નવી દિલ્હી: લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી લગ્ન પછી દગો સહન કરનારી યુવતીને સંરક્ષણ મળી શકશે. આ પ્રથમ કેન્દ્રીય કાયદો હશે તે ભારતીય નાગરિકતા ધરાવતા બધા ધર્મના એનઆઇઆર પર લાગુ પડશે. આ દૃષ્ટિએ નવો કાયદો સમાન નાગરિક સંહિતાની દિશામાં પ્રથમ પગલું છે. આ બિલ ગત વર્ષે ૧૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરાયું હતું. જેને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલાયું હતું. ચોથી ઓક્ટોબરે તેને ફરીથી સ્થાયી સમિતિ પાસે મોકલાયું હતું. તેની ભલામણોના આધારે નવું બિલ તૈયાર થયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં છેતરપિંડીના ૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં ૨૦૧૬માં ૧૫૧૦, ૨૦૧૭માં ૧૪૯૮, ૨૦૧૮માં ૧૨૯૯ અને ૨૦૧૯માં ૯૯૧ કેસ થયા છે. સમિતિએ આ કાયદાના દાયરામાં જમ્મુ-કાશ્મીરને પણ આવરી લેવાની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે કેમ કે આ રાજ્યમાં ગત ૪ વર્ષમાં એનઆઇઆર સાથે લગ્નમાં છેતરપિંડીની ૪૧ ફરિયાદો મળી છે.
મુખ્યત્વે આઠ પ્રકારે વિશ્વાસઘાત
વિદેશમાં ભારતીય લગ્ન બાદ મુખ્યત્વે આઠ પ્રકારે જીવનસાથીને દગો દેતા હોવાનું તપાસમાં જણાયું છે. જેમ કે, તેઓ • પત્ની ભારતમાં છોડી જાય છે. • લગ્ન રજિસ્ટ્રર્ડ ન કરાવી ગુમ થઇ જાય છે. • પત્નીને વિઝા મળતા નથી કેમ કે પતિ કહી દે છે તે વિવાહિત નથી. • લગ્ન પછી ખબર પડે છે કે પતિ પહેલાની વિવાહિત છે. • પતિ વિદેશ જતો રહે, સાસરિયામાં પત્નીને હેરાન કરાય.
• ઇમિગ્રેશનના સ્તર, આવક અને નોકરી વિશે જૂઠું બોલે છે. • પતિ વિદેશ લઇ જાય છે, પણ ત્યાં વિઝા એક્સપાયર થતાં આશ્રિત તરીકે પત્નીને વિઝા રિન્યૂ કરવાની છૂટ આપતો નથી. યુવતી ભારત પરત ફરવા મજબૂર થાય છે. • પત્ની જ્યારે ભારત પાછી ફરવા માગે છે તો બાળક સાથે આવવા દેતો નથી. પતિ બળજબરીપૂર્વક બાળક પોતાની પાસે રાખે છે.
હવે આ ફેરફાર થશે
• એનઆરઆઇને લગ્નની તારીખથી ૩૦ દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એવું ન કરતાં પાસપોર્ટ, યાત્રા દસ્તાવેજ કાં તો રોકાશે કાં જપ્ત થશે. • કોર્ટ વિદેશ મંત્રાલયની વેબસાઇટના માધ્યમથી વોરન્ટ ઇશ્યૂ કરશે. સ્થાવર-જંગમ મિલકતો જપ્ત થશે. ભાગેડું જાહેર કરાશે.