રાહુલનું કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુંઃ ચૂંટણીમાં હાર મારી જવાબદારી

Thursday 04th July 2019 06:01 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર પર ચાર પાનાના પત્ર સાથે જાહેરાત કરી છે કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે અને હવેથી તેઓ અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પક્ષના હવે પછીના અધ્યક્ષ કોણ હશે તેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી) કરશે. પક્ષે વિલંબ વગર નવા અધ્યક્ષની ચૂંટણી કરી લેવી જોઈએ. હું આ પ્રક્રિયામાં ક્યાંય પણ નથી. હું પહેલાં પણ રાજીનામું આપી ચૂક્યો છું અને હવે હું પાર્ટી અધ્યક્ષ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જેટલી જલદીથી શક્ય હોય તેટલી વહેલી બેઠક બોલાવવી જોઈએ અને ફેંસલો લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સુશીલ શિંદે, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગેના નામ સૌથી મોખરે ચાલે છે.
પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ પાંચમી જુલાઇએ માતા સોનિયા ગાંધી સાથે અમેરિકા જઈ રહ્યાં છે. જ્યારે પ્રિયંકા ગાંધી પહેલેથી જ અમેરિકામાં છે. આમ રાહુલ, સોનિયા અને પ્રિયંકા પાંચમી જુલાઈએ યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની સંભવિત બેઠકમાં હાજર નહીં રહે. સૂત્રોએ એવું જણાવ્યું હતું કે સોનિયાના રૂટિન ચેકઅપ માટે તેઓ અમેરિકા જઈ રહ્યાં છે.

અધ્યક્ષ પદ સૌથી મોટું સન્માન...

રાહુલે ત્રીજી જુલાઇએ જારી કરેલા ચાર પાનના પત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કામ કરવું મારા માટે સૌથી મોટું સન્માન છે. ૨૦૧૯ની ચૂંટણીમાં મળેલી હાર માટે હું જવાબદાર છું. અમારી પક્ષના ભવિષ્ય માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે. આ જ કારણસર મેં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષને ફરી વાર બેઠો કરવા માટે આકરા નિર્ણયો તેમ જ ૨૦૧૯ની હાર માટે ઘણા લોકોને જવાબદાર ઠેરવવાની જરૂર છે. પક્ષમાં મારા ઘણા સહયોગીઓએ સૂચન કર્યું કે મારે હવે પછીના પક્ષના અધ્યક્ષને નોમિનેટ કરવા જોઈએ. જોકે જરૂરી એ છે કે કોઈ નવા વ્યક્તિ અમારા પક્ષનું નેતૃત્વ કરે. આથી મારા થકી તે વ્યક્તિની પસંદગી કરવી બરાબર નહીં ગણાય. મને ગળા સુધી ખાતરી છે કે પક્ષ એ અંગે યોગ્ય નિર્ણય લેશે કે આગામી અધ્યક્ષ કોણ હશે.

ભાજપ માટે નફરત નથીઃ તેમણે પત્રમાં વધુમાં લખ્યું હતું કે મારી લડાઈ ક્યારેય પણ સત્તા માટે રહી નથી. મારા મનમાં ભાજપની સામે કોઈ નફરત નથી, પરંતુ મારા શરીરનું એક-એક રોમ-રોમ ભાજપનો વિરોધ કરે છે. આ આજકાલની લડાઈ નથી. વરસોથી ચાલી આવે છે. તેઓ ભિન્નતા જુએ છે જ્યારે હું સમાનતા જોઉં છું. તેઓ નફરત જુએ છે, હું પ્રેમ જોઉં છું. હું કોઈ પણ રીતે આ યુદ્ધમાંથી પાછળ હટતો નથી. હું કોંગ્રેસ પક્ષનો સાચો સિપાઈ, ભારતનો સર્મિપત પુત્ર છું અને અંતિમ શ્વાસ સુધી ભારતની સેવા અને રક્ષા કરતો રહીશ.

મોતીલાલ કાર્યકારી અધ્યક્ષ

રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના મોતીલાલ વોરાને પક્ષના વચગાળાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યાં છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર નવા અધ્યક્ષની નિયુક્તિ સુધી વોરા આ કાર્યભાર સંભાળશે. મોતીલાલ વોરા મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના એકદમ નજીકના નેતા છે. રાજ્યસભા સાંસદ મોતીલાલ વોરા હાલમાં કોંગ્રેસના મહાસચિવ છે.

કોંગ્રેસ પાસે હવે વિકલ્પ શું?

પક્ષના અધ્યક્ષ પદેથી રાહુલના રાજીનામા બાદ હવે સવાલ એ ઊઠયો છે કે કોંગ્રેસની પાસે શું વિકલ્પ છે. કોંગ્રેસ હવે સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલની અધ્યક્ષતામાં વર્કિંગ કમિટીની બેઠક બોલાવશે. બેઠકમાં રાહુલનું રાજીનામું સ્વીકારવું કે નહીં તેની પર ચર્ચા થશે. નવા અધ્યક્ષ અથવા તો વચગાળાના અધ્યક્ષના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત સામૂહિક નેતૃત્વનો વિકલ્પ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter