રાહુલ ગાંધીની ‘જલ્સા પાર્ટી’

Thursday 05th May 2022 07:53 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી નેપાળની હાઇફાઇ નાઇટ ક્લબમાં પાર્ટી એન્જોય કરતા હોવાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા એક વીડિયોએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી છે. આ વીડિયો વાઇરલ થતાં જ જાત જાતની પ્રતિક્રિયા આવી રહી છે. લોકો અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસ પણ આ મુદ્દે આમનેસામને આવી ગયા છે. વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધી ફોનમાં કંઇક કરી રહ્યા હોવાનું તેમજ બાજુમાં ઊભેલી એક યુવતી સાથે વાત કરી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ યુવતી નેપાળ ખાતેના ચીનના રાજદૂત હોઉ યાન્કી હોવાનું કહેવાય છે.

નેપાળના જાણીતા અખબાર ‘કાઠમંડુ પોસ્ટ’ પ્રમાણે, રાહુલ ગાંધી એક પત્રકાર મિત્ર સુમનિમા ઉદાસના લગ્ન સમારોહમાં હાજરી આપવા કાઠમંડુ આવ્યા છે. સુમનિમા નેપાળના મ્યાનમાર ખાતેના રાજદૂતના પુત્રી છે. સુમનિમાના પિતા ભીમ ઉદાસે જણાવ્યું હતું કે તેમની પુત્રીના લગ્ન નીમા માર્ટિન શેરપા સાથે થવાના છે અને તેમનું રિસેપ્શન પાંચમી મેના રોજ હયાત રિજન્સી બુદ્ધામાં થવાનું છે. જોકે રાહુલ જે મહિલા મિત્રના લગ્નમાં કાઠમંડુ પહોંચ્યા છે તે સુમનિમા ઉદાસે એક સમયે નેપાળના વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કરતા કહ્યું હતું કે આ ઘણા દશકા પહેલાં થઈ જવાની જરૂર હતી. રાહુલ ગાંધી સોમવારે સવારે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા પછી તેમના ત્રણ મિત્રો સાથે મેરિયટ હોટલમાં રોકાયા છે.

નેપાળની બેસ્ટ નાઇટ ક્લબ
રિપોર્ટ્સ અનુસાર, કાઠમંડુના રહેવાસી ભૂપેન કુંવરે બીજી-ત્રીજી મેની રાત્રે ફેસબુક પર આ બંને વીડિયો શેર કર્યા હતા. વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધી પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે. બીજા વીડિયોમાં તેઓ એક યુવતીની સાથે ઊભા છે, જે ચીનની રાજદૂત હોઉ યાન્કી હોવાનું કહેવાય છે. ભૂપેને એમ પણ લખ્યું હતું કે આ નેપાળની સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઈટ ક્લબ LOD એટલે કે Lord of the Drinks છે.

મુલાકાત ઔપચારિકઃ નેપાળ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે નેપાળ સરકારને રાહુલ ગાંધીના પ્રવાસ અંગે માહિતી નથી. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીની મુલાકાત ઔપચારિક ન હોવાથી તેમને કોઈ જાણકારી નથી. રાહુલ ગાંધી અત્યારે સરકારમાં નથી એટલે વિદેશ યાત્રા પહેલાં તેમની યાત્રા વિષે જાણકારી આપવી જરૂરી નથી. નેપાળની પોલીસને પણ રાહુલ ગાંધીની મુલાકાત વિષે કોઈ જાણકારી નથી. નેપાળ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી એક ખાનગી મુલાકાત માટે આવ્યા હોવા સિવાય અમને અન્ય કોઈ જાણકારી નથી. નેપાળી અધિકારીઓના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીની કોઈ નેતા કે સરકારી અધિકારીઓને મળવાની કોઈ યોજના નથી.

ભાજપના આકરા સવાલ
વીડિયો વાઇરલ થતાં જ ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રાહુલનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે વેકેશન, પાર્ટી, પ્લેઝર ટ્રિપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે બાબતો હવે દેશ માટે કોઈ નવી વાત નથી. ભાજપના સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયએ ટ્વિટ કર્યું છે કે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. જ્યારે જ્યારે તેમની પાર્ટી મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ નાઈટ ક્લબમાં હોય છે. ભાજપના અન્ય નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યું હતું કે આ રાહુલ ગાંધીના અંગત જીવનનો સવાલ નથી. તેમણે ટ્વિટમાં પૂછ્યું છે કે રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચીનના એજન્ટો સાથે છે? શું રાહુલ ગાંધી સેના વિરુદ્ધ ટ્વિટ કરે છે તે ચીનના દબાણમાં આવીને કરે છે? સવાલ તો પુછાશે! સવાલ રાહુલ ગાંધીનો નહીં, દેશનો છે.

કોંગ્રેસનો મોડો મોડો જવાબ
આ વીડિયો ચર્ચાસ્પદ બન્યો તેના કલાકો સુધી કોંગ્રેસ અથવા રાહુલ ગાંધીનું કોઈ રિએક્શન આવ્યું નહોતું. અંતે પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક મિત્રના મેરેજમાં ગયા છે. તે એક જર્નાલિસ્ટ છે. મિત્રો-પરિવારનું હોવું અને લગ્નોમાં હાજરી આપવી એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. લગ્નમાં હાજરી આપવી હવે આ દેશમાં ક્રાઈમ ના ગણી શકાય. શક્ય છે કે, હવે બીજેપી એવું પણ નક્કી કરે કે, લગ્નમાં જવું ગેરકાયદે છે અને મિત્રો બનાવવા ગુનો છે.

કોણ છે પત્રકાર સુમનિમા ઉદાસ?
સુમનિમા ઉદાસે અમેરિકાની Lee યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે. તે સીએનએન ઈન્ટરનેશનલમાં રિપોર્ટર-એન્કર તરીકે પણ કામ કરી ચૂકી છે. તેણે રાજકીય, આર્થિક-સામાજિક, પર્યાવરણ અને ઘણા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કર્યું છે. દિલ્હી ગેંગરેપ કેસમાં પણ સુમોનિમાએ રિપોર્ટિંગ કર્યું હતું. સુમનિમાએ જર્નાલિઝમ ક્ષેત્રે ઘણા અવોર્ડ પણ જીત્યા છે. તેણે 2014માં જર્નાલિસ્ટ ઓફ ધી યરનો અવોર્ડ પણ મેળવ્યો છે. આ સિવાય સુમનિમાને સીને ગોલ્ડન ઈગલ અવોર્ડથી પણ નવાજવામાં આવી છે. હાલ સુમનિમા લુંબિની મ્યુઝિયમ ઇનિશ્યેટિવની ફાઉન્ડર અને એક્ઝક્યુટિવ ડિરેક્ટર છે.
સુમનિમાએ 2 વર્ષ પહેલાં મે 2020માં નેપાળના જાહેર કરાયેલા વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કર્યાં હતાં. 22 મે 2020ના રોજ પોતાની પોસ્ટમાં સીએનએનના એક ન્યૂઝની લિંક શેર કરીને સુમનિમાએ લખ્યું હતું કે નેપાળે નવો નક્શો જાહેર કર્યો છે. આ દશકાઓ પહેલાં કરી દેવાની જરૂર હતી.
નેપાળે 2020માં જાહેર કરેલા વિવાદાસ્પદ નક્શામાં ભારતીય જમીનનો અમુક હિસ્સો નેપાળમાં દર્શાવાયો હતો. નક્શામાં ભારતની સીમા સાથે જોડાયેલા લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પર નેપાળે દાવો કર્યો હતો. જ્યારે ભારતીય નક્શામાં આ વિસ્તારો ઉત્તરાખંડમાં આવે છે. ભારત માટે આ વિસ્તારો ઘણાં મહત્ત્વના છે અને તેથી ભારતે નેપાળના આ નક્શાનો વિરોધ પણ કર્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર 2020માં ભારતના સખત વિરોધ પછી નેપાળ સરકારે વિવાદાસ્પદ નક્શાનું વિતરણ બંધ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter