઇના મલાડ વિસ્તારના જાણીતા એમ. એમ. મીઠાઇવાલાના ગુપ્તા પરિવારની પુત્રવધૂ નિકી ગુપ્તાએ કોર્ટ ફરિયાદ કર્યા બાદ એ જ સંદર્ભે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જોકે કાંદિવલી પોલીસ દ્વારા આ કેસમાં જરૂરી તપાસ ન થઇ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. આથી નિકી ગુપ્તાએ કહ્યું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો હું ફરી કોર્ટમાં આ બાબતે પોલીસ સામે ફરિયાદ કરીશ.