નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા કેસમાં વિવાદિત જમીન હિન્દુઓને સોંપવાનો ચુકાદો આપીને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દસકાઓ જૂના વિવાદનો અંત આણ્યો છે. જોકે, રામ જન્મભૂમિ વિવાદને રાજકારણના કેન્દ્રમાં લાવવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના રામચંદ્ર પરમહંસ, અશોક સિંઘલ અને ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કર્યું હતું. અશોક સિંઘલે ધર્મસંસદ યોજી સંત સમાજને ચળવળ સાથે જોડ્યા. તો ૧૯૯૦માં રામ રથયાત્રા યોજીને અડવાણીએ જનતાને જોડી. વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ રામ જન્મભૂમિના મુદ્દાને ૧૯૮૦-૯૦ના વિવાદ માત્ર કોર્ટમાં જમીનની માલિકી મેળવવા માટેનો કેસ હતો. ભાજપ અને વિહિપે તેને લોકભાવનામાં પરિવર્તિત કર્યો. અશોક સિંઘલના નેતૃત્વમાં વિહિપે ૧૯૮૪-૮૫ના સમયમાં અને ભાજપે ૧૯૯૦ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલન શરૂ કર્યું અને તે રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગયું હતું. આ ચળવળની કલ્પના રામચંદ્ર પરમહંસ દ્વારા કરાઇ હતી.
વ્યવસાયે એન્જિનિયર અને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંઘલે અયોધ્યામાં વિવાદસ્પદ બાબરી મસ્જિદના સ્થળે ભવ્ય રામ મંદિર બાંધવા માટે વર્ષો સુધી રામ જન્મભૂમિ ચળવળ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સિંઘલ પહેલાં રામ જન્મભૂમિ ન્યાસ અને અન્ય કેટલાક નાના હિન્દુ જૂથોના વડા અને સંત રામચંદ્ર પરમહંસ આ ચળવળનું સંચાલન કરતાં હતાં.
જોકે, ૧૯૮૦ના દાયકાના અંતમાં ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી આ ચળવળનો ચહેરો બન્યા અને તેમણે રથયાત્રા યોજી. સમગ્ર દેશમાં તેનો પ્રસાર કર્યો અને આ ચળવળમાં હજારો લોકોને જોડ્યા હતા. રામ જન્મભૂમિ ચળવળમાં વિવિધ અગ્રણીઓની ભૂમિકાના સંદર્ભમાં વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ અશોક સિંઘલને રામજન્મભૂમિ ચળવળને આગળ વધારવાનો વિચાર તેમનો હતો. અડવાણીએ આ ચળવળનો રાજકીય મુદ્દો બનાવ્યો અને તે દેશની સમક્ષ મુક્યો હતો.
સિંઘલ વિહિપના સંયુક્ત મહાસચિવ હતા ત્યારે ૧૯૮૪માં ચળવળમાં અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. આ સમયે તેમણે ચળવળને આગળ વધારવા સૌપ્રથમ ‘ધર્મ સંસદ’નું આયોજન કર્યું હતું અને રામ મંદિર મુદ્દે ટેકો મેળવવા સંતો અને ધર્મગુરુઓને એકત્ર કર્યા હતા. બાદમાં તેઓ વિહિપના કાર્યકારી પ્રમુખ બન્યા અને ચળવળને જનતા દ્વારા સ્વીકારવામાં આવે તે રીતે આકાર આપવામાં આવશે તેમની વ્યૂહરચનાને પગલે આરએસએસની હિન્દુત્વની વિચારધારા લોકપ્રિય બની. તેમણે આ મુદ્દા પર સંત સમાજ, સંઘના નેતાઓ અને ભાજના વચ્ચે કડીનું કામ કર્યું.
સિંઘલના પ્રયાસોના પગલે અડવાણીના પ્રમુખપદે ભાજપે ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં તેના ઢંઢેરામાં રામ મંદિરના મુદ્દાનો સમાવેશ કર્યો. હિન્દુત્વ વિચારસરણીને અપનાવીને ભાજપ લોકસભામાં બે બેઠકો પરથી ૮૫ બેઠકો સુધી પહોંચી ગયો હતો. આથી પક્ષને સત્તા માટે આ સરળ સાધન મળી ગયું અને અડવાણીએ હિન્દુઓને આકર્ષવા અને ચૂંટણીમાં તેમનો ટેકો મેળવવા ૧૯૯૦માં રામ રથયાત્રા કાઢી. ત્યાર બાદ પક્ષે ક્યારેય આ મુદ્દે પાછું વળીને જોયું નથી.