નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેસ સહિત જી-20 દેશોના નેતાઓએ રવિવારે સવારે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જી-20 સમૂહના નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જી-20ના નેતાઓને ‘અંગવસ્ત્ર’ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન, પૃષ્ઠભૂમિમાં ગુજરાતના સાબરમતી આશ્રમનું ચિત્ર દેખાઈ રહ્યું હતું. સાબરમતી આશ્રમ 1917થી 1930 સુધી મહાત્મા ગાંધી સુધી નિવાસસ્થાન હતો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં સામેલ હતો. વડાપ્રધાન મોદી જી-20 નેતાઓને સાબરમતી આશ્રમનું મહત્વ જણાવતા સમજાવતા જોવા મળ્યા હતા.
જી-20 નેતાઓએ મહાત્મા ગાંધીની સમાધિ ફરતે ઊભા રહીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન, મોદી અને સુનાક સહિત કેટલાક નેતાઓ ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા, જ્યારે અન્ય નેતાઓ સફેદ જૂતા પહેરીને રાજઘાટ આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘રાજઘાટ પર જી-20 પરિવારે શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો આખા વિશ્વમાં ગૂંજી રહ્યા છે.’ મોદીએ એક્સ પર એક વીડિયો પણ શેયર કર્યો, જેમાં નેતાઓને ‘લીડર્સ લાઉંજ’માં ‘શાંતિ દિવાલ’ પર હસ્તાક્ષર કરતા જોઈ શકાય છે.
ત્રણ મહાનુભાવો ભારતવંશી
જી-20 શિખર સંમેલનમાં ભાગ લેનારા મહાનુભાવોમાં ત્રણ દિગ્ગજ ભારતીય મૂળના છે. જેમાં, બિટનના વડાપ્રધાન ઋષિ સુનાક, મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગાનો સમાવેશ થાય છે. સુનાક 1980માં બ્રિટનના સાઉથમ્પટનમાં જન્મ્યા છે. માતાનું નામ ઉષા અને પિતાનું નામ યશવીર સુનાક છે. સુનાકનાં દાદા-દાદી બ્રિટિશ શાસન વખતે ભારતમાં જન્મ્યાં હતાં. તેમનું જન્મસ્થાન હાલના પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં ગુજરાંવાલા છે. તેમનાં દાદા-દાદી પંજાબથી પૂર્વ આફ્રિકા અને ત્યાંથી ઇંગ્લેન્ડ શિફ્ટ થયાં હતાં. સુનાકનાં પત્ની અક્ષતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં પુત્રી છે. મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ હિન્દુ આહીર પરિવારના છે. અનિરુદ્ધના દાદા 1870ના દાયકામાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાથી મોરિશિયસ ગયા હતા. એપ્રિલ 2020માં વડાપ્રધાન જગન્નાથે પિતા અનિરુદ્ધ જગન્નાથનાં અસ્થિઓનું વિસર્જન વારાણસીમાં કર્યું હતું. વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા ભારતીય અમેરિકન છે અન પંજાબના વતની છે.