નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આખરી દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ સોમવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બિહારના ગવર્નર રામનાથ કોવિંદનું નામ જાહેર કર્યું છે.
પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે આ જાહેરાત કરતા કહ્યું હતું કે રામનાથ કોવિંદ ભાજપ અને એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. શાહે જણાવ્યું કે, દલિત સમાજ અને પછાત સમાજ સાથે સંબંધ રાખનાર વ્યક્તિને પસંદ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદ માટે દલિત ઉમેદવાર જાહેર કરીને વિપક્ષોને મૂંઝવણમાં મૂકી દીધા છે. કોવિંદ દલિત સમાજ સાથે સંકળાયેલા હોવાથી તેમનો વિરોધ થવાની શક્યતાઓ નહિવત્ છે.
સોમવારે યોજાયેલી ભાજપની મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લગભગ ૪૫ મિનિટ ચાલેલી ચર્ચા બાદ કોવિંદના નામની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૯૧માં ભાજપમાં જોડાયેલા કોવિંદ વાજપેયીનાં નજીકના માનવામાં આવે છે.
એકતરફી નિર્ણયઃ કોંગ્રેસ
એનડીએ દ્વારા કોવિંદના નામની જાહેરાત પછી કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો વિપક્ષ પણ આવું જ દલિત કાર્ડ રમવાની તૈયારી કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોવિંદના નામ સામે વિપક્ષો મીરાં કુમારના નામની રજૂઆત કરવા અંગે વિચારી રહ્યા છે. કોવિંદ શાંત અને નિર્વિવાદિત નેતા છે અને તેમની સામે વિપક્ષો મીરાં કુમારને દલિત મહિલા ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, અમે શરૂઆતથી જ એક જ રસ્તો અપનાવ્યો છે અને તે છે સહમતી બનાવવાનો. સરકાર દ્વારા સહમતી સાધ્યા વગર જ ઉમેદવાર જારી કરવામાં આવ્યા છે. આ એકતરફી નિર્ણય છે. વિપક્ષો દ્વારા ૨૨ જૂને આ મુદ્દે બેઠક રાખવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બધાને જણાવ્યું છે: શાહ
ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું કે, વડા પ્રધાને જાતે જ વિપક્ષના નેતાઓને ફોન કરીને વાત કરી હતી. તેમણે સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીને જાતે જ જાણ કરી હતી. સોનિયા ગાંધીજીએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ વિચારીને અને ચર્ચા કરીને જવાબ આપશે. હાલમાં તેમના પક્ષમાં ઉમેદવાર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. મને લાગે છે કે, તમામ પક્ષો કોવિંદના નામને સમર્થન આપશે. રામનાથ દલિત અને પછાત વર્ગો માટે કાયમ સંઘર્ષ કરતાં આવ્યા છે.
અનોખા રાષ્ટ્રપતિ બનશે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને આશા છે કે, ખેડૂતના દીકરા કોવિંદ દેશ માટે યોગ્ય અને અલગ પ્રકારના રાષ્ટ્રપતિ સાબિત થશે. તેઓ ગરીબો, દલિતો અને પછાતવર્ગો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે અને આગળ પણ તે કામગીરી ચાલુ રાખશે. તેઓ કાયદાના સારા જાણકાર અને બંધારણનાં તજજ્ઞ છે. દેશને તેનો પૂરતો ફાયદો મળશે. રામનાથ ખેડૂતના દીકરા છે અને સાધારણ પરિવારમાંથી આવે છે.
નીતીશ ખુશ, કોવિંદને મળી આવ્યા
ડાબેરી નેતા સીતારામ યેચૂરીએ જણાવ્યું હતું કે, રામનાથજી સંઘની દલિત શાખાના પ્રમુખ હતા. તેઓ એક રાજકારણી છે. આ સીધે સીધો રાજકીય ટકરાવ છે. બીજી તરફ જનતા દળના નેતા નીતિશ કુમારે જણાવ્યું કે, મેં રામનાથજી સાથે સોમવારે ગવર્નર હાઉસમાં મુલાકાત કરી હતી. અંગત રીતે હું ખુશ છું કે બિહારના ગવર્નરની આવા ઉચ્ચ પદ માટે પસંદગી કરવામાં આવી છે. સપોર્ટ આપવા અંગે હાલમાં કશું જ કહી શકું તેમ નથી. મારી લાલુજી સાથે વાત થઈ ગઈ છે. સોનિયા ગાંધી સાથે પણ વાત થઈ છે અને મારું મંતવ્ય મેં તેમને જણાવી દીધું છે.
જેડી (યુ) નેતા શરદ યાદવે જણાવ્યું કે, વિપક્ષની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. તો ભાજપની પસંદથી માયાવતી પણ અવઢવમાં મુકાઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, વિપક્ષો દ્વારા કોઈ દલિત ઉમેદવારની જાહેરાત નહીં કરવામાં આવે તો બસપા દ્વારા રામનાથ કોવિંદને સમર્થન આપવામાં આવશે.
તેલંગણની શાસનધુરા સંભાળતા ટીઆરએસ દ્વારા પણ કોવિંદના નામને સમર્થન આપવામાં આવ્યું હતું. બીજી તરફ આરપીઆઈ પણ એનડીએના નામના સમર્થનમાં આગળ આવ્યું છે. બીજી તરફ, એનડીએના સાથી પક્ષ શિવ સેનાએ આડોડાઈ જારી રાખતા જણાવ્યું કે, અમે થોડા સમય પછી ચર્ચા કરીને આ અંગે જાહેરાત કરીશું.
રામનાથ કોવિંદ વિશે જાણવા જેવી ૧૦ બાબતો
• ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૧ ઓક્ટોબર ૧૯૪૫ના રોજ જન્મ
• કાયદાનો અભ્યાસ કર્યો છે તેમજ બંધારણ વિશે સારી એવી જાણકારી ધરાવે છે
• વ્યવસાયે વકીલ અને ભાજપના અનુસુચીત જાતિ મોર્ચાના પ્રમુખ રહી ચુક્યા છે
• કાનપુર યુનિ.માંથી બી.કોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે
• ૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી હાઇ કોર્ટમાં વકીલાત કરી
• સુપ્રીમ અને હાઇ કોર્ટ મળી કુલ ૧૬ વર્ષનો વકીલાતનો અનુભવ છે
• દલિત સમાજમાંથી આવનારા રામનાથ ઉત્તર પ્રદેશથી બે વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે
• ૧૯૭૭માં પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇના વિશેષ કાર્યકારી અધિકારી રહ્યા છે
• રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જૂનો નાતો રહ્યો છે
• બિહારના રાજ્યપાલ પદે અચાનક વરણ થઇ હતી, તે સમયે જનતા દળ (યુ)એ વિરોધ કર્યો હતો.