લદ્દાખ સરહદે સેનાની પીછેકૂચ...

Wednesday 17th February 2021 01:56 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનાથી પ્રવર્તી રહેલા તણાવનો અંત નજીક આવતો જણાય છે. બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દે ભલે અસહમતી પ્રવર્તતી હોય, પણ વિવાદિત સરહદી ક્ષેત્રમાંથી પોતપોતાના સૈનિકોને પાછા હટાવી લેવાના મામલે ભારત-ચીન વચ્ચે સંમતિ સધાઇ છે, અને તેનો અમલ પણ શરૂ થઇ ગયો છે.
ભારતનો આક્રમક અભિગમ, વ્યાપક સંરક્ષણ તૈયારીઓ અને અમેરિકામાં સત્તાપલ્ટાએ સરહદી ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે ચીન પર દબાણ વધાર્યું હતું. આખરે ભારતનો વ્યૂહ સફળ થયો, અને ચીને લશ્કરી પીછેહઠ માટે સંમતિ દર્શાવવી પડી છે. એક તરફ, ચીન સાથેની સમજૂતીને ભારતનો કૂટનીતિક વિજય ગણાવાઇ રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષે મોદી સરકાર પર પસ્તાળ પાડતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. રાહુલ ગાંધીએ તો નરેન્દ્ર મોદીને ‘કાયર’ ગણાવતા કહ્યું હતું કે સરકારે ચીન સામે શરણાગતિ સ્વીકારી છે. જ્યારે સરકારનું કહેવું છે કે આ સમજૂતીમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે ભારતનો કોઇ હિસ્સો ચીનને સોંપાયો નથી.

સેના પાછી ખેંચવામાં ૨૦ દિવસ

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં પેંગોંગ લેક ખાતેથી સેના પાછી ખેંચવામાં ૨૦ દિવસ લાગશે. ચીને પણ સમજૂતી પ્રમાણે સેના પાછી ખેંચી છે તેવી ખાતરી થયા બાદ ભારતીય સેના કૈલાશ રેન્જ પરથી જવાનો પાછા બોલાવશે. સમજૂતીના પહેલા દિવસે પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પરથી ભારત અને ચીને તેમની ૧૦૦-૧૦૦ ટેન્ક પાછી ખેંચી હતી.

ભારતના મક્કમ પ્રતિકારનું ફળ

મે ૨૦૨૦માં લદ્દાખની ગલવાન ખીણ પાસે ચીની સૈન્યોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ભારતીય સૈન્યે જડબાતોડ જવાબ આપ્યો હતો. એ પછી ચીનના અક્કડ વલણનો જવાબ આપવા ભારતે સરહદે જંગી સૈન્ય ખડક્યું હતું. એમાં પણ ભારત-ચીન બંને દેશોમાં ફેલાયેલા પેંગોંગ સરોવરના કાંઠે તો બંને દેશની સેના કેટલાક મીટરના અંતરે જ હતી. સાથે સાથે ભારતે ટેન્ક જેવા ભારેખમ હથિયારો, ફાઈટર વિમાનો સરહદે તૈનાત કરી દીધા હતા. દસેક મહિના તંગ સ્થિતિ રહ્યા પછી ભારતના મક્કમ વલણ સામે હવે ચીને ઝૂકવું પડ્યું હતું. રાજનાથ સિંહે જણાવ્યું કે શાંતિવાર્તાને વળગી રહેવાના ભારતના પ્રયાસો રંગ લાવ્યા છે. આખરે ચીન સાથે સૈન્ય પાછું ખેંચવાની સમજૂતી થઈ છે.
ફિંગર-૪ થી ૭ સુધીનો વિસ્તાર ખાલી રખાશે. સૈન્ય પાછું ખેંચી લેવાની કાર્યવહારી પુર્ણ થશે એટલે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફરીથી મીટિંગ થશે અને આગળનો રોડમેપ તૈયાર કરાશે.

સતત મંત્રણા બાદ સંમતિઃ રાજનાથ સિંહ

લદ્દાખમાં એલએસી (લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ) ખાતેથી સેનાઓ પાછી ખેંચવાનો ભારત અને ચીનની સેનાઓએ પ્રારંભ કર્યો હોવાના ચીની મીડિયાના અહેવાલોના એક દિવસ બાદ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ૧૧ ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ચીન સાથે ચાલી રહેલી સતત મંત્રણાઓને પગલે બંને દેશ લદ્દાખમાં એલએસી પર આવેલા પેંગોંગ ત્સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પરથી સેનાઓ પાછી ખેંચવા સહમત થયા છે.
પૂર્વ લદ્દાખની સ્થિતિનો ચિતાર આપતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત અને ચીન એકબીજા સાથે સંકલન સાધીને તબક્કાવાર સેના પાછી ખેંચશે. પ્રથમ તબક્કામાં ભારતીય સેના ફિંગર-ટુ અને ફિંગર-થ્રી વચ્ચે આવેલી તેની ધનસિંહ થાપા પોસ્ટ ખાતે ખસી જશે જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ફિંગર-એઇટની પૂર્વમાં ખસી જશે. ચીનની સેના પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારા પર આવેલા ફિંગર-એઇટની પૂર્વમાં પોતાના દળો તહેનાત કરશે જ્યારે ભારત ફિંગર-થ્રી ખાતેના તેના પરમેનન્ટ બેઝ ખાતે સેના રાખશે.

બન્ને દેશ લશ્કરી માળખા તોડી પાડશે

બંને દેશ પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે થતી પેટ્રોલિંગની નિયમિત પ્રવૃત્તિ પણ થોડા સમય માટે સ્થગિત કરવા સહમત થયા છે. એપ્રિલ ૨૦૨૦ પછી પેંગોંગ ત્સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પર બંને સેનાઓ દ્વારા ઊભા કરાયેલાં માળખાને તોડી પડાશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પેંગોંગ ત્સો લેક ખાતેથી સેના સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાયા બાદના ૪૮ કલાકમાં ભારત અને ચીનના સિનિયર કમાન્ડરોની મંત્રણા યોજાશે અને બાકીના મુદ્દાઓના ઉકેલ પર ચર્ચા કરશે.

ભારતે કશું ગુમાવ્યું નથી

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સેના પાછી ખેંચવાની પ્રક્રિયામાં ભારતે કશું ગુમાવ્યું નથી. હજુ સેનાની તહેનાતી અને પેટ્રોલિંગના મુદ્દે કેટલાક મતભેદો છે. ભવિષ્યની મંત્રણાઓમાં તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે. પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક ઘણા સ્થળોએ ભારત અને ચીનની સેનાઓ સામસામે છે. ચીને મોટી સંખ્યામાં જવાનો, શસ્ત્રસરંજામ ખડકી રાખ્યો છે. ભારત એલએસી પર શાંતિ જાળવવા પ્રતિબદ્ધ છે.

છતાં સાવચેતી જરૂરીઃ પૂર્વ સેનાધ્યક્ષ

ભારતીય સેનાના પૂર્વ અધ્યક્ષ જનરલ વિક્રમ સિંહે ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતી પર જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક સમજૂતીઓ પર ચીનનો રેકોર્ડ ખરાબ છે. ચીન સાથે પહેલાં પણ વ્યૂહાત્મક સમજૂતીઓ થઇ ચૂકી છે તેમ છતાં ચીન અવળચંડાઇ કરવાનું ચૂકતો નથી. તેથી આપણે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. ચીનની નેતાગીરી હંમેશા દબાણ હેઠળ કામ કરતી હોય છે. આપણે સારા ભવિષ્યની આશા સાથે આગળ વધવું જોઇએ.

હવે ડેપ્સાંગ પ્લેઇનનો મુદ્દો ઉઠાવશે ભારત

એલએસી પર પેંગોંગ ત્સો લેક ખાતે ભારત-ચીન વચ્ચે સર્જાયેલો વિવાદ સમેટાઈ ગયો છે. હવે ભારત સરકાર ચીન સાથેની આગામી મિલિટરી કમાન્ડર સ્તરની બેઠકમાં ડેપ્સાંગ પ્લેઇનનો મુદ્દો ઉઠાવશે. પેંગોં ત્સોમાં સેના પાછી ખેંચવા માટે ભારત સરકાર કૈલાશ રેન્જ ખાલી કરવા સહમત થઈ તે મામલો થોડો ચિંતાજનક છે અને ડેપ્સાંગ માટેની વાતચીતમાં મુશ્કેલી સર્જી શકે છે.

ભારતીય સેના ક્યાં સુધી પાછી ખસશે?

• એલએસી પરથી ટૂંક સમયમાં પ્રોટોકોલ પ્રમાણે સેનાઓ પાછી ખેંચી લેવાશે. • પહેલા તબક્કામાં પેંગોંગ ત્સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પરથી સેનાઓ પાછી ખેંચાશે. • ચીની સેના પેંગોંગના ઉત્તર કિનારાના ફિંગર-એઇટની પૂર્વ સુધી પાછી ખસશે. • ભારતીય સેના ફિંગર-ટુ અને થ્રી વચ્ચે આવેલી ધનસિંહ થાપા પોસ્ટ સુધી પાછી ખસશે. • નોર્થ બેન્ક પર પેટ્રોલિંગ સહિતની મિલિટરી પ્રવૃત્તિઓ હંગામી ધોરણે સ્થગિત રખાશે. • બંને પક્ષ વચ્ચે સમજૂતી સધાયા બાદ જ આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાશે.

ભારત મંત્રણામાં ૩ મહત્ત્વના સિદ્ધાંતોને વળગી રહ્યો

• બંને દેશે ચુસ્તતાથી એલએસીનું સન્માન કરવું જોઇએ
• કોઇ પણ દેશે એકતરફી રીતે એલએસી પર સ્થિતિમાં બદલાવનો પ્રયાસ કરવો નહીં
• એલએસી માટે બંને દેશ વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારો અને સમજૂતીઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter