નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમયથી પ્રવર્તતો તણાવ લોહિયાળ સંઘર્ષમાં પરિણમ્યો છે. પૂર્વીય લદ્દાખ પ્રદેશ સાથે જોડાયેલી લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી) નજીક ગલવાન ઘાટીમાં સોમવારે મોડી રાત્રે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આ હિંસક અથડામણ થઇ હતી, જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે તો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ૪૩ ચીની સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતા.
લદાખ ક્ષેત્રમાં અચાનક સર્જાયેલી સ્ફોટક સ્થિતને થાળે પાડવા ભારત અને ચીનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે સરહદી ક્ષેત્રમાં મંત્રણાનો દૌર શરૂ થયો છે.
બીજી તરફ, નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહથી માંડીને વિદેશ પ્રધાન, ગૃહ પ્રધાન સાથે બેઠકો યોજીને સરહદી ક્ષેત્રમાં પ્રવર્તતી સ્થિતિનો તાગ મેળવ્યાના અહેવાલ છે. મંગળવારે દિવસ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ), ત્રણેય સેના પ્રમુખ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે દિવસભર બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો.
એક અહેવાલ અનુસાર, સરહદે તૈનાત ભારતની નાની ટુકડી પર ચીનના સૈન્ય જવાનોએ હુમલો કર્યો હતો. જોકે ભારતના જાંબાજ જવાનોએ ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો હતો, જેમાં ચીનના ૪૩ જવાનો માર્યા ગયા હતા. જોકે, ચીન આ સ્વીકારતું નથી અને હંમેશાની માફક આ મામલે જુઠ્ઠું બોલી રહ્યું છે.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી સરહદે વિવાદ ચાલે છે. જેનો ઉકેલ લાવવા ગત ૬ જૂનના રોજ લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વાતચીતમાં બન્ને દેશે વાતચીતથી વિવાદનો ઉકેલ મેળવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે ચીને ગલવાનમાં ફરી એક વખત ભારતને દગો આપ્યો હતો. ગલવાન વેલી એ જ વિસ્તાર છે જ્યાં ૧૯૬૨ના યુદ્ધમાં ૩૩ ભારતીયોના જીવ ગયા હતા.
ચીની સૈનિકોનો આક્રમક અભિગમ
જાણીતી સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૬ જૂનની જેમ જ ૧૫મીએ પણ ૧૬મી બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂએ ચીનના સૈનિકોને તેમની સીમામાં વધુ પાછા જવા કહ્યું હતું. કર્નલ બાબૂ શાંતિપૂર્વક વાતચીત કરી રહ્યા હતા, પણ તે સમયે ચીનના સૈનિકોએ ઉગ્ર ચર્ચા કરવાનું શરૂ કરી દીધું. વાતચીત દરમિયાન ચીનના સૈનિકોએ ભારતીય ટૂકડી પર દંડા, પથ્થર અને ધારદાર વસ્તુઓથી હુમલો કર્યો. ચીનના સૈનિકોનો ઉદ્દેશ ભારતીય દળને નુકસાન પહોંચાડવાનો હતો. આ ટકરાવમાં કર્નલ સંતોષ, હવાલદાર પાલાની અને સિપાહી કુંદન ઝા ઘટનાસ્થળે જ શહીદ શહીદ થયા હતાં.
કલાકો સુધી ચાલી અથડામણ
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગલવાન ઘાટીના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ નજીક વાતચીત થઈ રહી હતી. ત્યારે ભારતીય સેના પર હુમલો થયો હતો.
ભારતે પણ જવાબી કાર્યવાહી કરી, પણ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં હતા. ત્યાર બાદ ભારતીય સેનાની બીજી પાર્ટીને જાણ કરાતા તે આવી પહોંચી હતી. આ પછી બંને બાજુએ ભારે હિંસક અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં ચીનના ૪૩ સૈનિકની ખુવારી થઈ છે. જોકે, ચીન તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવ્યું નથી. બન્ને પક્ષે અનેક જવાન ગુમ પણ છે અને અનેક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને બાજુ સૈનિકોનો મોતનો આંકડો વધી શકે છે. આ અથડામણ આશરે ૩ કલાક ચાલી હતી.
ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
હિંસક અથડામણના આ ઘટનાક્રમ વચ્ચે ભારત-ચીન સરહદે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજધાની દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. લદ્દાખની હિંસક ઘટના બાદ ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતગાર કરવા તેમના સત્તાવાર નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતાં. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.
આ અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ એમ.એમ. નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે પણ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ પ્રધાને ઘર્ષણ બાદ સીમા પર પ્રવર્તમાન સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત રાજનાથ સિંહનાં ઘરે યોજાઇ હતી. લદ્દાખ ઘટનાને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે બેઠક કર્યા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખી આર્મી ચીફ જનરલ નરવણેએ પઠાણકોટની મુલાકાત પણ રદ્દ કરી હતી.
ચીની હેલિકોપ્ટર્સની મૂવમેન્ટ વધી
ગલવાન ઘાટીમાં ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હોવાના અહેવાલને ભારતીય સેનાએ સમર્થન આપ્યું છે. ભારતીય સેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતુંઃ ૧૫ અને ૧૬ જૂનની મોડી રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લાઈન ઓફ ડ્યૂટી પર ૧૭ ભારતીય જવાનોની ટુકડી ઘાયલ થઈ છે. જ્યારે ખુબ જ નીચું તાપમાન ધરાવતા આ વિસ્તારમાં આપણા દેશના જવાનો શહીદ થયા છે જેમની સંખ્યા ૨૦ છે.
ભારતીય સેના પોતાના દેશની અખંડતા અને સંપ્રભુતાને સુરક્ષીત રાખવા માટે સદૈવ પ્રતિબદ્ધ છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચીની સૈનિકોએ પીઠમાં ખંજર ભોંકવાની તેની આદત પ્રમાણે હુમલો કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ પણ ચીનને આકરો જવાબ વાળ્યો હતો. જેમાં ચીનના ૪૩ જવાનો માર્યા ગયા છે તો કેટલાક સૈનિકો ગંભીર રીતે ઘવાયા છે. આ ઘટના બાદ એલએસી નજીક કેટલાક ચીની હેલિકોપ્ટર ચકરાવા લેતા નજરે પડ્યા છે. આ હેલિકોપ્ટરોની ગતિધિતી ઘણી વધારે જોવા મળી હતી. એવું મનાય છે કે, ભારત સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા ચીની સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આ હેલિકોપ્ટર્સ આવ્યા હતા.
નુકસાન અંગે ચીનની ભારેખમ ચૂપકિદી
ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’ના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલા ટ્વીટમાં સ્પષ્ટતા કરાઈ છે કે ચીનના પક્ષે થયલા વાસ્તવિક નુકસાનને ગ્લોબલ ટાઇમ્સે રિપોર્ટ કર્યો જ નથી. ટ્વીટમાં અખબારે એવું પણ કહ્યું હતું કે ‘ગ્લોબલ ટાઇમ્સ’ આ મામલે નુકસાનની સંખ્યાની પુષ્ટિ કરી શકે એમ નથી.
જોકે ‘ગ્લોબલ ટાઇમ્સ’ના એડિટર હુ શીજીને ટ્વીટ કરીને આ ઘર્ષણમાં ચીનના પક્ષને પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. અલબત્ત, તેમણે ચીનને નબળું નહીં ગણવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તેણે ટ્વીટ કર્યું હતુંઃ ‘મને જે જાણવા મળ્યું છે એ અનુસાર ગલવાન ખીણમાં થયેલા શારીરિક ઘર્ષણમાં ચીનના પક્ષે પણ નુકસાન થયું છે. હું ભારતીય પક્ષને કહેવા માગીશ કે અહંકારી ન બનો અને ચીનના સંયમને નબળાઈ ન ગણો. ચીન ભારત સાથે સંઘર્ષ ઇચ્છતું નથી પણ અમે એનાથી ડરતાય નથી.’
‘ગ્લોબલ ટાઇમ્સ’ અનુસાર ચીનના વિદેશ પ્રધાને કહ્યું છે કે વર્તમાન વિવાદનો ઉકેલ વાતચીતના આધારે જ થશે અને આ માટે બન્ને દેશો તૈયાર થઈ ગયા છે. ચીનના વિદેશ પ્રધાનના મતે બન્ને રાષ્ટ્રો સરહદ પર શાંતિપૂર્ણ સ્થિતિ કાયમ રાખવા માટે તૈયાર થયાં છે.