નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે દેશની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં વડાપ્રધાન લખે છે કે, ‘રાષ્ટ્રનિર્માણ માટેના અમારા પ્રયાસો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે.’ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં બહુ જ વાઇરલ થયેલા પત્રમાં લખ્યું છેઃ મને વિશ્વાસ છે કે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે.’
વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું છે કે, જીએસટીનો અમલ, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિબંધન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર હુમલા જેવા અનેક ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવામાં નિષ્ફળ ગયા નથી.
વડાપ્રધાન મોદીએ લખ્યું છે લોકશાહીની સુંદરતા જનભાગીદારી અને જનસહકારમાં રહેલી છે. મને દેશના કલ્યાણ માટે મોટા નિર્ણયો લેવા, મોટી યોજનાઓ બનાવવા અને તેનો સરળ અમલ કરવાની શક્તિ અને ઉર્જા તમારા વિશ્વાસ અને સમર્થનથી જ મળે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશ જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે તેને પૂર્ણ કરવા માટે મને તમારા વિચારો, સૂચનો, સમર્થન અને સહકારની જરૂર છે. મને વિશ્વાસ છે કે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. રાષ્ટ્રનિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે.
મોદીએ પત્રમાં લખ્યું છે, ‘મારા પ્રિય પરિવારના સભ્યો, તમારી અને અમારી એકતા હવે એક દાયકો પૂર્ણ કરવા જઈ રહી છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સૌથી મોટી સંપત્તિ છે. ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા તેમને સશક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રમાણિક પ્રયાસોના સાર્થક પરિણામો આપણી સામે છે.’