તિરુવનંતપુરમ્ઃ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં છેલ્લા કેટલાક સમયથી એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકાર્યો સાથે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તો બીજી તરફ આ પરિવર્તનકારી પગલાં સામે સ્થાનિક પ્રજાજનોની નારાજગીના નામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
દસકાઓથી કેન્દ્ર સરકારની ઉપેક્ષાનો ભોગ બનતા રહેલા લક્ષદ્વીપને પડોશી ટુરિઝમ ડેસ્ટિનેશન માલદિવ્સ જેવું જ નમૂનેદાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે માળખાગત સુવિધાઓથી માંડીને વહીવટી ક્ષેત્રે સુધારણા માટે પગલાં લેવાનું શરૂ થયું છે, પણ લોકોમાં આ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તે છે.
૯૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા આ દ્વીપના લોકો માને છે કે સુધારાથી તેમની આગવી ઓળખસમાન પરંપરાગત જીવનશૈલીથી માંડીને અસ્તિત્વ પર ખતરો સર્જાયો છે.
લક્ષદ્વીપમાં છેલ્લા કેટલાક દિવસથી બીફ પર પ્રતિબંધ, બેથી સંતાન ધરાવતા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ, કારણ જણાવ્યા વિના ધરપકડની જોગવાઇ ધરાવતો ગુંડા ધારો, ભૂમિ સંપાદન સંબંધિત નિયમોમાં ફેરબદલ સહિત એક પછી એક પગલાં લેવાઇ રહ્યા છે. એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ માને છે કે લક્ષદ્વીપના વિકાસ માટે આ પરિવર્તન જરૂરી છે. નવા નિયમો અમલમાં આવતા લક્ષદ્વીપનો જગવિખ્યાત માલદિવ્સની જેમ વિકાસ કરાશે અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે સ્થાનિક લોકો કહે છે કે આવા બધા ફેરફારોથી તેમના અસ્તિત્વ સામે સવાલ ઊભા થઇ જશે.
એન્ડ્રોટ ટાપુના નિવાસી એમ. એચ. સૈયદ કહે છે કે આ દ્વીપમાં માણસો સાતમી સદીના પ્રારંભથી વસવાટ કરે છે. જીવનનિર્વાહ માટે માછલી પકડવાનો અને નાળિયેરની ખેતીનો વ્યવસાય કરે છે. નવા પરિવર્તનથી તેમના કામને અસર થઇ છે. તેમને માછલી પકડવા, નૌકા અને જાળ રાખવાથી વંચિત રખાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પ્રફુલ પટેલને ૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. આ પછી તેમણે પહેલું જે મોટું પરિવર્તન કર્યું તે કોરોના અંગે હતું. કોચીથી અહીં આવનારે પહેલાં ૮ દિવસ ક્વોરેન્ટાઇન થવું પડતું હતું. તેને બદલીને ૪૮ કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ દર્શાવવાનો નિયમ કરાયો. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તેનાથી અહીં કોવિડ દર્દીની સંખ્યા ઝડપથી વધી.
આ પછી ચાલુ વર્ષે ૨૯ જાન્યુઆરીએ એન્ટી-સોશિયલ એક્ટિવિટી રેગ્યુલેશન ડ્રાફ્ટ રજૂ કરાયો. આ કાયદા હેઠળ કોઇ પણ વ્યક્તિને એક વર્ષ સુધી ટ્રાયલ કસ્ટડીમાં રાખવાની જોગવાઇ છે. આ પછી ૨૫ ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પાડ્યું. બીફ પર પ્રતિબંધ મૂકાયો. અહીં ૯૬ ટકા વસ્તી મુસ્લિમની છે.
લક્ષદ્વીપના લોકસભાના સાંસદ પી. પી. મોહમ્મદ ફૈઝલ કહે છે કે સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં નોનવેજ પર પ્રતિબંધ મૂકાયો. હવે પશુવધ, વેચાણ અને બીફ ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પહેલાં દારૂ વેચવા પર પ્રતિબંધ હતો. હવે પર્યટનના નામે પરમિટ અપાય છે. પંચાયત અધિનિયમ હેઠળ શિક્ષણ, આરોગ્ય, મત્સ્યપાલન જેવા ક્ષેત્રમાં સ્થાનિક લોકોનો અધિકાર ઓછો કરવાની જોગવાઇ કરાઇ છે. આથી ગ્રામ પંચાયતની આર્થિક, વહીવટી અને રાજકીય તાકાત ખતમ થઇ જશે.
૨૮ માર્ચે જાહેર કરાયેલા ડ્રાફ્ટ અનુસાર વહીવટી વિકાસ કાર્યો માટે કોઇ જગ્યાને પ્લાનિંગ એરિયા તરીકે જાહેર કરી શકાય. તે કોઇ પણ સંપત્તિ હટાવવા, સ્થાનાતંરિત કરવા સંપાદન અને નિયંત્રણનો અધિકાર આપે છે. તેનો હેતુ ખનન, હાઇવેનું નિર્માણ, રેલવે, ટ્રામવે જેવા વિકાસ કાર્ય માટે કહેવાય છે.
જોકે ડર છે કે આવી અમર્યાદિત ગતિવિધિથી દ્વીપોની સ્થિતિ પર ખરાબ અસર પડશે. અહીં લાંબા સમયથી ભણાવતાં શિક્ષણશાસ્ત્રી સ્મિતા કુમાર કહે છે કે વહીવટદારનો હેતુ ખાનગી રોકાણ વધારી પર્યટન વધારવાનો છે, પણ સમુદ્રતટ પર નિર્માણ, મોટા જહાજોનું પરિવહન અને આડેધડ માછલી પકડવાથી સ્થાનિક સમુદાયની આજીવિકા પર દબાણ વધશે. સંવેદનશીલ દ્વીપમાં જવાબદાર પર્યટન જરૂરી છે.