નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં આઇટી સહિત અનેકવિધ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા વિપ્રો ગ્રૂપના ચેરમેન અઝીમ પ્રેમજીએ અનોખી સિદ્ધિ મેળવી છે. એક સમયે કચ્છમાં વસતા આ ગુજરાતીએ ૫૨,૭૫૦ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરીને ‘ભારતના સૌથી મોટા દાનવીર’નું બહુમાન મેળવ્યું છે. અઝીમ પ્રેમજીએ અત્યાર સુધીમાં કુલ ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના દાનમાંથી અનેકવિધ સામાજિક સેવાકાર્યો ચાલે છે. અઝીમ પ્રેમજીએ ૩૪ ટકા રકમ દાનમાં આપી તે સાથે વિપ્રોમાંથી તેમણે દાનમાં આપેલી સંપત્તિનો હિસ્સો ૬૭ ટકા થવા જાય છે.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન તરફથી છેલ્લાં પાંચ વર્ષમાં જ ૧૫૦થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓને આર્થિક સહાય મળી છે. એટલું જ નહીં, દેશભરમાં વિવિધ રાજ્યોની અનેક સંસ્થાઓને પણ ફાઉન્ડેશને આર્થિક સહયોગ આપ્યો છે. આમાં શિક્ષણ પદ્ધતિ વધુ બહેતર બનાવવાથી માંડીને નવા સંશોધનો માટે પ્રોત્સાહક માહોલ ઉભો કરવા સુધીની બાબત સામેલ છે. ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગણ, મધ્ય પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે.
‘રાઇસ કિંગ’ બન્યા ‘મોહમ્મદ શેઠ’
પ્રેમજી પરિવારનો બર્મામાં (હાલના મ્યાંમારમાં) ચોખાનો ધમધમતો વેપાર હતો. વ્યવસાય એટલો વિશાળ હતો કે પરિવાર ‘બર્માના રાઇસ કિંગ’ તરીકે ઓળખાતો હતો. પછી અગમ્ય કારણોથી પરિવાર ભારતમાં ગુજરાતના કચ્છમાં આવીને વસ્યો. અહીં પણ ચોખાનો વેપાર શરૂ કર્યો. વેપાર સારો થવા લાગ્યો. ૧૯૪૫ સુધીમાં તો અઝીમ પ્રેમજીના પિતા એમ. એચ. પ્રેમજી ભારતના ચોખાના અગ્રણી વેપારી બની ચૂક્યા હતા.
જોકે આ દરમિયાન અંગ્રેજોએ કેટલીક નવી નીતિઓ લાગુ કરી દીધી અને એમ. એચ. વેપાર બદલવા મજબૂર થઈ ગયા. તેમણે વનસ્પતિ ઘીનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. આમ ૨૯ ડિસેમ્બર ૧૯૪૫ના રોજ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની અસ્તિત્વમાં આવી, જે બાદમાં ‘વિપ્રો’ના નામથી ઓળખાઈ.
૧૯૪૬માં મુંબઈથી ૪૦૦ કિલોમીટર દૂર અમલનેર ગામમાં વનસ્પતિ ઘી બનાવવાનું કારખાનું શરૂ કર્યું. બે જ વર્ષમાં કંપની પબ્લિક લિમિટેડ બની ગઈ. એમ.એચ. પ્રેમજી અમલનેર ગામના લોકો સાથે ઘણો ગાઢ નાતો ધરાવતા હતા. આથી તેમણે કંપનીના ઘણા શેર ગામવાળાને મફતમાં વહેંચ્યા. એટલું જ નહીં, તેમણે પોતાના કારખાનામાં સ્થાનિક ખેડૂતોને ઉપજના સારા ભાવ આપ્યા. અનેક નાના વેપારીઓને પણ તેમની કંપનીથી ભરપૂર ફાયદો થયો. પ્રેમજીની સદભાવનાને જોતા ગામવાળા તેમને સન્માનથી ‘મોહમ્મદ શેઠ’ કહેવા લાગ્યા. થોડાક સમયમાં તો એમ. એચ. પ્રેમજીનું નામ દેશના સૌથી મોટા વેપારીઓની યાદીમાં સામેલ થઈ ગયું.
ઝીણાનું આમંત્રણ નકાર્યું
૧૯૪૭માં જ્યારે ભારત-પાકિસ્તાનના વિભાજનનો સમય આવ્યો તો મોહમ્મદ અલી ઝીણાએ તેમને પાકિસ્તાનમાં વસવાટ કરવા વિનંતી કરી. તેઓ પ્રેમજીને પાકિસ્તાનના નાણાં પ્રધાન બનાવવા માગતા હતા. જોકે પ્રેમજીએ એ દરખાસ્ત બહુ નમ્રતાપૂર્વક નકારીને ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો.
ટ્રંક કોલે બદલ્યું અઝીમનું જીવન
સમયાંતરે પ્રેમજીએ પુત્ર અઝીમને અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મોકલ્યો. જોકે સ્ટેનફોર્ડમાં ભણી રહેલા યુવાન અઝીમ પ્રેમજીને ખબર નહોતી કે એક ટ્રંક કોલ તેનું જીવન ધરમૂળથી બદલી નાંખવાનો છે. ૧૧ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ એક ટેલિફોન કોલ ભારતથી આવ્યો. તે સમયમાં મોટા ભાગે ટ્રંક કોલ્સ આંચકાજનક સમાચારો લાવતા હતા. એવું જ થયું. ફોન પર બીજા છેડે તેમના માતા ગુલબાનુ હતાં, જેમણે તેમને પિતાના નિધનના સમાચાર આપ્યા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. જ્યારે કંઈક સ્થિર થયા તો અઝીમને જણાવાયું કે હવે કંપનીની કમાન તેણે જ સંભાળવાની છે. આ જ પિતાની અંતિમ ઇચ્છા હતી અને સમયની માગ પણ છે.
આજે ૧૧૦ દેશોમાં બિઝનેસ
અઝીમ પ્રેમજીએ કંપનીનું સુકાન સંભાળ્યું ત્યારે કામનો અનુભવ તો છોડો જીવનનો પણ કોઈ અનુભવ નહોતો. જોકે યુવાન અઝીમ પ્રેમજીએ પિતાની ઇચ્છા, નિર્ણયને વાજબી ઠેરવ્યો. મહારાષ્ટ્રના નાનકડા ગામ અમલનેરથી શરૂ થયેલી આ કંપનીએ વિદેશ સુધી પહોંચાડી. ૧૯૬૫માં જ કંપનીની વાસ્તવિક કિંમત લગભગ ૭ કરોડ રૂપિયા હતી. આજે ૧૧૦ દેશોમાં તેનો બિઝનેસ ધમધમે છે.
વર્ષ ૧૯૪૫માં કંપનીની સ્થાપના થઈ તો તેનું નામ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ હતું. પછી કંપની બીજી ચીજવસ્તુઓનું પણ ઉત્પાદન પણ કરવા લાગી તો તેમાંથી વેજિટેબલ શબ્દ હટાવી દેવાયો. આ પછી પ્રેમજીએ કંપની સંભાળી તો તેમને નાનું નામ જોઈતું હતું તેથી તેમણે વેસ્ટર્નમાંથી W, ઇન્ડિયામાંથી I અને ઉત્પાદનમાંથી Pro શબ્દોની પસંદગી કરી અને નવું નામ અપનાવ્યું Wipro.
૨૦૧૭-૧૮માં વિપ્રો ગ્રૂપના સંપૂર્ણ બિઝનેસમાં ૯૬.૭ ટકા યોગદાન આઇટી સેગમેન્ટમાંથી આવ્યું હતું. ૨૦૦૦માં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું. ૨૦૦૨માં ISO ૧૪૦૦૧ સર્ટિફિકેશનવાળી ભારતની પહેલી સોફ્ટવેર કંપની બની. વિપ્રો ગ્રૂપ આઇટી સિવાય પર્સનલ કેર, હેલ્થકેર, લાઇટિંગ, ફાર્મા બિઝનેસમાં પણ સક્રિય છે.
• વિપ્રોનો આઇટી બિઝનેસ ૧૧૦ દેશોમાં ફેલાયેલો છે. • વિશ્વભરમાં ફેલાયેલા વિપ્રો ગ્રૂપની કંપનીઓમાં ૧.૬૩ લાખથી વધુ કર્મચારી કામ કરે છે. • વિપ્રોના કર્મચારીઓમાં ૩૫ ટકા મહિલા છે. • વિપ્રોમાં ૭૪ ટકા ભાગીદારી અઝીમ પ્રેમજી સહિતના પ્રમોટર ગ્રૂપની છે.
અઝીમ પ્રેમજીના વ્યક્તિત્વ દર્શાવતા કેટલાક કિસ્સા
• સમાનતાઃ એક વાર વિપ્રોના કર્મચારીએ તેની કાર એવા સ્થળે પાર્ક કરી દીધી જ્યાં અઝીમ પ્રેમજી તેમની કાર પાર્ક કરતા હતા. અધિકારીઓને ખબર પડી તો સર્ક્યુલર જારી કરાયો કે ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી એ ચોક્કસ જગ્યાએ ગાડી ઊભી નહીં રાખે. અઝીમ પ્રેમજીએ આ સર્ક્યુલર વાંચ્યો તો જવાબ મોકલ્યોઃ ખાલી જગ્યામાં કોઇ પણ વ્યક્તિ વાહન પાર્ક કરી શકે છે. જો મારે તે જગ્યા જોઈતી હોય તો બીજા કરતાં પહેલા ઓફિસે પહોંચવું પડશે.
• સાદગીઃ અઝીમ કંપનીના કામથી બહાર જાય છે તો હંમેશા ઓફિસ ગેસ્ટહાઉસમાં જ રોકાય છે. એટલું જ નહીં પ્રેમજી ઇકોનોમી ક્લાસમાં સફર કરે છે. ઘરેથી ઓફિસ કે એરપોર્ટથી ઘરે જતી વખતે જો ટેક્સી ના મળે તો ઓટો રીક્ષાથી જતાં ખચકાતા નથી.
વિપ્રોની ડબ્લ્યુઇપી સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર રામ નારાયણ અગ્રવાલ ૧૯૭૭માં વિપ્રો સાથે જોડાયા. આ પૂર્વે તેઓ સવારે સાત વાગ્યે ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા તો એક યુવક આવ્યો અને ઓફિસ ખોલવા લાગ્યો. તેમને લાગ્યું કે આ ઓફિસ એડમિનિસ્ટ્રેશનની વ્યક્તિ છે. થોડીક વાર પછી ઇન્ટરવ્યુ માટે તેમને બોલાવતાં એ યુવકે પરિચય આપતા કહ્યું, ‘હું અઝીમ પ્રેમજી છું...’ ઇન્ટરવ્યુ ૧૨ કલાક ચાલ્યો.
• કાર્યનિષ્ઠાઃ અઝીમ પ્રેમજીને કંપનીની જવાબદારી સંભાળ્યાના શરૂઆતના દિવસોમાં જ ખબર પડી કે ગરમીના દિવસોમાં કંપનીનું ઉત્પાદન ઘટી જાય છે કેમ કે અમલનેરની ગરમીમાં દિવસભર ઊભા રહેવું મુશ્કેલ છે. અઝીમ પ્રેમજીએ કાળઝાળ ગરમીમાં ત્રણ મહિના ત્યાં રહીને કામ કર્યું. સમસ્યા સમજ્યા અને તેનું સમાધાન કર્યું.
• પ્રામાણિક્તાઃ ૧૯૮૭માં વિપ્રોએ તેમના ટુમકુર (કર્ણાટક) કારખાના માટે વીજળીના કનેકશન માટે અરજી કરી. કર્મચારીએ તેના માટે ૧ લાખ રૂપિયા લાંચ માગી. જ્યારે અઝીમ પ્રેમજીને ખબર પડી તો તેમણે લાંચ આપીને કામ કરાવવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે નિયમથી સપ્લાય નહીં મળે તો અમે વીજળી પેદા કરી લઈશું. વિપ્રોએ જનરેટરથી કામ ચલાવ્યું. જોકે લગભગ ૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
• અડગતાઃ અઝીમ પ્રેમજી જ્યારે વિપ્રો જૂથના ચેરમેન બન્યા ત્યારે માત્ર ૨૧ વર્ષના હતા. તેમની કંપનીના એક શેરધારક કરણ વાડિયાએ શેરધારકોની બેઠકમાં તેમની ઓછી વયને મુદ્દો ન બનાવવા બદલામાં અપ્રત્યક્ષરૂપે લાંચ માગી. જોકે અઝીમ પ્રેમજી તેમની સામે ક્યારેય નમ્યા નહીં.
• પરોપકારીઃ વિપ્રો કંપની શરૂ થયાના બીજા જ વર્ષે પબ્લિક લિમિટેડ બની ગઈ હતી. તે સમયે વિપ્રોના ૧૭ હજાર શેર ૧૦૦ રૂપિયા પ્રતિ શેરના ભાવે જારી કરાયા હતા. અડધા શેર સામાન્ય પ્રજાએ ખરીદ્યા જેમાં મોટા ભાગના લોકો અમલનેર ગામના હતા. કેટલાક લોકો ગરીબ હતા. તેમને શેર ખરીદવાનું પોસાય તેમ નહોતું તો વિપ્રોએ તેમને ભેટસ્વરૂપે શેર આપીને કંપનીની વિકાસયાત્રામાં સામેલ કર્યા. અનેક સ્થાનિકોને નોકરીઓ પણ આપી.