અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં પોતાના આરાધ્યના દર્શન કરવાની ખેવના ધરાવતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના સ્થાયી ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તારીખનું એલાન કરી દીધું છે. આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિર ખાતે ભગવાન રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ સરકારના નાણાં અને સંસદીય કાર્ય પ્રધાન સુરેશ ખન્ના ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રામમંદિર નિર્માણ સમિતિની બે દિવસની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પ્રધાનનું આ ટ્વિટ સામે આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે રામ લલાની જૂની અને નવી મૂર્તિ બંને પ્રતિમાઓને મંદિરમાં સ્થાપિત કરવાની યોજના છે. 22 જાન્યુઆરી 2024 ના દિવસે મંદિરના ગર્ભગૃહમાં સંપૂર્ણ વિધિવિધાન અને પૂજા પાઠ સાથે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જ્યાર બાદ રામમંદિરને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે અને ભક્તો પોતાના આરાધ્યના દર્શન કરી શકશે.
ગર્ભગૃહની રચના એ પ્રમાણે કરવામાં આવી રહી છે કે રામલલાની પ્રતિમા પર રામનવમીના દિવસે સૂર્યના કિરણો પણ અભિષેક કરે. દિવસે પાંચ મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલાના લલાટ પર કેન્દ્રિત રહેશે, જેને સૂર્યતિલક કહેવામાં આવે છે. આ પહેલાં રામ મંદિર નિર્માણ અને મેનેજમેન્ટ માટે સ્થાપિત શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે પણ જાણકારી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રતિમાને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે.
ગર્ભગૃહ નિર્માણનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે
રામમંદિરના ગર્ભગૃહના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેના કારણે હવે ગર્ભગૃહનો આકાર પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો છે ગર્ભગૃહના પિલ્લરોનું કામ પુરું થઈ ગયું છે અને હવે છતનું કામ શરૂ થઈ ગયું છે. શ્રીરામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટ અનુસાર ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર મહિના સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ઓક્ટોબર મહિના સુધી મંદિરનો પહેલો માળ બનીને તૈયાર થઈ જશે, પહેલા માળે રામ દરબાર રહેશે જયારે બીજે માળ ખાલી રહેશે. બીજો માળ મંદિરની ઊંચા વધારવા માટે તૈયાર કરાશે.
ભગવાન રામની બાલ્યકાળની પ્રતિમાનું સ્થાપન
રામલલાની પ્રતિમાના નિમાર્ણ માટે અનેક સ્થળોએથી પથ્થરો મંગાવાયા છે. જેમાં નેપાળની ગંડક નદીથી મંગાવાયેલા શાલિગ્રામ પથ્થર પણ સામેલ છે. મંદિરમાં જે પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે તે ભગવાન રામના બાલ્યકાળની રહેશે. આ પ્રતિમાને ઠીક તે પ્રમાણે બનાવાશે જેવી પ્રાચીન ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંદિરનું 60 ટકા કરતા પણ વધારે કામ સંપન્ન થઈ ગયું છે.