રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિક્રમજનક મતદાન

Tuesday 18th July 2017 15:36 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ કોણ બનશે એ સવાલ સોમવારે મતપેટીમાં બંધ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ પદ માટે શાસક પક્ષ એનડીએ તરફથી રામનાથ કોવિંદને જ્યારે વિરોધ પક્ષ યુપીએ દ્વારા મીરા કુમારને મેદાનમાં ઉતારાયા છે. આ બન્નેમાંથી કોઇ પણ ઉમેદવાર જીતે, દેશને બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે. આ પહેલા ૧૯૯૭માં કે. આર. નારાયણન્ પહેલા દલિત રાષ્ટ્રપતિ બન્યા હતા. ગુરુવારે ૨૦ જુલાઈએ મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર એટલે કે આગામી રાષ્ટ્રપતિનું નામ જાહેર થશે. ૨૫ જુલાઇએ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરશે.
મતદાન બાદ સત્તાધારી ભાજપે જણાવ્યું હતું કે, રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત છે. સામે પક્ષે વિપક્ષે જણાવ્યું હતું કે, વિચારધારાની લડાઇમાં મીરા કુમાર શ્રેષ્ઠ ઉમેદવાર હતાં. રાષ્ટ્રપતિ ચૂંટણીને વિચારધારાની લડાઇ ગણાવી વિપક્ષે જોરશોરથી મીરા કુમારને સંયુક્ત ઉમેદવાર બનાવ્યાં હતાં પરંતુ મતદાનના દિવસે વિપક્ષ પાણીમાં બેસી ગયો હોય તેમ લાગતું હતું.

કોવિંદનો વિજય નિશ્ચિત

ઔપચારિકતા સમાન બનેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ઉમેદવાર રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત મનાય છે.લોકસભા અને ૧૭ રાજ્યોની વિધાનસભામાં ભાજપ અને એનડીએની સ્પષ્ટ બહુમતી હોવાથી રામનાથ કોવિંદને ૭૦ ટકા મત મળવાની સંભાવના છે.

૯૯ ટકાથી વધુ મતદાન

રિટર્નિંગ ઓફિસરના કહેવા પ્રમાણે આ વખતે ચૂંટણીમાં વિક્રમજનક ૯૯ ટકાથી વધારે મતદાન થયું છે. વિવિધ રાજ્યોમાં કેટલાક પ્રતિનિધિ કોઈને કોઈ કારણોસર મત આપી શક્યા ન હતા. અરુણાચલ પ્રદેશ, આસામ, છતીસગઢ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ અને પોંડિચેરીમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. જ્યારે ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં ક્રોસ વોટિંગ થયું હતું.

માત્ર જનપ્રતિનિધિને મતાધિકાર

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય નાગરિકો સીધા ભાગ લઈ શકતા નથી. પરંતુ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે સાંસદ અને વિધાનસભ્યો મતદાન કરે છે. દેશમાં અત્યારે વિવિધ રાજ્યોના મળીને કુલ ૪૧૨૦ વિધાનસભ્યો તથા ૭૭૬ ચૂંટાયેલા સાંસદો છે. સાંસદોમાં લોકસભાના ૫૪૩ જ્યારે રાજ્યસભાના ૨૩૩ સભ્યોનો સમાવેશ થાય છે. આમ કુલ ૪૮૯૬ નિર્ણાયત મતો હતા, જે રાષ્ટ્રપતિ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ૧૯૭૧ની વસતી પ્રમાણે દરેક સભ્યના મતનું ચોક્કસ મૂલ્ય હોય છે. બધા સભ્યોના મતનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૯૦૩ થાય છે. તેમાંથી અડધા ઉપરાંત મતો મળે એ ઉમેદવાર રાષ્ટ્રપતિ જાહેર થશે. ચૂંટાયેલા પ્રતિનિધિ મતદાન કરી શકે એટલા માટે સંસદ ભવન સહિત દેશભરમાં ૩૨ મતબૂથની રચના કરાઇ હતી.

મારું સૌભાગ્યઃ વડા પ્રધાન

રાષ્ટ્રપતિની ચૂંટણીને ઐતિહાસિક ગણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોવિંદ પૂર્વ પીએમ મોરારજી દેસાઇના સહાયક હતા. હવે મને તેમના સહાયક બનવાની તક મળશે. તેમની સાથે કામ કરવું મારું સૌભાગ્ય હશે. કોવિંદને મારી શુભેચ્છા.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી મતદાન માટે નિયત સમય કરતાં ૧૦ મિનિટ પહેલાં સંસદ ભવન પહોંચી ગયા હતા.

વિદેશી મીડિયામાં ચૂંટણી

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની નોંધ વિદેશી અખબાર-ચેનલ-સામયિકોએ લીધી હતી.
• બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું હતું કે ભારતમાં સૌથી પછાત ગણાતી જ્ઞાાતિમાંથી આગામી રાષ્ટ્રપતિ બનશે. સાથે સાથે અખબારે ભારતમાં જ્ઞાાતિવાદના પ્રશ્નને ગંભીર પણ ગણાવ્યો હતો.
• અમેરિકી સામયિક ન્યૂઝવીકે લખ્યું હતું કે રામનાથ કોવિંદના મૂળિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હોવાથી તેમની પસંદગી સત્તાધારી ભાજપને મજબૂતી અપાવશે.
• બ્રિટનના અખબાર ધ ઈન્ડિપેન્ડન્ટે લખ્યું હતું કે ભારતમાં એક સમયે અછૂત ગણાતી જ્ઞાતિના ઉમેદવાર રાષ્ટ્રપતિ બને એવી સંભાવના છે.
• મધ્ય એશિયાઈ ન્યુઝ ચેનલ અલ-ઝઝીરાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતમાં ચૂંટણીના મુદ્દે ગૂંચવાડો થાય ત્યારે રાષ્ટ્રપતિનો રોલ મહત્ત્વનો બની જતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter